મોરબીમાં કોલ્ડ્રિંકસની દુકાનમાં ગઠિયાની ‘હાથકી સફાઈ’ સીસીટીવીએ ભાંડો ફોડયો

મોરબીના રેલ્વે સ્ટેશન રોડ પર આવેલી એક પાન-કોલ્ડ્રિંક્સની દુકાનમાં ગ્રાહક બનીને આવેલા શખ્સે વેપારીની નજર ચુકવી ટેબલના ખાનામાંથી રોકડ રકમની ચોરી કરી હતી. વેપારી ઠંડા…

મોરબીના રેલ્વે સ્ટેશન રોડ પર આવેલી એક પાન-કોલ્ડ્રિંક્સની દુકાનમાં ગ્રાહક બનીને આવેલા શખ્સે વેપારીની નજર ચુકવી ટેબલના ખાનામાંથી રોકડ રકમની ચોરી કરી હતી. વેપારી ઠંડા પીણાની બોટલ લેવા ઊભા થયા તે તકનો લાભ ઉઠાવી આરોપીએ હાથફેરો કર્યો હતો. આ મામલે ભોગ બનનાર વેપારીએ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીને પકડી પાડ્યો હતો.

નાની વાવડી પાસે ભગવતી પાર્કમાં રહેતા શૈલેષભાઇ દામજીભાઇ સોલંકી રેલ્વે સ્ટેશન રોડ પર ‘રાજુ પાન એન્ડ કોલ્ડ્રીક્સ’ નામની દુકાન ધરાવે છે. ગત તારીખ 25 એપ્રિલના રોજ સાંજના આશરે સાડા સાત વાગ્યાના સુમારે કુલદીપ ઉર્ફે કાલી ખીચી (રહે. રણછોડનગર, મોરબી) નામનો શખ્સ તેમની દુકાને આવ્યો હતો. આરોપીએ ઠંડા પીણાની બોટલ માંગતા શૈલેષભાઇ જેવો બોટલ લેવા માટે ઊભા થયા, કે તરત જ આરોપીએ ગલ્લાના ખાનામાં રાખેલા રૂૂ 30 હજાર રોકડ રકમની ચોરી કરી લીધી હતી અને ત્યાંથી નાસી છૂટ્યો હતો. આ અંગે મોરબી પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી તેને ઝડપી પાડ્યો હતો.

થોડા દિવસો પહેલા એક વેપારી પાસેથી બાઈકમાં લીફ્ટ લઇ અંધારી ગલીમાં લઇ જઈને 15 હજાર રોકડ તથા બાઈકની લૂંટ ચલાવતા આ આરોપી અને તેના સાથીદાર દેવાસિંગ ભારતસિંગ સરદારજી વિરુદ્ધ ગુનો નોંધાયો હતો. આ ઉપરાંત આરોપીઓ વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન, બી ડીવીઝન અને તાલુકા પોલીસ સ્ટેશનમાં કુલ 7 ગુનાઓ નોંધાઈ ચુક્યા છે. આરોપી કુલદીપને બાઈક અને 10 હજાર રોકડા સાથે પકડ્યા બાદ પોલીસે અન્ય આરોપી દેવાસિંગને પકડવા તજવીજ હાથ ધરી છે.

કિશોર ગુમ
મોરબીના લખધીરપુર રોડ પર આવેલી એક ખાનગી કંપનીના લેબર ક્વાર્ટરમાંથી 13 વર્ષનો સગીર રહસ્યમય સંજોગોમાં ગુમ થઇ ગયો હતો. પિતાની મંજૂરી વગર કોઈ અજાણ્યો શખ્સ સગીરનું અપહરણ કરી ગયો હોવાની આશંકા સાથે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

પ્રાપ્ત માહિતી મુજબ, મૂળ બિહારના અને હાલ લખધીરપુર રોડ પર ‘ઈનબોક્ષ ઓટોપેક’ કંપનીમાં મજૂરી કામ કરતા તસલીમખાન સુભાનખાન નટનો 13 વર્ષીય પુત્ર અબ્દુલ ગત તારીખ 27ના રોજ બપોરના સાડા ત્રણેક વાગ્યાના સુમારે કંપનીના ક્વાર્ટર પાસેથી ગુમ થયો હતો. સગીર તેના પિતાને કામના સ્થળે મળીને પરત ફર્યા બાદ જોવા મળ્યો નહોતો. પરિવારજનો અને કંપનીના માલિકે આસપાસના વિસ્તારમાં શોધખોળ કરવા છતાં અબ્દુલનો કોઈ પત્તો લાગ્યો ન હતો. ગુમ થનાર સગીરે પીળા કલરનો ટપકી વાળો શર્ટ અને બ્લુ નાઈટપેન્ટ પહેરેલ છે, તેમજ તેની દાઢી પર જૂના વાગ્યાનું નિશાન છે. અંતે પિતાએ અજાણ્યા ઇસમ વિરુદ્ધ અપહરણની ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.