Site icon Gujarat Mirror

ફરિયાદ-સંકલનની બેઠકમાં રિ-સરવે, જર્જરિત મકાનો અને ટ્રાફિક સહિતના પ્રશ્ર્નો રજૂ કરાયા

રાજકોટ જિલ્લા ક્લેક્ટર ડો. ઓમ પ્રકાશની અધ્યક્ષતામાં જિલ્લા ફરિયાદ સહ સંકલન સમિતિની બેઠક યોજાઈ હતી. જેમાં લોકપ્રતિનિધિઓ દ્વારા લોકહિતને લગતા વિવિધ પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા. બેઠકમાં આ પ્રશ્નોના સત્વરે નિકાલ માટે સંબંધિત વિભાગોને સૂચના આપવામાં આવી હતી.

રાજકોટના સાંસદ પરશોત્તમભાઈ રૂૂપાલા વતી દેપાળીયા ગામનો રિ-સર્વે તેમજ દબાણ સંબંધિત પ્રશ્ન રજૂ થયો હતો. જેમાં ટેક્નિકલ વિગતો ચકાસીને તેનો ઉકેલ લાવવા સૂચના આપવામાં આવી હતી. જ્યારે સાંસદ રામભાઈ મોકરિયા દ્વારા સિવિલ હોસ્પિટલને લગતા, શહેરમાં જર્જરીત સરકારી ઇમારતો, કોઠારીયા બાયપાસ ફ્લાયઓવર સંબંધિત પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા. જેમાં સિવિલમાં સુરક્ષા જાળવવા માટે કડક પગલા લેવા, શહેરમાં રહેલી 176 જર્જરીત ઇમારતો અંગે તેમજ કોઠારીયા ફ્લાયઓવરનું કામ સમયસર શરૂૂ થઈ જાય તે અંગે યોગ્ય કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હતી.

ધારાસભ્ય ડો. દર્શિતાબહેન શાહ દ્વારા સિવિલ હોસ્પિટલના નવીનીકરણ, રજીસ્ટ્રાર ઓફિસ નવી બનાવવા તથા એઈમ્સમાં વિવિધ વિભાગો અને નર્સિંગ કોલેજ સંબંધિત પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા.
ધારાસભ્ય રમેશભાઈ ટીલાળા દ્વારા વોર્ડ નંબર 18માં ઝૂંપડા તેમજ પાર્કિંગ સહિતના દબાણો તેમજ અસામાજિક પ્રવૃતિનો પ્રશ્ન તથા વોર્ડ નંબર 17માં ખુલ્લા પ્લોટમાં દબાણોનો પ્રશ્ન રજૂ કરવામાં આવ્યો હતો. આ પ્રશ્નોના નિકાલ માટે યોગ્ય પગલાં લેવા સૂચના આપવામાં આવી હતી.

આ બેઠકમાં જિલ્લા પંચાયતની સામાજિક ન્યાય સમિતિના ચેરમેન ભાનુબહેન બાબરીયા, જિલ્લા વિકાસ અધિકારી અનંદુ સુરેશ ગોવિંદ, જિલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જર, આસિ. ક્લેક્ટર મહેક જૈન, ડી.સી.પી. ઝોન -2 રાકેશ દેસાઈ, નિવાસી અધિક કલેક્ટર એન. કે. મૂછાર, વિવિધ વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Exit mobile version