પેલેસ રોડ પર કાર આડી રાખી કિન્નર મીરા દેએ ગોપી દેના શિષ્યને ધમકાવી માર માર્યો

પેલેસ રોડ પર રામ ઔર શ્યામ ગોલા વાળાની દુકાન સામે કિન્નરને રસ્તામાં રોકી મારામારી કરી જાનથી મારી નાખવાની ધમકી આપવાનો બનાવ સામે આવ્યો છે. આ…

પેલેસ રોડ પર રામ ઔર શ્યામ ગોલા વાળાની દુકાન સામે કિન્નરને રસ્તામાં રોકી મારામારી કરી જાનથી મારી નાખવાની ધમકી આપવાનો બનાવ સામે આવ્યો છે. આ મામલે એ-ડિવિઝન પોલીસે બે શખ્સ સામે ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી તપાસ શરૂૂ કરી છે.

એ-ડિવિઝન પોલીસમાં નોંધાયેલી ફરિયાદ મુજબ રામનાથપરા જુમ્મા મસ્જિદ ચોક પાસે બોઘાણી શેરીમાં રહેતી સમીરા દે ગોપી દે (ઉ.વ. 20) જ્યુબિલી ચોકથી કોઠારિયા મેઇન રોડ તરફ રિક્ષામાં ખુશ્બુ દે કિન્નર સાથે જઈ રહી હતી. સાંજે પેલેસ રોડ પર રામ ઔર શ્યામ ગોલા વાળાની દુકાન સામે પહોંચતા પરાપીપળિયા ગામના મકસુદ શબીરભાઈ શેખ અને મીરા દે કાળા રંગની સ્કોર્પિયો કાર લઈને આવ્યા હતા. આરોપીઓએ રિક્ષાની આગળ કાર ઊભી રાખી રિક્ષા રોકાવી હતી.

ફરિયાદ મુજબ બંને આરોપીઓએ રિક્ષાચાલક અસનભાઈ તેમજ સમીરા દેને અપશબ્દો બોલ્યા હતા. ત્યારબાદ મીરા દે ઝપાઝપી કરી ધક્કો મારતાં સમીરા દે રિક્ષા સાથે અથડાઈ ગયા હતા અને ધોલ-ધપાટનો માર માર્યો હતો. એટલું જ નહીં, બે દિવસમાં તારા ઘરે આવી જાનથી મારી નાખીશ તેવી ધમકી પણ આપી હતી. દરમિયાન ખુશ્બુ દે વચ્ચે પડતાં તેમને પણ ગાળો આપવામાં આવી હતી. આસપાસ લોકો એકત્ર થતાં બંને આરોપીઓ સ્કોર્પિયો લઈને ફરાર થઈ ગયા હતા. બનાવ અંગે સમીરા દેની ફરિયાદના આધારે એ-ડિવિઝન પોલીસે બે આરોપીઓ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.