દિવાળી સમયે જ ટેકસટાઇલ માર્કેટમાં મંદીની હોળી, 75 હજાર કારીગરો પર જોખમ

સુરતનો વિશ્વવિખ્યાત ટેક્સટાઇલ ઉદ્યોગ દિવાળીના તહેવારો ટાણે જ ગંભીર આર્થિક સંકટ અને ભયંકર મંદીના વમળમાં ફસાયો છે, જ્યાં યાર્ન સહિતના કાચા માલમાં થયેલા 50%ના ભાવવધારા…

સુરતનો વિશ્વવિખ્યાત ટેક્સટાઇલ ઉદ્યોગ દિવાળીના તહેવારો ટાણે જ ગંભીર આર્થિક સંકટ અને ભયંકર મંદીના વમળમાં ફસાયો છે, જ્યાં યાર્ન સહિતના કાચા માલમાં થયેલા 50%ના ભાવવધારા સામે તૈયાર કાપડના ભાવ ન મળતાં લૂમ્સ સંચાલકો માટે એકમો ચાલુ રાખવા અશક્ય બન્યા છે. માર્કેટમાં સર્જાયેલી ભારે મની ક્રાઇસિસ અને બેંક લોનના હપ્તાના ભારણ વચ્ચે આ વર્ષે 15થી 30 દિવસનું લાંબુ વેકેશન પાડવાની નોબત આવતાં 75 હજારથી વધુ કારીગરોની રોજીરોટી પર સીધું સંકટ તોળાઈ રહ્યું છે.

બમરોલી વિવર્સ એસોસિએશન સાથે જોડાયેલા અગ્રણી વિષ્ણુ પટેલે ઉદ્યોગની વર્તમાન સ્થિતિ અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. તેમણે જણાવ્યું હતું કે, છેલ્લા ઘણા સમયથી આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઇલના ભાવમાં થયેલા સતત વધારાના કારણે યાર્ન અને અન્ય પેટ્રોકેમિકલ રો-મટિરિયલના ભાવો ભડકે બળી રહ્યા છે. આટલો મોટો ભાવવધારો અગાઉ ક્યારેય જોવા મળ્યો નથી, જેના કારણે સામાન્ય લૂમ્સ સંચાલકો માટે ઉત્પાદન ચાલુ રાખવું અસંભવ બની ગયું છે.

ઉત્પાદન ખર્ચમાં જંગી વધારો થયો હોવા છતાં તેની સામે માર્કેટમાં તૈયાર કાપડના વેચાણ ભાવમાં કોઈ સુધારો થયો નથી. વેપારીઓ અને ટ્રેડર્સ ઊંચા ભાવે કાપડ ખરીદવા તૈયાર નથી, જેને પરિણામે આખા માર્કેટમાં ભારે સેલિંગ પ્રેશર ઊભું થયું છે. પડતર કિંમત કરતાં નીચા ભાવે માલ વેચવો પડે એવી નોબત આવી છે અથવા તો ગોડાઉનોમાં માલનો ભરાવો થઈ રહ્યો છે. આ પરિસ્થિતિને કારણે સમગ્ર વિવિંગ સેક્ટરમાં રોકડની ભારે ખેંચ એટલે કે ગંભીર મની ક્રાઇસિસ સર્જાઈ છે, જેને સંભાળવી ઉદ્યોગપતિઓ માટે મુશ્કેલ બની ગઈ છે.

સુરતના વિવિંગ સેક્ટર સાથે ઓછામાં ઓછા 75,000 કારીગરો સીધી રીતે સંકળાયેલા છે, જેમના પરિવારનું ગુજરાન આ લૂમ્સના પૈડાં પર નિર્ભર છે. કારખાના 15થી 30 દિવસ બંધ રહેવાના કારણે આ તમામ કારીગરોની રોજગારી પર સીધી માઠી અસર થવાની છે. સ્થાનિક વિવિંગ યુનિટમાં કામ કરતા કારીગરે પોતાની વ્યથા ઠાલવતા જણાવ્યું હતું કે, તેની રોજની આવક મીટર દીઠ મળતા મહેનતાણા પર નિર્ભર રહે છે.

દિવાળી પર હિસાબ પતી ગયા પછી જો મહિનો કારખાના બંધ રહેશે તો પરિવારનું પેટ ભરવું મુશ્કેલ થઈ જશે તેમજ વતન જઈને પરત આવવા જેટલા પૈસા પણ બચશે નહીં.દેશમાં કૃષિ ક્ષેત્ર પછી સૌથી વધુ રોજગારી પૂરી પાડવામાં ટેક્સટાઇલ સેક્ટર બીજા ક્રમે આવે છે. આ એક એવો ઉદ્યોગ છે કે, જ્યાં કોઈ ઉચ્ચ ડિગ્રીની આવશ્યકતા રહેતી નથી અને બિનકુશળ શ્રમિકો પણ સહેલાઈથી રોજીરોટી મેળવી શકે છે. પરપ્રાંતિય શ્રમિકો માટે આશીર્વાદરૂૂપ ગણાતા આ સેક્ટર પર જ્યારે મંદીના વાદળો ઘેરાય છે ત્યારે તેની અસર સમગ્ર અર્થતંત્ર પર પડે છે. અગ્રણીઓના મતે જો ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી આ જ રીતે પીડાતી રહેશે તો ભવિષ્યમાં કોઈ નવો ઉદ્યોગસાહસિક આ ક્ષેત્રમાં મૂડી રોકાણ કરવાની હિંમત નહીં કરે.

આ આર્થિક સંકટ માત્ર વિવિંગ પૂરતું મર્યાદિત નથી પરંતુ, તેની લપેટમાં ટેક્સટાઇલ સાથે સંકળાયેલી તમામ કડીઓ આવી ગઈ છે. યાર્ન મેન્યુફેક્ચરિંગ, વિવિંગ પ્રોડક્શન, ટ્રેડર્સ, દલાલો તેમજ પ્રોસેસિંગ અને ડાઇંગ-પ્રિન્ટિંગ મિલો સુધીના તમામ હિસ્સેદારોને કરોડોનું નુકસાન સહન કરવું પડી રહ્યું છે. ફાઇનલ કાપડના ભાવ ન વધવાના કારણે ઉત્પાદકો ભીંસાઈ રહ્યા છે. દિવાળીના વેકેશન બાદ પણ જો કાચા માલના ભાવો અંકુશમાં નહીં આવે અને માર્કેટમાં રોકડનું સર્ક્યુલેશન નહીં વધે તો સુરતનો કાપડ ઉદ્યોગ ગંભીર પ્રકારની કટોકટીમાં ધકેલાઈ જવાની ભીતિ છે.

લોનના હપ્તા અને વ્યાજના ભારણથી વેપારીઓ બેહાલ
ઉદ્યોગપતિઓ અને વેપારીઓ પણ આ મંદીના કારણે બેવડા મારનો સામનો કરી રહ્યા છે. મોટાભાગના એકમ ધારકોએ લાખો-કરોડો રૂૂપિયાનું રોકાણ કરીને બેંકો પાસેથી ટર્મ લોન અને કેશ ક્રેડિટ સુવિધા લીધેલી છે. કારખાના બંધ રહે કે ખુલ્લા, બેંકોના માસિક હપ્તા અને વ્યાજની ચૂકવણી અનિવાર્યપણે કરવી જ પડે છે. માલનું વેચાણ અટકી જતાં અને પેમેન્ટ્સ ફસાઈ જતાં વેપારીઓને કરોડો રૂૂપિયાનું નુકસાન વેઠવું પડી રહ્યું છે. આવી કપરી આર્થિક ભીંસના કારણે એકમો ચાલુ રાખવા કરતાં બંધ રાખવા સિવાય વેપારીઓ પાસે કોઈ વિકલ્પ બચ્યો નથી.