ઝરમરિયા ઝાપટામાં મહાકાય વૃક્ષ ધરાશાયી, સાત વાહન દટાયા

રાજકોટને સ્માર્ટ સિટી બનાવવા માટે મુખ્યપ્રધાન વિજય રૂૂપાણી તો ઠીક ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંથન કરવા આવે તો પણ ધાર્યુ પરિણામ આવી શકે તેમ લાગતુ…

રાજકોટને સ્માર્ટ સિટી બનાવવા માટે મુખ્યપ્રધાન વિજય રૂૂપાણી તો ઠીક ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંથન કરવા આવે તો પણ ધાર્યુ પરિણામ આવી શકે તેમ લાગતુ નથી. આ વખતે હજુ તો ભારે વરસાદનો એકપણ રાઉન્ડ આવ્યો નથી. માત્ર ઝાપટાં જ પડ્યા છે. આજે પણ સવારે માત્ર પંદર મિનિટ ઝરમરિયા ઝાપટામાં રોડ પર પાણી નીકળી પડ્યા. અનેક સ્થળે ચોકમાં તળાવ ભરાઇ ગયા હતા. વરસાદી ગંદકીથી શહેરના રસ્તાઓ ફરી બેહાલ થઇ ગયા હતા. આવી સ્થિતિ વચ્ચે યુનિવર્સિટી રોડ પર એક મહાકાય વૃક્ષ ધરાશાયી થઇ જતા તેની નીચે સાત જેટલા ટુ વ્હીલ દબાઇ ગયા હતા. દરમિયાન સવારે થોડીવાર ઠંડક પ્રસર્યા બાદ બપોરે ફરી અસહ્ય ઉકળાટથી લોકો અકડાવા લાગ્યા હતા.

રાજકોટમાં હજુ તો ભારે વરસાદ પડ્યો નથી. માત્ર હળવાથી ભારે ઝાપટાં જ વરસી રહ્યા છે. આટલા ‘છૂટક’ વરસાદમાં પણ એક સામાન્ય ઝાપટુ પડે તો પણ રોડ પરથી પાણી ઓસરતા નથી. વરસાદી પાણીના નિકાલ માટે મનપાએ કાગળ પર જે પ્રિ-મોન્સુન કામગીરી દેખાડી છે તે જો હકિકતમાં થઇ હોત તો સામાન્ય ઝાપટામાં પણ જે હાલ થાય છે તેવી હાલત આજે સવારે પણ થઇ હતી.

માત્ર પંદર-વીસ મિનિટના ઝરમરિયા ઝાપટા બાદ શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતા. રોડ અને ખુલ્લા પ્લોટની ગંદકી તણાઇને રોડ પર આવી ગઇ હતી. એ દરમિયાન બપોરે બાર વાગ્યાના અરસામાં યુનિવર્સિટી રોડ પર વર્ષો જુનુ એક તોતીંગ વૃક્ષ ધરાશાયી થઇ ગયુ હતુ. સદનસીબે એ સમયે કોઇ વાહનચાલકની અવરજવર ન હોવાથી જાનહાની થઇ ન હતી પરંતુ નીચે પાર્કિંગ થયેલા સાત વાહનો દટાઇ ગયા હતા.