સાયલામાં રહેતા માતા-પુત્ર માળીયા મીયાણાના ખીરઈ ગામે આવેલી દરગાહે સલામ કરવા જતાં હતાં ત્યારે આઈસર ચાલકે માતા-પુત્રને ઠોકરે ચડાવતાં અકસ્માત સર્જાયો હતો. જે જીવલેણ અકસ્માતમાં પુત્રની નજર સામે જ જનેતાનું કમકમાટીભર્યુ મોત નિપજ્યું હતું. જ્યારે સગીરને ઈજા પહોંચતાં સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યો હતો.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, સાયલામાં રહેતાં દિલશાનાબેન સલીમભાઈ ભાડુલા (ઉ.36) અને તેમનો પુત્ર સિકંદર સલીમ ભાડુલા (ઉ.17) માળીયા મીયાણાના ભીમસર ચોકડી પાસે હતાં ત્યારે અજાણ્યા આઈસરના ચાલકે માતા-પુત્રને ઠોકરે ચડાવતાં અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા દિલશાનાબેન ભાડુલાનું પુત્ર સિકંદર ભાડુલાની નજર સામે જ મોત નિપજ્યું હતું. જ્યારે અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા સિકંદર ભાડુલાને તાત્કાલીક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યો હતો.
પુછપરછમાં મૃતક દિલશાનાબેન સગીર પુત્ર સિકંદર ભાડુલા સાથે માળીયા મીયાણાના ખીરઈ ગામે દરગાહે સલામ કરવા જતાં હતાં ત્યારે જીવલેણ અકસ્માત નડયો હોવ્નું જાણવા મળ્યું છે. આ અંંગે માળીયા મીયાણા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

