પોરબંદર નજીક આવેલા ગોરસર ટોલ નાકા પાસે આજે વહેલી સવારે સર્જાયેલા એક ગમખ્વાર અકસ્માતે સમગ્ર પંથકમાં અરેરાટી મચાવી દીધી છે. કાર અને બાઈક વચ્ચે થયેલી સામસામેની આ ભયાનક ટક્કરમાં એક જ પરિવારના ત્રણ સભ્યોના ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યા છે. આ દુર્ઘટનામાં માસૂમ બાળકે પણ જીવ ગુમાવતા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, આજે વહેલી સવારે ગોરસર ટોલ નાકા પાસેથી એક પરિવાર બાઈક પર પસાર થઈ રહ્યો હતો. તે દરમિયાન સામેથી પૂરપાટ ઝડપે આવી રહેલી કાર સાથે બાઈકની જોરદાર ટક્કર થઈ હતી. આ ટક્કર એટલી પ્રચંડ હતી કે બાઈક પર સવાર ત્રણેય વ્યક્તિઓ ફંગોળાઈ ગયા હતા અને ગંભીર ઈજાઓને કારણે તેમનું ઘટનાસ્થળે જ મૃત્યુ નીપજ્યું હતું.
અકસ્માતમાં જીવ ગુમાવનારાઓમાં 34 વર્ષીય નઝીર જુમા સાટી, તેમની 30 વર્ષીય પત્ની રોઝીનાબેન નઝીર સાટી અને તેમના 3 વર્ષના માસૂમ પુત્ર શાહનવાઝ નઝીર સાટીનો સમાવેશ થાય છે. આ ત્રણેય સભ્યો એક જ બાઈક પર સવાર થઈને ક્યાંક જઈ રહ્યા હતા ત્યારે કાળમુખી કારે તેમને અડફેટે લીધા હતા.
ઘટનાની જાણ થતા જ આસપાસના લોકો દોડી આવ્યા હતા અને પોલીસને જાણ કરવામાં આવી હતી. અકસ્માતની ગંભીરતાને જોતા પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. ત્રણેય મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે માધવપુરની સીએસસી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. હાલ આ મામલે પોલીસે ગુનો નોંધીને કાર ચાલકની શોધખોળ હાથ ધરી છે.
