લોધિકાના ચીભડા ગામે હીટ એન્ડ રનની ઘટનામાં ઘવાયેલા શ્રમિક યુવકે દમ તોડયો
ઉપલેટાના મોટીપાનેલી ગામે રહેતો યુવાન ગોંડલના ગોમટા ગામે એસીનો પાઈપ ફીટ કરતો હતો ત્યારે અકસ્માતે બીજા માળેથી પટકાયો હતો.
યુવાનનું સારવાર દરમિયાન મોત નિપજતાં પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે. આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, ઉપલેટાના મોટી પાનેલીમાં રહેતા ધ્રુવ ભીમજીભાઈ પરેશા (ઉ.19) ગત તા.8નાં રોજ ગોંડલના ગોમટા ગામે એસીનો પાઈપ ફીટીંગ કરતો હતો ત્યારે અકસ્માતે બીજા માળેથી નીચે પટકાયો હતો.
ગંભીર રીતે ઘવાયેલા યુવાને રાજકોટ સારવારમાં દમ તોડતાં પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે.
પ્રાથમિક તપાસમાં મૃતક યુવાન બે ભાઈ બે બહેનમાં વચેટ અને અપરિણીત હતો. મૃતક યુવાન શાપરની ક્રેએટીવ એર સીસ્ટમ કંપનીમાં કામ કરતો હતો અને શાપરમાં આવેલ જીગર કેબલ વાળાનો ઓર્ડર હતો. તેનું કામ કરવા ગયો હતો.
આ ઉપરાંત બીજા બનાવમાં લોધિકાના ચીભડા ગામે રહેતો અખીલેશકુમાર દુલારાભાઈ પંડિત નામનો 22 વર્ષનો બિહારી યુવાન અને તેનો મિત્ર રોશન (ઉ.28) ચાલીને જતાં હતાં ત્યારે અજાણ્યા પીકઅપ વાનના ચાલકે બન્નેને ઠોકરે ચડાવ્યા હતાં.
હિટ એન્ડ રનની ઘટનામાં ગંભીર રીતે ઘવાયેલા અખીલેશકુમાર પંડિતનું સારવારમાં મોત નિપજતાં શ્રમિક પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો. ઉપરોકત બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
