પંચાયત ચોકમાં મિત્ર સાથેની બોલાચાલીમાં ધોરણ-12ના વિદ્યાર્થી પર છરી વડે હુમલો

રાજકોટ શહેરના યુનિવર્સિટી રોડ પર આવેલા પંચાયત ચોક પાસે જૂની બોલાચાલીની અદાવતમાં એક 17 વર્ષીય વિદ્યાર્થી પર બે શખ્સો દ્વારા છરી વડે જીવલેણ હુમલો કરવામાં…

રાજકોટ શહેરના યુનિવર્સિટી રોડ પર આવેલા પંચાયત ચોક પાસે જૂની બોલાચાલીની અદાવતમાં એક 17 વર્ષીય વિદ્યાર્થી પર બે શખ્સો દ્વારા છરી વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. આ બનાવ અંગે ગાંધીગ્રામ-2 (યુનિવર્સિટી) પોલીસ સ્ટેશનમાં આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. ઇજાગ્રસ્ત સગીર શૌર્ય ધર્મેશભાઇ ભટ્ટને ડાબા હાથના કાંડાના ભાગે ગંભીર ઇજા પહોંચતા તાત્કાલિક સારવાર અર્થે વોકહાર્ટ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેના હાથનું ઓપરેશન કરીને ટાંકા લેવામાં આવ્યા છે.

બનાવની વિગતો મુજબ, ધોરણ 12 માં અભ્યાસ કરતા શૌર્યના મિત્ર આદિત્ય ગુપ્તા સાથે આરોપી જીત જયભાઈ ભટ્ટ અને આર્યન ગોલતરની બોલાચાલી થઈ હતી. જે અંગે શૌર્યએ કોન્ફરન્સ કોલ કરીને જીતને બોલાચાલી કરવાનું કારણ પૂછતાં જીત ઉશ્કેરાઈ ગયો હતો. તેણે શૌર્ય અને આદિત્યને સાંજે યુનિવર્સિટી રોડ પર પંચાયત ચોક પાસે આવેલા ગેલેક્સી પાન પાસે આવવા જણાવ્યું હતું. જેથી શૌર્ય અને આદિત્ય બંને સાંજે ત્યાં પહોંચ્યા હતા.

સ્થળ પર પહોંચીને શૌર્યએ જીતને ફોન કરતા તેણે ગાળો આપવાનું શરૂૂ કર્યું હતું અને થોડી જ વારમાં જીત તથા આર્યન સફેદ કલરના એક્સેસ મોપેડ પર ત્યાં આવી પહોંચ્યા હતા. ત્યાં આવીને બંનેએ ગાળાગાડી કરી ઝઘડો શરૂૂ કર્યો હતો.

આ દરમિયાન આર્યને શૌર્યને પકડી રાખ્યો હતો અને ઢીકાપાટુનો માર માર્યો હતો, જ્યારે જીતે અચાનક ખિસ્સામાંથી છરી કાઢીને હુમલો કર્યો હતો. જીતે છાતીના ભાગે ઘા મારવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ શૌર્યએ હાથ આડો ધરતા તેના ડાબા હાથના કાંડા પર છરીનો વાગી ગઈ હતી.

હુમલા બાદ આરોપીઓ જાનથી મારી નાખવાની ધમકી આપીને ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા હતા. લોહીલુહાણ હાલતમાં આદિત્ય પોતાના મિત્ર શૌર્યને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયો હતો. આ ઘટના અંગે ગાંધીગ્રામ-2 પોલીસે શૌર્યની ફરિયાદના આધારે જીત ભટ્ટ અને આર્યન ગોલતર વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (ઇગજ) ની વિવિધ કલમો તથા જી.પી. એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.