વાંકાનેરના સમથેરવાની સીમમાંથી ગત 8 એપ્રિલે હત્યા કરાયેલી હાલતમાં એક અજાણ્યા યુવાનની લાશ મળી હતી. મોરબી એલસીબીએ 4 મહિનામાં આ હત્યાના ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે અને 6 આરોપીની ધરપકડ કરી 6 દિવસના રિમાન્ડ મેળવ્યા છે.
સિરામિક ઉદ્યોગપતિએ તેના ઘરમાં ઘૂસેલા અજાણ્યા શખસને ચોરીનો આરોપ મૂકી બંધક બનાવ્યો હતો અને હળવદના માથકના સિરામિક પ્લાન્ટમાં લઈ જઈ પ્લાસ્ટિક પાઈપ અને પટ્ટીથી માર માર્યો હતો. બેભાન હાલતમાં તેને વાંકાનેરના સમથેરવાની સીમમાં ફેંકી દીધો હતો. પૂરાવાના નાશ કરવા માટે રાજસ્થાનમાં CCTVનું DVR ફેંકી દીધું હતું અને મોબાઈલ ફોર્મેટ કર્યા હતા. વાંકાનેરના ડીવાયએસપી સમીર સારડાએ જણાવ્યું હતું કે, મોરબી જિલ્લા એલસીબીના ઇન્ચાર્જ પીઆઈ એસ.પી. જાડેજાના માર્ગદર્શન હેઠળ પોલીસે બાતમીના આધારે આ ગુનામાં સંડોવાયેલા છ આરોપીઓની ધરપકડ કરી છે.
તપાસમાં સામે આવ્યું છે કે, મોરબીમાં એક કારખાનેદારના ઘરમાં ચોરી કરવા ઘૂસેલા શખ્સને પકડીને સોલાર પ્લાન્ટ પર લઈ જઈ પ્લાસ્ટિકના પાઇપ અને પટ્ટીઓથી બેફામ માર મારવામાં આવ્યો હતો, જેના કારણે તેનું મોત નીપજ્યું હતું. બાદમાં આરોપીઓએ યુવાનના શબને સમથેરવા ગામની સીમમાં ફેંકી દીધું હતું. આ ગુનામાં એલસીબીની ટીમે મુખ્ય સૂત્રધાર સિરામિક ઉદ્યોગપતિ સહિત કુલ છ આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસે તેઓની પાસેથી એક ઇનોવા કાર અને 8 મોબાઈલ કબજે કરી કોર્ટમાં રજૂ કરી 6 દિવસના રિમાન્ડ મેળવ્યા છે.
મૃતક યુવાન મુખ્ય આરોપી સંદીપ ધનજીભાઈ ઝાલરીયાના ઉમિયાનગર સ્થિત મકાનમાં ચોરીના ઇરાદે ઘૂસ્યો હતો. તેણે ઘરની અંદર રાખેલી કાર અને એક્ટિવાની ચાવીઓ પોતાના ખિસ્સામાં મૂકી દીધી હતી. દરમિયાન, ઘરની અંદર કામ કરતી મહિલાએ તેને રોકવાનો પ્રયાસ કરતા યુવાને તેને ધક્કો માર્યો હતો. જેની જાણ થતાં સંદીપએ ડ્રાઈવર રાજેશ ડાભી સાથે મળીને તે યુવાનને ઝડપી લીધો હતો. પછી હળવદના માથક ગામે આવેલા તેના સોલાર પ્લાન્ટ ખાતે લઈ ગયા હતા. ત્યાં પ્લાસ્ટિકના પાઇપ અને પટ્ટીઓ વડે તેને બેફામ માર મારવામાં આવ્યો હતો. યુવાન બેભાન થતાં તેને નિર્વસ્ત્ર હાલતમાં સમથેરવા સીમમાં ફેંકી દેવાયો હતો, જ્યાં તેનું મોત નીપજ્યું હતું.
ઘટનાના બીજા દિવસે આરોપીઓ સ્થળ પર ગયા હતા અને યુવાનનું મોત થયાની જાણ થતાં તેઓ રાજસ્થાન નાસી છૂટ્યા હતા. રાજસ્થાન પહોંચીને તેઓએ પોતાના મોબાઈલ ફોન ફોર્મેટ કરાવી નાખ્યા હતા તેમજ સીસીટીવી કેમેરાનું ડીવીઆર પણ સાથે લઈ જઈને ત્યાં ફેંકી દીધું હતું. પોલીસ દ્વારા આ ડીવીઆર અને અન્ય પુરાવાઓ રિકવર કરવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી છે. પકડાયેલા તમામ આરોપીઓને કોર્ટમાં રજૂ કરાતા અદાલતે તેમના 6 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે, અને પોલીસે આગળની વધુ તપાસ શરૂૂ કરી છે.
આરોપીઓ પાસેથી ગુનામાં વપરાયેલી 10 લાખ રૂૂપિયા કિંમતની ઇનોવા ગાડી (જીજે 36 એલ 9881) અને 1,10,000 રૂૂપિયા કિંમતના આઠ મોબાઈલ ફોન સહિત કુલ 11.10 લાખ રૂૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
આરોપીઓના નામ
સંદીપ ધનજીભાઈ ઝાલરીયા (રહે. ઉમિયા સર્કલ પાસે, ઉમિયા નગર, મોરબી)
એલિસ જસમતભાઈ ઝાલરીયા (રહે. લુટાવદર)
દિવ્યેશ ગોવિંદભાઈ ઝાલરીયા (રહે. લુટાવદર)
મુન્નો ઉર્ફે વરૂૂણ રૈયાભાઈ ગોલતર (રહે. રફાળેશ્વર)
રાજેશ રમેશભાઈ ડાભી (રહે. ભડીયાદ)
રાજીવ ઉર્ફે રાજુ કામેશ્વરપ્રસાદ શ્રીવાસ્તવ (રહે. રસુલપુર, બિહાર)

