Site icon Gujarat Mirror

જામનગર રોડ પર પરાપીપળિયામાં ચાલુ બાઇકે સગીરને કુહાડીનો ઘા ઝીંકયો

જામનગર રોડ પર આવેલા પરાપીપળીયા ગામમાં 17 વર્ષીય સગીરને વિક્રમ સોનારા નામના શખસે ચાલુ બાઇકે કુહાડીનો ઘા ઝીંકી દીધો હતો. જેથી સગીર બાઇક પર પડી જતા આ શખસે વધુ એક ઘા ઝીંકી દીધો હતો. આ અંગે ગાંધીગ્રામ પોલીસે ગુનો નોંધી તાકીદે વિક્રમ સોનારાને ઝડપી કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.વધુ વિગતો મુજબ, પરાપીપળીયા ગામે રહેતા 45 વર્ષીય આધેડ જયંતિભાઇ દાનાભાઈ રાઠોડે ગાંધીગ્રામ પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે વિક્રમ સોનારાનું નામ આપતાં જણાવ્યું હતું કે સંતાનમાં મોટો પુત્ર હરદેવ(ઉ.વ.20) અને નાનો કિશન (ઉ.વ.17) છે.

ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગત તા.15-02-2026 ના રોજ સાંજના આશરે સાત વાગ્યાની આસપાસ તે ઘરે હતા ત્યારે કૌટુંબિક ભાઇ જેઠુરભાઇનો ફોન આવ્યો હતો કે, તમારા નાના દિકરા કિશનને થોડુ વાગેલુ છે, જેથી તેને એઇમ્સ હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવેલ છુ, તો તમે એઇમ્સ હોસ્પિટલ ખાતે આવો. જેથી આધેડ એઇમ્સ હોસ્પિટલ જઇ જોતા પુત્રના કપાળે પાટો બાંધેલો હતો, કપડા પર લોહીના ડાઘા જોવા મળ્યા હતા. બાદ તેમણે જેઠૂરભાઈને બનાવ અંગે પૂછતાં તેમણે જણાવેલ કે, હું અને કિશન ગ્રીન ફિલ્ડ ક્રિકેટ ગ્રાઉંડ, જામનગર રોડથી ક્રિકેટ રમીને બાઇક લઈને ઘરે આવતા હતા.હુ બાઇક ચલાવતો હતો અને કિશન મારી પાછળ બેસેલ હતો. તે દરમિયાન રસ્તામાં પરાપિપળીયાના પાટીયાથી થોડા આગળ પહોંચતા ત્યા રોડ ઉપર વિક્રમભાઈ સોનારા સામેથી ચાલીને આવતો હતો અને તેના હાથમા કુહાડો હતો. તેણે અચાનક જ કોઇ કારણસર ચાલુ બાઇકમા કુહાડાનો ઘા મારવા જતા હું નીચે ઝૂંકી ગયેલો હતો.

જેથી પાછળ બેઠેલા કિશનને કપાળના ભાગે જમણા નેણ ઉપર કુહાડાનો ઘા વાગી ગયેલ હતો અને હું તથા કિશન બન્ને મોટર સાયકલ સહીત નીચે પડી ગયેલ હતા. બાદ વિક્રમે ફરીથી બીજો કુહાડાનો ઉંધો ઘા કિશનના જમણા હાથના ભાગે મારેલ હતો.બાદ વિક્રમ નાસી ગયો હતો.આ અંગે ગાંધીગ્રામ પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ પૃથ્વીરાજસિંહ ગોહિલે તપાસ હાથ ધરી વિક્રમ સોનારાને ઝડપી લીધો હતો.યુવાને કયાં કારણસર આ હુમલો કરવામાં આવ્યો તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.

Exit mobile version