વોલ્ગા ઘી ડેપોમાંથી 512 કિલો શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયો

રાજકોટ શહેરમાં પ્રજાના આરોગ્ય સાથે ચેડાં કરતી ગેરકાયદેસર અને બિનકાયદેસર પ્રવૃત્તિઓ શોધી કાઢીને તેના પર કડક કાયદાકીય કાર્યવાહી કરવા માટે રાજકોટ શહેરના પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર…

રાજકોટ શહેરમાં પ્રજાના આરોગ્ય સાથે ચેડાં કરતી ગેરકાયદેસર અને બિનકાયદેસર પ્રવૃત્તિઓ શોધી કાઢીને તેના પર કડક કાયદાકીય કાર્યવાહી કરવા માટે રાજકોટ શહેરના પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝા, અધિક પોલીસ કમિશ્નર ચૈતન્ય મંડલીક, નાયબ પોલીસ કમિશ્નર(ક્રાઇમ) જગદીશ બાંગરવા તથા મદદનીશ પોલીસ કમિશ્નર ભરત બી. બસીયા તરફથી સ્પષ્ટ સૂચનાઓ આપવામાં આવી હતી. આ સૂચનાના અનુસંધાને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (એસ.ઓ.જી.) શાખાના પોલીસ ઇન્સપેક્ટર એન.બી.ચૌધરીની સીધી રાહબરી હેઠળ પી.એસ.આઇ. એમ.વી.જાડેજા તથા તેમની ટીમ શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી. પેટ્રોલીંગ દરમિયાન એસ.ઓ.જી. શાખાના હેડ કોન્સ્ટેબલ યોગરાજસિંહ છનુભા તથા કોન્સ્ટેબલ અનોપસિંહ પ્રવિણસિંહને ચોક્કસ ખાનગી બાતમી મળી હતી કે કેવડાવાડી મેઇન રોડ પર બોમ્બે આર્યન પાસે આવેલી ‘વોલ્ગા ઘી ડેપો’ નામની દુકાનમાં તેનો માલિક સોયાબીન ઓઇલ, વનસ્પતિ ઘી અને દૂધની બનાવટનું ઘી મિક્સ કરીને ભેળસેળવાળું નકલી ઘી બનાવી અલગ અલગ ડબ્બાઓમાં પેક કરી ગ્રાહકોને શુદ્ધ ઘી તરીકે વેચી રહ્યો છે.

મળેલી ચોક્કસ બાતમીના આધારે એસ.ઓ.જી. ટીમે તુરંત કેવડાવાડી મેઇન રોડ સ્થિત ‘વોલ્ગા ઘી ડેપો’ ખાતે દરોડો પાડ્યો હતો. સ્થળ પર તપાસ કરતા દુકાનના માલિક કેવલભાઈ જયપ્રકાશભાઈ ચંદ્રાણી (લોહાણા, ઉંમર વર્ષ 39, રહેવાસી- જાગનાથ શેરી નં.3, અમી સંસ્કૃતિ એપાર્ટમેન્ટ, ફ્લેટ નં.103, રાજકોટ) હાજર મળી આવ્યા હતા. પોલીસે દુકાનની તલાશી લેતા તેમાંથી મોટા પ્રમાણમાં શંકાસ્પદ ઘીનો જથ્થો, વનસ્પતિ ઘી, ખાલી કાચની બોટલો, પ્લાસ્ટિકના ડબ્બા, સીલ કરવાનો સંચો, ઇલેક્ટ્રિક વજન કાંટો, ગેસનો બાટલો, ચુલો અને પેકિંગ સામગ્રી મળી આવી હતી. બનાવ અંગે આરોગ્ય વિષયક ગંભીરતાને ધ્યાને રાખીને રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય શાખાના ફૂડ સેફ્ટી ઓફિસર કે.એમ.રાઠોડને સ્થળ પર બોલાવવામાં આવ્યા હતા અને મળી આવેલા શંકાસ્પદ ઘીના જથ્થાના કાયદેસરના સેમ્પલ લેવડાવી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

પોલીસ દરોડા દરમિયાન સામે આવ્યું કે આરોપી કેવલ ચંદ્રાણી ગ્રાહકોને અસલ અને શુદ્ધ ઘીના નામે છેતરવા માટે મોટું કૌભાંડ ચલાવતો હતો. સ્થળ પરથી ‘જામ ખંભાળિયાનું શુદ્ધ ભેંસનું વલોણાનું ઘી’, ‘ગૌશાળાનું શુદ્ધ દેશી ગાયનું ઘી’, ‘કામધેનુ પ્રીમિયમ ઘી’, ‘માખણનું ઘી’ અને ‘ગીર ગાયનું ઘી’ લખેલા આકર્ષક કલરફુલ સ્ટીકરો મળી આવ્યા હતા. આરોપી વનસ્પતિ ઘી અને સોયાબીન તેલનું મિશ્રણ બનાવીને તેને સ્ટીલની ટીપાઇઓ, પતરાના સીલપેક ડબ્બાઓ તથા કાચ અને પ્લાસ્ટિકની બોટલોમાં પેક કરતો હતો. આ નકલી ઘીને પ્રતિ લીટર રૂૂ. 400 થી લઇને રૂૂ. 700 સુધીના ઊંચા ભાવે વેચવામાં આવતું હતું. સ્થળ પરથી 260 જેટલા ‘હોમમેડ કાઉ ઘી’ના સ્ટીકરો તથા અલગ અલગ બ્રાન્ડના 150થી વધુ સ્ટીકરો અને 200થી વધુ પેકિંગ ડબ્બાઓ જપ્ત કરવામાં આવ્યા હતા.

એસ.ઓ.જી. પોલીસ શાખા દ્વારા સ્થળ પરથી કુલ રૂૂપિયા 2,83,879/- ની કિંમતનો 315 કિલગ્રામથી વધુ વનસ્પતિ ઘી, શંકાસ્પદ ઘીની બોટલો, ટીન ડબ્બાઓ તથા બનાવટ માટે વપરાતા સાધન-સામગ્રી સહિતનો તમામ મુદ્દામાલ સીઝ કરવામાં આવ્યો છે.