Site icon Gujarat Mirror

સાગરનગરમાં રડતા પુત્રને તેડી લેવાનું કહેતા દંપતી વચ્ચે ડખ્ખો, પતિએ એસીડ પીધું

oplus_32

શહેરના માર્કેટિંગ યાર્ડ નજીક આવેલા સાગર નગર વિસ્તારમાં એક યુવાને ઘરેલું ઝઘડામાં ઉશ્કેરાઈ જઈ એસિડ પી લેતા ચકચાર મચી ગઈ છે. પ્રાપ્ત વિગતો અનુસાર, સાગર નગરમાં રહેતા અને સર્વિસ સ્ટેશનમાં કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતા 30 વર્ષીય વિપુલ મનીષભાઈ વાસકોડિયાએ ગઈકાલે સાંજે પોતાના ઘરે આ આત્મઘાતી પગલું ભરી લીધું હતું. ઘટના સમયે વિપુલ અને તેની પત્ની કાજલ વચ્ચે નજીવી બાબતે ઉગ્ર બોલાચાલી થઈ હતી.

આ બનાવ પાછળનું કારણ તપાસતા જાણવા મળ્યું છે કે, સાંજના સમયે તેમનો નાનો પુત્ર રડી રહ્યો હતો. આથી પત્ની કાજલે વિપુલને કહ્યું હતું કે “તું બાળકને લઈ લે”, આ સામાન્ય વાત પર બંને વચ્ચે ઝઘડો થયો હતો. પત્ની સાથેની બોલાચાલીથી મનમાં લાગી આવતા વિપુલે આવેશમાં આવી જઈ ઘરમાં પડેલું એસિડ ગટગટાવી લીધું હતું. યુવાનની તબિયત લથડતા પરિવારજનોમાં દોડધામ મચી ગઈ હતી અને તેને તાત્કાલિક અસરથી રાજકોટની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. વિપુલને સંતાનમાં એક પુત્ર છે. હાલ હોસ્પિટલના બિછાને તેની સારવાર ચાલી રહી છે અને પોલીસે આ મામલે પ્રાથમિક નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે.

Exit mobile version