Site icon Gujarat Mirror

ગોંડલ નેશનલ હાઈવે પર ગમખ્વાર અકસ્માત: ઇજાગ્રસ્ત ડમ્પરચાલકનું રાજકોટમાં મોત

ગોંડલના નવા માર્કેટિંગ યાર્ડના ગેટ પાસે નેશનલ હાઈવે પર એક હૃદયદ્રાવક અકસ્માતની ઘટના સામે આવી છે. પ્રાપ્ત વિગતો અનુસાર, સિક્સ લેન રોડના ચાલી રહેલા કામ દરમિયાન કોન્ટ્રાક્ટરના ડમ્પરને પાછળથી પૂરઝડપે આવતી એક ટ્રકે જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માત એટલો ભીષણ હતો કે બંને વાહનોને ભારે નુકસાન થયું હતું. અકસ્માત બાદ ડમ્પર ચાલક તોમાંગસિંગ મોહનલાલ જાટ (ઉં.વ. 55) ને ગંભીર ઈજાઓ પહોંચી હતી. તાત્કાલિક ધોરણે 108 મારફતે તેમને ગોંડલ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં પ્રાથમિક સારવાર બાદ વધુ ગંભીર હાલત જણાતા રાજકોટ સિવિલમાં રીફર કરવામાં આવ્યા હતા. જોકે, ટૂંકી સારવાર દરમિયાન તોમાંગસિંગનું કરુણ મોત નીપજતા પરિવાર અને સાથી કર્મચારીઓમાં શોકની લાગણી ફરી વળી છે.

આ અકસ્માતને પગલે હાઈવે પર બંને તરફ વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી અને ટ્રાફિક વ્યવસ્થા સંપૂર્ણપણે ખોરવાઈ ગઈ હતી. બનાવની જાણ થતા જ ગોંડલ શહેર ‘ઈ’ ડિવિઝન પોલીસ અને 112 પોલીસ વાન ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. રસ્તાની વચ્ચે ઉભેલા અકસ્માતગ્રસ્ત વાહનોને કારણે પોલીસને ટ્રાફિક હળવો કરવામાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો.

અંતે ક્રેનની મદદથી અકસ્માતગ્રસ્ત વાહનોને રોડની બાજુમાં ખસેડવામાં આવ્યા હતા અને કલાકોની જહેમત બાદ ટ્રાફિક પૂર્વવત કરવામાં આવ્યો હતો. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, હાઈવે પરના અકસ્માતોની સંખ્યા સતત વધી રહી છે, જે તંત્ર માટે ચિંતાનો વિષય છે.

ગોંડલની મુખ્ય ચોકડીઓ જેવી કે આશાપુરા ચોકડી, ઉમવાડા ચોકડી અને ગુંદાળા ચોકડી પર સ્ટ્રીટ લાઈટો બંધ હોવાને કારણે રાત્રિના સમયે અકસ્માતનો ભય વધી રહ્યો છે. તંત્ર દ્વારા લાખોના ખર્ચે મોટા ટાવર તો ઉભા કરી દેવામાં આવ્યા છે, પરંતુ લાઈટો ચાલુ ન થતા આ ટાવરો માત્ર “શોભાના ગાંઠિયા” સમાન સાબિત થઈ રહ્યા છે. સ્થાનિક રહીશો અને વાહનચાલકોમાં તંત્રની આ ઘોર બેદરકારી સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. જો આ મુખ્ય ચોકડીઓ પર લાઈટો કાર્યરત કરવામાં આવે, તો ભવિષ્યમાં થતા જીવલેણ અકસ્માતોને રોકી શકાય તેમ છે. વારંવારની રજૂઆતો છતાં તંત્ર મૌન સેવી રહ્યું હોય તેમ જણાય છે.

Exit mobile version