અધિક માસની પૂનમે મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટયું

કાળઝાળ ગરમીમાં પણ આસ્થા અડગ, લાખો ભાવિકોએ દર્શન કરી ધન્યતા અનુભવી ચોટીલા, દ્વારકાધીશ જગત મંદિર, અંબાજી, પાવાગઢ, માતાના મઢ, ખોડલધામ મંદિરમાં આખો દિવસ ભારે ભીડ…

કાળઝાળ ગરમીમાં પણ આસ્થા અડગ, લાખો ભાવિકોએ દર્શન કરી ધન્યતા અનુભવી

ચોટીલા, દ્વારકાધીશ જગત મંદિર, અંબાજી, પાવાગઢ, માતાના મઢ, ખોડલધામ મંદિરમાં આખો દિવસ ભારે ભીડ

પવિત્ર અકિ પુરૂષોતમ માસની પુનમનું હિન્દુ ધર્મમાં વિશેષ મહત્વ રહેલું છે. દર ત્રણ વર્ષે આવતી અધિક માસની પુનમ અને રવિવારની રજાના અદ્ભુત સંયોગને પગલે રાજયના પ્રખ્યાત ધાર્મિક સ્થળોએ શ્રધ્ધાળુઓનું ઘોડાપુર ઉમટયું હતું. ગુજરાતના અંબાજી, પાવાગઢ, ચોટીલા, ખોડલધામ, કાગવડ, રાજપરા ખોડીયાર મંદિર, માટેલ, કચ્છમાં માતાના મઢ, ઉમિયાધામ સહીતનાં માઇ મંદિરોમાં દર્શનાર્થીઓની ભારે ભીડ જોવા મળી હતી. કાળઝાળ ગરમી વચ્ચે પણ ભક્તોની અતુટ શ્રધ્ધા ડગી ન હતી અને સમગ્ર વાતાવરણ જય માતાજીના નાદથી ગુંજી ઉઠયું હતું.

દ્વારકાધીશ મંદિર
યાત્રાધામ દ્વારકામાં પવિત્ર પુરુષોત્તમ માસની પૂર્ણિમા, ઉનાળુ વેકેશન અને રવિવારના સંયોગને કારણે ભક્તોની અભૂતપૂર્વ ભીડ જોવા મળી હતી. અધિક પૂર્ણિમાના શુભ અવસરે દ્વારકાધીશ મંદિર ખાતે પરંપરાગત રીતે દેવ દિવાળી મહોત્સવની ભવ્ય અને ભક્તિમય ઉજવણી કરવામાં આવી હતી. રવિવારે વહેલી સવારથી જ હજારો શ્રદ્ધાળુઓ ભગવાન દ્વારકાધીશના દર્શન માટે જગત મંદિરના દ્વારે પહોંચી ગયા હતા, જેના કારણે સમગ્ર મંદિર પરિસર હરિભક્તિના રંગે રંગાઈ ગયું હતું. અધિક પૂર્ણિમાના વિશેષ ધાર્મિક કાર્યક્રમોને ધ્યાનમાં રાખી મંદિર તંત્ર દ્વારા ભાવિકોની સુવિધા માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. મંગળા આરતી સવારે 5 વાગ્યે યોજાઈ હતી, જ્યારે સવારે 5 થી 8 વાગ્યા સુધી વિશેષ મંગળા દર્શન માટે મંદિરના દ્વાર ખુલ્લા રાખવામાં આવ્યા હતા. અનેક ભક્તોએ રાત્રિના અંતિમ પ્રહરથી જ કતારમાં સ્થાન મેળવી ભગવાનના દર્શનનો લાભ લીધો હતો.

ભાવિકોની સુરક્ષા અને સુવિધાને પ્રાથમિકતા આપતા પોલીસ વિભાગ, જિલ્લા વહીવટી તંત્ર અને મંદિર વ્યવસ્થાપન સમિતિ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. ટ્રાફિક વ્યવસ્થા, દર્શન વ્યવસ્થા તેમજ ભીડ નિયંત્રણ માટે ખાસ આયોજન કરવામાં આવતાં કોઈ અનિચ્છનીય ઘટના સર્જાઈ નહોતી. સમગ્ર દિવસ દરમિયાન ભક્તોએ શાંતિપૂર્ણ વાતાવરણમાં ભગવાન દ્વારકાધીશના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. દેવ દિવાળીના પાવન પર્વે દ્વારકાધામમાં સર્જાયેલા ભક્તિમય માહોલે યાત્રાધામની આધ્યાત્મિક ગરિમાને વધુ ઉજાગર કરી હતી અને શ્રદ્ધાળુઓ માટે આ અવસર યાદગાર બની રહ્યો હતો.

ચોટીલા
સુરેન્દ્રનગર જિલ્લાના સુપ્રસિધ્ધ યાત્રાધામ ચોટીલામાં ડુંગર પર બિરાજમાન મા ચંડી ચામુંડાના દર્શનાર્થે પવિત્ર પુરુષોત્તમ માસની મોટી પૂનમના પગલે માતાજીના દર્શનાર્થે ઝાલાવાડ, બોટાદ, રાજકોટ, અમદાવાદ જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાંથી મોટીસંખ્યામાં માઈભક્તો ઉમટી પડયા હતા. જેના પગલે તળેટી સહિત ડુંગર પર વહેલી સવારથી દર્શનાર્થે ભાવિકોની કતારો જામી હતી. પૂનમના પર્વે માતાજીને વિશેષ શણગાર તેમજ ફળોનો અન્નકુટ ધરાવાયો હતો. પૂનમના પગલે ડુંગર પગથિયાના દ્વાર પરોઢે 2.30 કલાકે ખોલી નંખાયા હતા. જેના પગલે પરોઢથી મોડી સાંજ સુધી મોટીસંખ્યામાં ભાવિકોએ માતાજીના દર્શનનો લ્હાવો લઈને ધન્યતા અનુભવી હતી. હાલ ઉનાળુ વેકેશન, પવિત્ર અધિક માસની પૂનમ તેમજ રવિવારનો સંયોગ હોય ચોટીલા નગર અને હાઈવે પર વાહનોના થપ્પા લાગતા ટ્રાફિક જામની સ્થિતિ પણ સર્જાઈ હતી. એથી હાઈવે પર બંને તરફ પાંચ પાંચ કિમી સુધી વાહનોની લાંબી કતારો જામી હતી.

પૂનમના પગલે ડુંગર સહિત તળેટી વિસ્તાર, હાઈવે તેમજ મુખ્ય બજારમાં તંત્ર દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. તેમાંય બપોર બાદ ટ્રાફિકની સમસ્યા હળવી થતા સ્થાનિક પોલીસ સહિત વાહનચાલકોએ હાશકારો અનુભવ્યો હતો.

શિવરાજપુર, બેટ દ્વારકા, મોમાઈ અને ઓખામઢી બીચ પર પ્રવાસીઓનો ભારે ધસારો
દ્વારકા ક્ષેત્રમાં આવેલા વિવિધ અદભુત બીચ પર હાલમાં પ્રવાસીઓનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે, આંતરરાષ્ટ્રીય કક્ષાનું સર્ટિફિકેટ ધરાવતો શિવરાજપુર બીચ તેના સફેદ ચળકતા રેતાળ કિનારા અને કાચ જેવા ચોખ્ખા નીલા પાણી માટે જાણીતો છે. અહીં સ્કુબા ડાઇવિંગ અને વોટર સ્પોર્ટ્સ પ્રવૃત્તિઓ યુવાનોને ગોવા જેવો જ રોમાંચક અહેસાસ કરાવી રહી છે. પવિત્ર બેટ દ્વારકાના સમુદ્ર કિનારાની સાથે ત્યાં આવેલો ’ડની પોઇન્ટ’ તેના શાંત વાતાવરણ, મરીન લાઇફ અને કેમ્પિંગ માટે યુવા પર્યટકોમાં ખૂબ લોકપ્રિય સાબિત થયો છે.
નાગેશ્વર નજીક આવેલો મોમાઈ માતાજીના મંદિર પાસેનો આ સમુદ્ર કિનારો એકાંત અને અદભુત પ્રાકૃતિક શાંતિ શોધતા પ્રવાસીઓની પહેલી પસંદ બન્યો છે. દ્વારકા-પોરબંદર હાઇવે પર આવેલો આ વિશાળ અને પથરાળ તેમજ રેતાળ બીચ ફોટોગ્રાફી અને લોંગ ડ્રાઈવના શોખીન યુવાનો માટે આકર્ષણનું કેન્દ્ર છે.
દ્વારકાધીશ જગતમંદિર, નાગેશ્વર જ્યોતિર્લિંગ અને રૂૂકમણી દેવી મંદિર જેવા પવિત્ર સ્થાનોના દર્શનની સાથે-સાથે સુદામા સેતુ અને સુદર્શન સેતુ જેવા આધુનિક નજરાણાંઓને કારણે દ્વારકા પરફેક્ટ હોલિડે સ્પોટ બન્યું છે. સોશિયલ મીડિયા અને બ્લોગિંગના આ યુગમાં, બજેટ-ફ્રેન્ડલી અને એડવેન્ચરથી ભરપૂર એવા દ્વારકા ક્ષેત્રનો ક્રેઝ યુવા વર્ગમાં દિન-પ્રતિદિન અભૂતપૂર્વ રીતે વધી રહ્યો છે.

અંબાજી
યાત્રાધામ અંબાજીમાં અધિક માસની પૂનમે ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. મા અંબાનો પવિત્ર ચાચર ચોક ભક્તોથી ઉભરાઈ ગયો હતો. વહેલી સવારે યોજાયેલી મંગળા આરતીમાં મોટી સંખ્યામાં માઈભક્તો જોડાયા હતા, જેના કારણે સમગ્ર અંબાજી પંથક માતાજીના જયઘોષથી ગુંજી ઉઠ્યો હતો.

પાવાગઢ
યાત્રાધામ પાવાગઢ ખાતે પૂનમની સાથે રવિવારની રજા હોવાથી યાત્રાળુઓનો ભારે ઘસારો જોવા મળ્યો હતો. ગુજરાત ઉપરાંત અન્ય રાજ્યોમાંથી પણ હજારો ભક્તો માતા મહાકાળીના દર્શનાર્થે ઉમટી પડ્યા હતા.સૂર્યોદય પહેલાંથી જ મંદિર તરફ જવાના માર્ગો પર ભક્તોની લાંબી લાઈનો લાગી હતી. ભીડને નિયંત્રિત કરવા માટે મંદિર ટ્રસ્ટ અને સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા સુરક્ષાના ખાસ બંદોબસ્ત કરવામાં આવ્યા હતા. પોલીસકર્મીઓ અને સ્વયંસેવકો સતત તહેનાત રહ્યા હતા.

બેટ દ્વારકા-નાગેશ્વર-ગોપી તળાવ-રૂકિમણી મંદિરે ભાવિકોની ભીડ
અધિક પૂર્ણિમાના પાવન અવસરે યાત્રાધામ દ્વારકા ઉપરાંત દ્વારકા દર્શન સર્કિટના શિવરાજપુર બીચ, બેટ દ્વારકાધીશ મંદિર, સુદર્શન સેતુ, નાગેશ્વર જ્યોતિર્લિંગ, મોમાઈ ધામ બીચ, ગોપી તળાવ, રૂૂકિમણી મંદિર સહિતના ધાર્મિક તેમજ પર્યટન સ્થળોએ પણ ભાવિકો તથા સહેલાણીઓની ભારે ભીડ જોવા મળી હતી. ભાવિકો તથા પર્યટકોએ દેવ દર્શન કરી ભાવવિભોર બન્યા બાદ દ્વારકા દર્શન સર્કિટના રમણીય સ્થળો તથા બીચનો પણ લુત્ફ ઉઠાવ્યો હતો.