બામણબોર નજીક રસ્તાનું કામ ચાલુ છે, ત્યાં મહિલાને પ્રસુતાની પીડા ઉપડતા ઝનાનામાં ખસેડાઇ હતી
રાજકોટ શહેરના ઝનાના હોસ્પિટલમાં એક શ્રમિક મહિલાએ અધૂરા માસે બાળકને જન્મ આપ્યા બાદ બાળકનું મૃત્યુ થતા તેની માતા અને પિતા બાળકને મૂકી ભાગી ગયા હતા. આ અંગે હાલ એ ડીવીઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બાળકના માતા અને પિતાની શોધખોળ કરી કાર્યવાહી શરૂૂ કરી છે.
વધુ વિગતો મુજબ,ચોંટીલા અને બામણબોર પાસે રસ્તાનું કામ કરતા સજનબેન ગોરધનભાઈ ડામોરને પ્રસૂતાની પીડા ઉપાડતા ગઈ તા.23ના રોજ રાજકોટની ઝનાના હોસ્પિટલમાં ખસેડાયા હતા જ્યાં તેઓએ મોડી રાત્રે એક પુત્રને જન્મ આપ્યો હતો અને જન્મ આપ્યાના ગણતરીની મિનિટોમાં જ બાળકનું મોત નીપજ્યું હતું.તબીબોએ જણાવ્યું હતું કે બાળકનો જન્મ સાત મહિને થયો હોય અને નબળું હોય જેથી તેમનું મોત નીપજ્યું હતું.
આ ઘટના બાદ બાળકનો મૃતદેહ હોસ્પિટલમાં જ મૂકી તેમના માતા અને પિતા ક્યાંક જતા રહ્યા હોય તબીબોએ તુરંત એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને બાળકના માતા અને પિતાની શોધખોળ માટે સીસીટીવી ફુટેઝના આધારે તપાસ શરૂૂ કરી છે.

