ગુજરાત

ધોરાજીમાં ચોરીનું આળ મૂકી પોલીસ હવાલે કરાયેલા શખ્સનો લોકઅપમાં આપઘાત

Published

on

લઘુશંકા કરવા ગયેલા શખ્સે ગમછાથી ફાંસો ખાઈ લીધો: પોલીસની બેદરકારીનો આક્ષેપ

ધોરાજીમાં ચોરી કરવાના ઈરાદે આવેલા શકમંદ શખસને લોકોએ પકડી પાડી ચોરી કરવા આવ્યાની શંકાએ પોલીસ હવાલે કર્યો હતો. આ શખસે પોલીસ લોકઅપમાં આપઘાત કરી લેતા આ કસ્ટોડિયલ ડેથ મામલે પોલીસમાં દોડધામ મચી ગઈ હતી.


આ યુવકે ચોરી કરી છે કે કેમ ? તે બાબતે હજુ કોઈ સ્પષ્ટતા થઈ ન હોય અને પોલીસ લોકઅપમાં તેણે આપઘાત કરી લેતાં આ કસ્ટોડિયલ ડેથ મામલે ડીવાયએસપી સહિતના અધિકારીઓ ધોરાજી પોલીસ સ્ટેશન ખાતે દોડી ગયા હતાં.


યુવક દલિત સમાજનો હોય અનુસુચિત જાતિના લોકો મોટી સંખ્યામાં હોસ્પિટલે ઉમટી પડયા હતાં. પોલીસે મૃતદેહને ફોરેન્સીક પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડી વધુ તપાસ શરૂ કરી છે.મળતી વિગતો મુજબ ધોરાજીના બહારપુરા સિધ્ધાર્થનગર નજીક ભુખી ચોકડી પાસે રહેતા કમલેશ કેશવજી પરમાર નામના 30 વર્ષિય યુવાનને ધોરાજીના હનુમાન મંદિર પાસેથી લોકોએ ચોરી કરવા આવ્યો હોવાની શંકાએ ઝડપી લઈ તેને પોલીસ હવાલે કરી દીધો હતો.


પોલીસ તેની પુછપરછ કરતી હતી તે દરમિયાન કમલેશ પરમાર લઘુશંકા કરવા ગયો હતો અને પોલીસ લોકઅપમાં ગમછા વડે ગળેફાંસો ખાઈ લેતાં તેને તાત્કાલીક ધોરાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પરંતુ સારવાર મળે તે પૂર્વે જ તેનું મોત થયું હતું. પોલીસ લોકઅપમાં આરોપીના મોતના મામલે પોલીસ બેડામાં ભારે ચર્ચા જાગી હતી. મૃતક કમલેશના પરિવારજનો તેમજ અનુસુચિત જાતિના લોકો મોટી સંખ્યામાં હોસ્પિટલે ઉમટી પડયા હતાં. યુવકના મૃતદેહને ફોરેન્સીક પોસ્ટ મોર્ટમ અર્થે રાજકોટ ખસેડવામાં આવ્યો છે.


આ અંગે ડીવાયએસપી રોહિતસિંહ ડોડીયા સહિતનો સ્ટાફ ધોરાજી ખાતે દોડી ગયો હતો અને આ મામલે જરૂરી તપાસ શરૂ કરવામાં આવી છે.ધોરાજીનાં હનુમાન મંદિર પાસેથી પકડાયેલો કમલેશ ખરેખર ચોરી કરવા આવ્યો હતો કે કેમ ? તે બાબતે હજુ કોઈ સ્પષ્ટતા થઈ નથી. પોલીસે તેની પુછપરછ શરૂ કરી ત્યારે જ તેણે આ પગલું ભરી લીધું હોય આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version