એપાર્ટમેન્ટમાં આગ લાગતા 40 રહીશોનું દિલધડક રેસ્કયુ

રાજકોટના મવડી નજીક વગડ ચોકડી પાસે આવેલા શ્યામલ ઉપવન એપાર્ટમેન્ટમાં શુક્રવારે એક અત્યંત ચિંતાજનક ઘટના સામે આવી હતી. આ એપાર્ટમેન્ટના છઠ્ઠા માળે અચાનક ભીષણ આગ…

રાજકોટના મવડી નજીક વગડ ચોકડી પાસે આવેલા શ્યામલ ઉપવન એપાર્ટમેન્ટમાં શુક્રવારે એક અત્યંત ચિંતાજનક ઘટના સામે આવી હતી. આ એપાર્ટમેન્ટના છઠ્ઠા માળે અચાનક ભીષણ આગ ફાટી નીકળતાં સમગ્ર વિસ્તારમાં ભારે અફરાતફરી અને નાસભાગ મચી ગઈ હતી. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, આગ એટલી ઝડપથી પ્રસરી હતી કે એપાર્ટમેન્ટના ઉપરના માળના રહીશો પોતાના ઘરોમાં જ ફસાઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ પાંચ ફાયર ફાઈટર સાથે તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને યુદ્ધના ધોરણે બચાવ કામગીરી શરૂૂ કરી હતી. ફાયર ફાઈટરોના જવાનોએ જીવના જોખમે આગમાં ફસાયેલા આશરે 40 જેટલા રહીશોને સુરક્ષિત અને સહીસલામત બહાર કાઢી મોટો અનર્થ ટાળ્યો હતો.

ફાયર બ્રિગેડના સત્તાવાર સૂત્રો પાસેથી મળતી વિગતો મુજબ, પ્રાથમિક તપાસમાં આગ લાગવાનું કારણ છઠ્ઠા માળે થયેલું શોર્ટ સર્કિટ હોવાનું બહાર આવ્યું છે. આ શોર્ટ સર્કિટના કારણે લાગેલી આગ જોતજોતામાં વિકરાળ બની ગઈ હતી અને લિફ્ટના ભાગેથી છેક 14મા માળ સુધી પ્રસરી ગઈ હતી. આગની તીવ્રતા એટલી વધારે હતી કે એપાર્ટમેન્ટના કેટલાક ફ્લેટના મુખ્ય દરવાજા પણ બળીને સંપૂર્ણ ખાખ થઈ ગયા હતા. જો કે, આગ વધુ વિકરાળ બને તે પહેલા સ્થાનિક લોકોએ પણ ભારે હિંમત બતાવીને એપાર્ટમેન્ટની પોતાની ઇન-બિલ્ટ ફાયર સિસ્ટમનો ઉપયોગ કરી આગ પર કાબૂ મેળવવાનો સરાહનીય પ્રયાસ કર્યો હતો. સદ્નસીબે, ફાયર બ્રિગેડની સમયસૂચકતા અને ત્વરિત કામગીરીને કારણે આ ભયાનક હોનારતમાં કોઈ જાનહાની થઈ ન હતી, જે એક મોટી રાહતના સમાચાર છે.