અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના રામપરા ગામ નજીક ડી-વોર્નિંગની કામગીરી પૂર્ણ કરી સિંહણને મુક્ત કરવામાં આવી રહી હતી, ત્યારે અચાનક સિંહણે એક ટ્રેકર પર હુમલો કર્યો હતો. આ દુર્ઘટનામાં ટ્રેકર નકાભાઈ રામ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. ઘટનાને પગલે અન્ય વનકર્મીઓ દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્ત ટ્રેકરને તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.વન વિભાગ દ્વારા દર વર્ષે ઉનાળાની ઋતુમાં સિંહોની સુરક્ષા અને માનવ-સિંહ સંઘર્ષના બનાવો ટાળવા માટે ’ડી-વોર્નિંગ’ની પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે. આ ઓપરેશન અંતર્ગત સિંહોને રેસ્ક્યુ કરી તેમના સ્વાસ્થ્યની ઝીણવટભરી તપાસ કરવામાં આવે છે, જેથી વનરાજ વધુ તંદુરસ્ત રહી શકે. આ વાર્ષિક રક્ષણાત્મક કામગીરીના ભાગરૂૂપે જ સિંહણને રેસ્ક્યુ કર્યા બાદ સુરક્ષિત સ્થળે છોડવાની તજવીજ ચાલી રહી હતી.
સિંહણને પાંજરામાંથી મુક્ત કરવામાં આવી ત્યારે તે શાંતિથી જવાને બદલે અચાનક પાછી ફરી હતી અને તીવ્ર ઝડપે દોટ મૂકી ટ્રેકર નકાભાઈ રામ પર તૂટી પડી હતી. નિષ્ણાતોના મતે, રેસ્ક્યુ બાદ સિંહણ તણાવમાં હોવી, પોતાની જાત પર ખતરો અનુભવવો અથવા પોતાના પ્રદેશની રક્ષા કરવાની આક્રમક વૃત્તિને કારણે આ પ્રકારનો હુમલો કર્યો હોઈ શકે છે.
હુમલો કરનાર આ સિંહણ વન વિભાગના ચોપડે ’લક્ષ્મી’ તરીકે ઓળખાય છે. ’લક્ષ્મી’ સામાન્ય રીતે માનવ હાજરીથી પરિચિત હોવા છતાં, તેણે કરેલા આ હુમલાથી વન વિભાગના અધિકારીઓ પણ આશ્ચર્યમાં મુકાયા છે. વન વિભાગના સ્ટાફ અને સ્થાનિકોની આસપાસ અવારનવાર વિચરણ કરતી હોવા છતાં, તે આખરે એક વન્ય પ્રાણી હોવાથી તેની આક્રમકતાએ સૌને ચોંકાવી દીધા છે.

