Site icon Gujarat Mirror

બે વ્યાજખોર મહિલાના ત્રાસથી ફ્રૂટના ધંધાર્થી મહિલાએ ફીનાઈલ ગટગટાવ્યું

8000 હજાર વ્યાજે લીધા બાદ બે મહિનામાં 12 હજાર ચૂકવ્યા છતાં વધુ નાણાની ઉઘરાણી કરી ધમકી આપતાં ભરેલું પગલું

શહેરના નાનામવા રોડ પર રહેતી ફ્રુટના ધંધાર્થી મહિલાએ ફીનાઈલ પી આપઘાતનો પ્રયાસ કરતાં તેને સાવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. બે મહિલા પાસેથી રૂા.8000 વ્યાજે લીધા હોય જેના બે મહિનામાં રૂા.12 હજાર ચુકવી દેવા છતાં બન્ને વ્યાજખોર મહિલા રૂપિયાની ઉઘરાણી કરી ધમકી આપતી હોવાથી તેણીએ આ પગલું ભરી લીધાનું જાણવા મળ્યું છે.

જાણવા મળતી વિગત મુજબ, નાનામવા રોડ પર સાંઈબાબા પાર્કમાં રહેતી કિરણબેન તુષારભાઈ પંડયા (ઉ.36) નામની મહિલાએ ગઈકાલે બપોરે પોતાના ઘરે ફીનાઈલ પી લેતાં તેણીને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી તાલુકા પોલીસને જાણ કરી હતી. પ્રાથમિક તપાસમાં કિરણબેન અને તેનો પતિ બન્ને દૂધ વેચવાનું કામ કરે છે. તેમને નાણાંની જરૂરીયાત હોવાથી નુરીબેન અને સબાનાબેન પાસેથી રૂા.8000 વ્યાજે લીધા હતાં. જેના દરરોજના રૂપિયા 200 ચુકવતાં હતાં. અને બે મહિનામાં રૂા.12000 ચુકવી દીધા હોવા છતાં બન્ને મહિલા વધુ નાણાંની ઉઘરાણી કરી ધમકી આપતી હોય અને અગાઉ બે ફડાકા પણ ઝીંકી દીધા હતાં. જેથી વ્યાજખોરો મહિલાની પઠાણી ઉઘરાણીથી કંટાળી કિરણબેને આ પગલું ભરી લીધાનું જાણવા મળ્યું છે. આ અંગે તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Exit mobile version