પંજાબથી નશાકારક હેરોઇન મંગાવી પરપ્રાંતિય મજૂરોને વેંચવાનું મોટું નેટવર્ક પકડાયું

જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના મેઘપર (પડાણા) પોલીસ સ્ટેશનમાં ગેરકાયદેસર રીતે માદક પદાર્થ ના વેચાણ નો કાળો કારોબાર ચલાવવાના સંદર્ભમાં એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધાયો છે.…

જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના મેઘપર (પડાણા) પોલીસ સ્ટેશનમાં ગેરકાયદેસર રીતે માદક પદાર્થ ના વેચાણ નો કાળો કારોબાર ચલાવવાના સંદર્ભમાં એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધાયો છે. અને ત્રણ શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. પોલીસના જણાવ્યા મુજબ આરોપીઓ પંજાબથી હેરોઈન (ઓપીયમ ડેરિવેટિવ્ઝ) મંગાવી પડાણા અને આસપાસના વિસ્તારમાં રહેતા પરપ્રાંતીય મજૂરોને નાની-નાની પુડિયાં બનાવી વેચતા હતા. આ કેસમાં પંજાબના એક શખ્સને ફરાર આરોપી જાહેર કરવામાં આવ્યો છે.

પોલીસે નોંધેલી ફરિયાદ મુજબ 8 માર્ચ, 2026ના રોજ પડાણા ગામે પાણીના ટાંકા પાસે દિનેશભાઈ મઢવીની રહેણાંક ઓરડીમાં દરોડો પાડતા પ્રભશેરસિંહ સર્વેદરસિંહ (ઉ.વ.35), શેરસિંહ ઉર્ફે શેરા ગુરદેવસિંહ (ઉ.વ.40) અને દિલબાગસિંહ બચ્ચનસિંહ (ઉ.વ.45) ત્રણેય હાલ પડાણામાં રહેતા અને મૂળ પંજાબના રહેવાસી મળી આવ્યા હતા.

તપાસ દરમિયાન આરોપીઓના કબજામાંથી હેરોઈન (ઓપીયમ ડેરિવેટિવ્ઝ) 6.23 ગ્રામ કિંમત રૂૂ.1,24,600, ચાર મોબાઇલ ફોન કિંમત રૂૂ.15, 55.00, એક ઇલેક્ટ્રોનિક વજન કાંટો કિંમત રૂૂ.500 તથા રોકડા રૂૂ.1510 મળી કુલ રૂૂ.1,42,110નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.

પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આરોપી પ્રભશેરસિંહે પંજાબના અમૃતસર જિલ્લાના બોપારાઈ ગામના મનાસિંહ પુત્ર મુખાસિંહ પાસેથી હેરોઈન ખરીદી હતી. ત્યારબાદ ત્રણેય આરોપીઓ મળીને પડાણા તથા આસપાસના વિસ્તારમાં રહેતા પરપ્રાંતીય મજૂરોને છૂટક પુડિયાં બનાવી તેનું વેચાણ કરતા હતા.
આ મામલે મેઘપર (પડાણા) પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ એક્ટની કલમ 8(સી), 21(બી) અને 29 મુજબ ગુનો નોંધાયો છે. ફરિયાદ એએસઆઈ વિરેન્દ્રસિંહ ચંદુભા જાડેજા દ્વારા નોંધાવવામાં આવી છે, જ્યારે ગુનો પોલીસ ઇન્સ્પેક્ટર પી.ટી. જયસ્વાલ સમક્ષ દાખલ કરવામાં આવ્યો છે. પોલીસ ફરાર આરોપી તથા ડ્રગ્સ સપ્લાય ચેઇન સાથે સંકળાયેલા અન્ય શખ્સોની શોધખોળ સહિત વધુ તપાસ ચલાવી રહી છે.

ધ્રોલમાં અમદાવાદના બુકીની આઇડી પર સટ્ટો રમતો વેપારી પકડાયો
જામનગર જિલ્લાના ધ્રોલ શહેરના મેમણચોક વિસ્તારમાં ભારત-ઇંગ્લેન્ડ વન-ડે ક્રિકેટ મેચ પર ઓનલાઈન સટ્ટો રમતા એક વેપારીને ધ્રોલ પોલીસે ઝડપી પાડ્યો છે. આરોપી પાસેથી રૂૂ. 5 હજારની રોકડ રકમ અને રૂૂ. 10 હજાર કિંમતનો મોબાઇલ મળી કુલ રૂૂ. 15 હજારનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. ઉપરાંત ઓનલાઈન સટ્ટા માટેની આઈડી અમદાવાદના એક બુકીએ આપ્યાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હોવાથી પોલીસે તેની સામે પણ કાર્યવાહી હાથ ધરી છે.

ધ્રોલ પોલીસ સ્ટેશનના પોલીસ હેડ કોન્સ્ટેબલ રાજેશભાઈ કાથળભાઈ મકવાણાને પેટ્રોલિંગ દરમિયાન ખાનગી બાતમી મળી હતી કે ધ્રોલના મેમણચોક વિસ્તારમાં આવેલી રોયલ ટચ દુકાનની બહાર ઇમરાનભાઈ સલીમભાઈ દેદરાણી (ઉંમર 38), (રહે. મેમણચોક, દેરાસર શેરી,) પોતાના મોબાઇલમાં જુગાર રમી રહ્યો છે.
બાતમીના આધારે આરોપીને ઝડપી લેવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન તેના રિયલમી કંપનીના મોબાઇલમાં વેબસાઇટ પર તેની આઈડી ખુલ્લી મળી હતી. તેમાં ભારત-ઇંગ્લેન્ડ વન-ડે મેચમાં ઇંગ્લેન્ડની તરફેણમાં રૂૂ. 20 હજારનો દાવ લગાડેલો હોવાનું સામે આવ્યું હતું. આરોપીએ પોલીસ સમક્ષ કબૂલાત કરી હતી કે ઇંગ્લેન્ડ જીતે તો રૂૂ. 17 હજારનો નફો મળે તે માટે દાવ લગાવ્યો હતો. પૂછપરછ દરમિયાન આરોપીએ ઓનલાઈન સટ્ટા માટેની આઈડી અમદાવાદના દિનેશભાઈ તુલશીભાઈ સોમૈયા પાસેથી મેળવી હોવાનું જણાવ્યું હતું.