વડાપ્રધાન નરેન્દ્રાભાઇ મોદીએ ગત રવિવારે જામનગર નજીક રિલાયન્સ દ્વારા બનાવવામાં આવેલ વિશાળ વનતારા પ્રોજેકટની મુલાકાત લીધી હતી. ત્યારે વનતારાની અંદરનો અત્યાર સુધી બહાર નહીં આવેલો વન્ય જીવનનો નજારો સામે આવ્યો છે. દૂરદર્શન દ્વારા વડાપ્રધાનની ‘વનતારા’ની મુલાકાતો સાત મીનિટનો વીડિયો રિલીઝ કરવામાં આવ્યો છે.
આ વીડિયોમાં વનતારામાં વિહરતી વન્ય જીવસૃષ્ટીનો અદભૂત નજારો જોવા મળ્યો છે. વડાપ્રધાને આ મુલાકાત દરમિયાન ‘વનતારા’માં વાઇલ્ડ લાઇફ રેસ્કયૂ, રિહેબિલિશન અને ક્ધઝર્વેશન સેન્ટરનું ઉદ્ઘાટન પણ કર્યુ હતુ. વનતારામાં 2000થી વધુ પ્રજાતિઓના 1.5 લાખથી વધુ બચાવી લેવામાં આવેલા પ્રાણીઓ વિહાર કરી રહ્યા છે. અહીં આધુનિક પશુ ચિક્રિત્સાની તમામ સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે.
જુરાસિક પાર્ક ફિલ્મમાં નામશેષ થયેલી ડાયનોસોર પ્રજાતિને પડદા ઉપર જીવંત કરવામાં આવી હતી. જયારે રિલાયન્સ ગ્રૂપે વનતારામાં પૃથ્વી પર હાલ જીવંત પ્રજાતિઓનો અનોખો પાર્ક બનાવ્યો છે. જેમાં દુર્લભ એવા સફેદ સિંહનું બચ્ચું, વાદળછાયુ દિપડાનુ બચ્ચું, બે માથાવાળો અજગર, બે માથાવાળો સાપ સહિતના વિશેષ આકર્ષણો વડાપ્રધાને નજીકથી નિહાળ્યા હતા.

