ઉદ્યોગપતિએ પણ માર માર્યાની વળતી ફરિયાદ નોંધાવી
જેતપુર શહેરમાં એક ઉદ્યોગપતિ અને તેમની પ્રેમિકા વચ્ચે થયેલી મારામારી બાદ મામલો પોલીસ સુધી પહોંચ્યો છે. આ ઘટનામાં બંને પક્ષે એકબીજા સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે, જેમાં પ્રેમિકાએ ઉદ્યોગપતિ સામે દુષ્કર્મ સહિતના ગંભીર આરોપો લગાવ્યા છે.
મહિલાએ નોંધાવેલી ફરિયાદ મુજબ, ઉદ્યોગપતિ હરશ્યામ ઠુમ્મરે પોતાની પત્ની સાથે છૂટાછેડા લઈને તેની સાથે લગ્ન કરવાની લાલચ આપી હતી. ત્યારબાદ આરોપીએ મહિલાના ઘરે તેમજ અન્ય સ્થળોએ તેની સાથે વારંવાર શારીરિક સંબંધ બાંધી શોષણ કર્યું હોવાનો આક્ષેપ છે.
ફરિયાદમાં એ પણ ઉલ્લેખ છે કે ઝઘડા દરમિયાન આરોપીએ મહિલાનું ગળું પકડી તેના હાથની કાંડા અને માથામાં ઈજા પહોંચાડી હતી. આ ઉપરાંત, મહિલાની દીકરીને પણ માર મારવામાં આવ્યો હોવાનું જણાવાયું છે.
બીજી તરફ, ઉદ્યોગપતિ હરશ્યામ ઠુમ્મરે પણ પોતાની પ્રેમિકા, તેની પુત્રી અને એક અજાણ્યા વ્યક્તિ સામે મારામારીની ફરિયાદ નોંધાવી છે. તેમની ફરિયાદમાં જણાવાયું છે કે બંને વચ્ચે વર્ષ 2019થી પ્રેમ સંબંધ હતો, પરંતુ છેલ્લા દસ મહિનાથી તેમણે આ સંબંધ તોડી નાખ્યો હતો. ઠુમ્મરે દાવો કર્યો છે કે પ્રેમિકાના અન્ય વ્યક્તિ સાથે પણ સંબંધ હોવાની શંકાને કારણે તેમણે સંબંધ સમાપ્ત કર્યો હતો.
આ ઘટનામાં બંને પક્ષને ઈજાઓ પહોંચી હોવાનું સામે આવ્યું છે. જેતપુર સિટી પોલીસે બંને પક્ષની ફરિયાદોને આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પરણિત ઉદ્યોગપતિ સાથે સંકળાયેલી આ પ્રેમલીલાની ઘટનાને પગલે શહેરમાં અનેક તર્ક-વિતર્ક અને ચર્ચાઓ શરૂૂ થઈ છે. પોલીસ દ્વારા સમગ્ર મામલે તથ્યોના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે.

