પંજાબ સરકાર માટે એક ઝટકા સમાન ઘટનામાં, આપના ત્રણ ધારાસભ્યો – કુંવર વિજય પ્રતાપ સિંહ, હરમીત સિંહ પઠાણમાજરા અને ચેતન સિંહ જૌરામાજરા – સોમવારે (2 નવેમ્બર, 2026) નવી દિલ્હીમાં પક્ષના મુખ્યાલય ખાતે ભાજપમાં જોડાયા. 2027માં યોજાનારી પંજાબ વિધાનસભા ચૂંટણી પહેલાં, બે ધારાસભ્યોએ – જેમાંથી એક સત્તાધારી આમ આદમી પાર્ટી (AAP)ના પૂર્વ મંત્રી હતા – પક્ષની પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપી દીધું હતું.
પંજાબના આપ ધારાસભ્યો – કુંવર વિજય પ્રતાપ સિંહ, હરમીત સિંહ પઠાણમાજરા અને ચેતન સિંહ જૌરામાજરા – નવી દિલ્હીમાં પક્ષના મુખ્યાલય ખાતે ભાજપમાં જોડાયા હતા. સમાના વિધાનસભા મતવિસ્તારના ચેતન સિંહ જૌરામાજરા અને પટિયાલા જિલ્લાના સનોરના હરમીત સિંહ પઠાણમાજરાએ જણાવ્યું હતું કે, તેઓ પક્ષ છોડી રહ્યા છે કારણ કે પક્ષ 2022ની વિધાનસભા ચૂંટણી દરમિયાન આપેલાં વચનો પૂરા કરવામાં નિષ્ફળ રહ્યો છે. ભૂતપૂર્વ ઈંઙજ અધિકારી કુંવર વિજય પ્રતાપ સિંહે સોમવારે ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું હતું. તેમને તાજેતરમાં જ AAPમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.
દરમિયાન, AAP એ અન્ય પક્ષો છોડીને આવેલા અથવા ત્યાંથી હાંકી કાઢવામાં આવેલા નેતાઓને પોતાના પક્ષમાં સામેલ કરવાના ભારતીય જનતા પાર્ટીના પ્રયાસોની આકરી ટીકા કરી છે. AAPના પંજાબના મુખ્ય પ્રવક્તા અને ધારાસભ્ય કુલદીપ સિંહ ધાલીવાલે કહ્યું કે, AAP એ હંમેશા પંજાબના હિતોને સર્વોપરી રાખ્યા છે અને ભ્રષ્ટાચારના મામલે પોતાના જ મંત્રીઓ અને ધારાસભ્યો સામે કાર્યવાહી કરી છે, જ્યારે ભાજપ ગંભીર આરોપોનો સામનો કરી રહેલા નેતાઓને પોતાની સાથે જોડવાનો પ્રયાસ કરી રહ્યું છે.
