પૃથ્વીથી અવકાશ સુધીની ઐતિહાસિક સિધ્ધિ ગુજરાતી દીકરીના નામે

બાળપણમાં કલ્પના ચાવલાની જીવનકથા વાંચીને અવકાશમાં કંઈક કરી બતાવવાનું સ્વપ્ન જોયું અને સાકાર પણ કરી બતાવ્યું પૃથ્વી સંઘાણીએ સ્કાયરૂટ એરોસ્પેસમાં કંટ્રોલ સિસ્ટમ લીડ તરીકે ‘વિક્રમ-1’ના…

બાળપણમાં કલ્પના ચાવલાની જીવનકથા વાંચીને અવકાશમાં કંઈક કરી બતાવવાનું સ્વપ્ન જોયું અને સાકાર પણ કરી બતાવ્યું પૃથ્વી સંઘાણીએ

સ્કાયરૂટ એરોસ્પેસમાં કંટ્રોલ સિસ્ટમ લીડ તરીકે ‘વિક્રમ-1’ના ઓટોપાઇલટ સિસ્ટમના વિકાસનું નેતૃત્વ કરીને પૃથ્વી સંઘાણીએ દેશ અને ગુજરાતનું વધાર્યું છે ગૌરવ

હૈદરાબાદ સ્થિત સ્કાયરૂૂટ એરોસ્પેસે 18 જુલાઈએ ભારતનું પ્રથમ ખાનગી ઓર્બિટલ રોકેટ ’વિક્રમ-1’ આંધ્ર પ્રદેશના શ્રીહરિકોટા સ્થિત સતીશ ધવન સ્પેસ સેન્ટરમાંથી સફળતાપૂર્વક લોન્ચ કર્યું. લોન્ચિંગ સફળ થતાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટીમને અભિનંદન પાઠવ્યા અને સમગ્ર ટીમ ખુશીથી ઝૂમી ઊઠી. આ ઐતિહાસિક સિદ્ધિમાં જામનગરની દીકરી પૃથ્વી સંઘાણીની મહત્વપૂર્ણ ભૂમિકા રહી હતી. તેમણે ’વિક્રમ-1’ માટેની ઓટોપાઇલટ સિસ્ટમની ડિઝાઇન અને વિકાસનું નેતૃત્વ કરીને ગુજરાતનું ગૌરવ વધાર્યું છે.સફળ લોન્ચિંગની એ રોમાંચક ક્ષણો યાદ કરતા પૃથ્વી સંઘાણી જણાવે છે કે લોન્ચિંગની તે વીસ મિનિટ જાણે દરેકનો શ્વાસ થંભાવી દેનારી હતી.

છેલ્લા પાંચ વર્ષના પરિશ્રમનું પરિણામ આંખો સામે સાકાર થઈ રહ્યું હતું. રોકેટે મિનિટે-મિનિટે સફળતાના દરેક પડાવ પાર કર્યા અને આખરે સફળતા મળી ત્યારે તે ક્ષણને શબ્દોમાં વર્ણવવી અશક્ય હતી. ફર્સ્ટ-વ્યૂ કેમેરામાંથી પૃથ્વીની સુંદર ક્ષિતિજનું પ્રથમ દૃશ્ય જીવનભર અવિસ્મરણીય બની રહેશે.’વિક્રમ-1’ લોન્ચ વ્હીકલ માટેની મહત્વપૂર્ણ જવાબદારી નિભાવી પૃથ્વીએ દેશ માટે નોંધપાત્ર યોગદાન આપ્યું છે ત્યારે આ ઐતિહાસિક સફર અંગે તેમણે ’ગુજરાત મિરર’ સાથે વિશેષ વાતચીતમાં અનેક રસપ્રદ અનુભવો વહેંચ્યા.

જામનગર નજીક વિભાપર ગામમાં જન્મ અને ઉછેર થયો. જામનગરની હરિયા સ્કૂલમાંથી ધોરણ-10 અને મોદી સ્કૂલમાંથી વિજ્ઞાન પ્રવાહ સાથે ધોરણ-12 પૂર્ણ કર્યું હતું. ત્યારબાદ રાજકોટની આત્મીય ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી એન્ડ સાયન્સમાંથી ઇન્સ્ટ્રુમેન્ટેશન એન્ડ કંટ્રોલમાં „ B.E. કર્યું. ઉચ્ચ અભ્યાસ માટે તેમણે પૂણે સ્થિત ડિફેન્સ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એડવાન્સ્ડ ટેક્નોલોજી (DIAT)માંથી ગાઈડેડ મિસાઇલ્સ વિષય સાથે એરોસ્પેસ એન્જિનિયરિંગમાં એમ ટેકની ડિગ્રી મેળવી.

અભ્યાસ પૂર્ણ કર્યા બાદ પૃથ્વીએ હૈદરાબાદની DRDL-DRDOમાં પ્રોજેક્ટ એન્જિનિયર તરીકે સેવા આપી, જ્યાં મિસાઇલ મિશન અને કંટ્રોલ સિસ્ટમના વિકાસ પર કામ કર્યું. અભ્યાસ દરમિયાન એક પ્રોફેસર એ તેમનું કોર્ડિંગ અને લોજીકલ થીંકિંગ જોઈને ઇસરોમાં એપ્લાય કરવા સૂચન કર્યું.આ તેમના જીવનનો ટર્નિંગ પોઇન્ટ બન્યો. DIATમાં આર્મ્ડ ફોર્સિસ, એરફોર્સ અને વિવિધ વૈજ્ઞાનિકો સાથેના સંપર્ક અને ચર્ચાઓએ તેમની કારકિર્દીની દિશા સ્પષ્ટ કરી. ત્યારબાદ એક વૈજ્ઞાનિક પાસેથી જોબ ઓફર મળી, જ્યારે અન્ય એક સાથીએ સ્કાયરૂૂટ એરોસ્પેસમાં અરજી કરવાની સલાહ આપી. આમ તેમની અવકાશયાત્રાની નવી શરૂૂઆત થઈ.

આ પ્રોજેક્ટમાં શરૂૂઆતમાં તેઓ એન્જિનિયર તરીકે જોડાયા. ત્યારબાદ કંટ્રોલ સિસ્ટમ લીડ બન્યા અને પછી ઓટોપાઇલટ ડિઝાઇન તથા સોફ્ટવેર ડેવલપમેન્ટની જવાબદારી સંભાળી.આ સફર સરળ નહોતી. કંપની હૈદરાબાદમાં હતી, જ્યારે તેમનું નિવાસસ્થાન પૂણે હતું. પરિણામે લાંબા સમય સુધી અપ-ડાઉન કરવું પડતું. દિવસ-રાતની પરવા કર્યા વિના પ્રોજેક્ટ પર કામ કરવું પડતું અને ઘણી વખત તેની અસર સ્વાસ્થ્ય પર પણ થતી. તેમ છતાં તેમના પતિ દીપ ભંડેરી તેમજ સાસુ-સસરાએ દરેક પગલે સાથ આપ્યો. પૃથ્વી કહે છે, “મારી કામગીરીમાં કોઈ અડચણ ન આવે તે માટે મારા પતિએ પોતાની નોકરીમાં પણ જરૂૂરી ફેરફાર કર્યો. પરિવારના સહયોગે જ મારી સફળતાનો માર્ગ સરળ બનાવ્યો.”

પોતાની કેરિયર બાબત તેઓ જણાવે છે કે નાનપણમાં કલ્પના ચાવલાનું ચેપ્ટર વાંચીને તેમના જેવું બનવાનું સ્વપ્ન નાનકડી આંખોએ જોયું હતું પરંતુ શું કરવું તે ખ્યાલ ન હતો. ફિઝિક્સ અને મેથ્સ સારું હોવાથી સાયન્સ લાઇન લઈને આગળ વધવાનું નક્કી કર્યું. ઘરમાં સંયુક્ત પરિવાર હતો દાદાના ચાર ભાઈઓ પિતાજી તેમના મોટા ભાઈઓ અને બધાના પરિવારજનો બધા સાથે રહેતા. દાદા ખેડૂત હતા અને જવાબદારીના કારણે તેઓ ભણી શક્યા ન હોવાથી તેમણે પરિવારના લોકોને ભણાવ્યા.દાદી ભણ્યા નહોતા પણ તેમની સૂઝ,બુઝ, આત્મવિશ્વાસ અનોખો હતો.તેઓ સાથે મારું બોન્ડિંગ અલગ જ હતું.મમ્મીએ મને ભણાવી છે તો દાદીએ ઘડતર કર્યું છે.જે બાળકોનો ઉછેર દાદા-દાદી પાસે થાય જે સંસ્કાર મળે તે ખૂબ શ્રેષ્ઠ હોય છે.

તેઓ માને છે કે જીવનના દરેક ઉતાર-ચઢાવમાં પરિવારનો સાથ સૌથી મોટી તાકાત હોય છે. સમય પ્રમાણે જેની જરૂૂર હતી તેમણે મદદ કરી. તેથી જ તેઓ માને છે કે ’વિક્રમ-1’ના સફળ લોન્ચિંગ પાછળ માત્ર તેમની ટીમ જ નહીં, પરંતુ પરિવારનો પણ એટલો જ મહત્વનો ફાળો છે.

અવકાશમાં ઉડાન ભરનાર રોકેટ માત્ર ટેકનોલોજીની જીત નથી પરંતુ એક દીકરીના સ્વપ્ન,પરિવારના વિશ્વાસ અને વર્ષોની તપસ્યાની પણ જીત છે.તેમની સિદ્ધિથી પરિવાર આનંદ અને ગૌરવની લાગણી અનુભવી રહ્યો છે ત્યારે તેમનું સ્વપ્ન કંટ્રોલ સિસ્ટમ ક્ષેત્રમાં નવી ટેક્નોલોજી અને પડકારજનક પ્રોજેક્ટ્સ પર કામ કરવાનું છે. સાથે જ તેઓ એવા યુવાવર્ગને માર્ગદર્શન આપવા ઇચ્છે છે કે જેમની પાસે પ્રતિભા તો છે, પરંતુ યોગ્ય દિશા અને માર્ગદર્શનનો અભાવ છે.પૃથ્વી સંઘાણીની આ ગૌરવગાથા યુવાવર્ગને પ્રેરણા આપતી રહે અને તેઓ સતત નવી સફળતાઓ હાંસલ કરતા રહે તેવી શુભકામનાઓ.

સંતાનોને પરિણામની રેસમાં ન જોડો
તેઓએ જણાવ્યું કે અભ્યાસમાં હું તેજસ્વી હતી પરંતુ એ સિવાય સ્પોર્ટ્સમાં અને સિંગિંગમાં રસ હતો.સ્પોર્ટ્સ દ્વારા મને સ્પોર્ટ્સમેન સ્પિરિટ, ડિસિપ્લિન, હાર્ડવર્ક શીખવા મળ્યું. રમતમાં તમે હારનો સ્વીકાર કરી શકો છો તે જીવનમાં પણ ઉપયોગી થાય છે.કોઈપણ કલા તમને જીવનનો આનંદ આપે છે.દરેક બાળકમાં કોઈને કોઈ કળા હોય છે. માતા-પિતાએ માત્ર વધુ માર્ક્સની અપેક્ષા રાખવાને બદલે સંતાનના સર્વાંગી વિકાસ અને સારા ઘડતર પર ધ્યાન આપવું જોઈએ.

નિષ્ફળતા એ આશીર્વાદ છે
પૃથ્વી કહે છે, “હું નસીબદાર છું કે જીવનમાં મને ઘણી મજબૂત મહિલાઓનો સાથ મળ્યો. માતા અને ભાભુએ દરેક તબક્કે મને પ્રોત્સાહિત કરી છે. તેમણે શીખવ્યું કે જ્યાં સુધી તમે જાતે હાર સ્વીકારતા નથી, ત્યાં સુધી કોઈ પણ વ્યક્તિ કે પરિસ્થિતિ તમને હરાવી શકતી નથી. જીવનમાં મળતી નિષ્ફળતા અંત નથી, પરંતુ નવી સફળતાનો આશીર્વાદ છે. જાત પર વિશ્વાસ હશે તો સફળતા ચોક્કસ મળશે.”