અમરેલી
ખાંભાના મોટા બારમણ ગામે ટ્રેકટર નીચે કચડાઇ જતા બાળકનું મોત
જિલ્લામાં આવેલ ખાંભાના મોટા બારમણ ગામે એક ભયંકર અકસ્માત સર્જાયો છે. જેમાં આ અકસ્માતમાં એક 2 વર્ષના બાળકનું મોત નિપજ્યું છે. જેના કારણે તેના પરિવાર પર જાણે કે આભ તૂટી પડ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે અને પરિવારમાં શોકનો માહોલ ફેલાઈ ગયો છે. માતા-પિતા ન તો કોઈને કહી શકે કે ન તો સહી શકે તેવી તેમની સ્થિતિ થઈ ગઈ છે.
મોટા બારમણ ગામે ખેડૂતની વાડીમાં મગફળી કાઢવાનું કામ ચાલતું હતું. તે સમયે ટ્રેક્ટરને રિવર્સમાં લેવામાં આવ્યું. જોકે બાળક ત્યાં ટ્રેક્ટરના ટાયર પાસે જ ઉભો હતો. જેમાં તે ટ્રેક્ટરના ટાયર નીચે આવી જતા તેનું કરુણ મોત નિપજ્યું હતું. જે સમયે આ બનાવ બન્યો તે સમયે ખેતરમાં હાજર સૌ કોઈ લોકોની આંખો પહોળી થઈ ગઈ હતી. બીજી તરફ બાળકના માતા-પિતા પણ આઘાતમાં સરી ગયા હતા.
ઘટના સ્થળે જ બાળકનું કરુણ મોત નિપજ્યું હતું. જેથી બાળકના મૃતદેહને પીએમ અર્થે ખાંભાની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. સમગ્ર મામલે ખાંભા પોલીસને જાણ થતા પોલીસ પણ દોડીને પહોંચી હતી અને તેણે ટ્રેક્ટર ચાલક દેવશી ભાણા બારૈયા સામે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જોકે આ ઘટના હાલ આસપાસના વિસ્તારમાં ચર્ચાનું કેન્દ્ર બની ગઈ છે. ઉલ્લેખનીય છે કે મૃતક બાળકનું નામ કર્તક કૈલાસભાઈ હોવાનું સામે આવ્યું છે. બાળકના મોતને લઈને તેના પરિવારમાં હાલ શોકનો માહોલ ફેલાઈ ગયો છે.