Site icon Gujarat Mirror

‘તમે ભાજપના દલાલ છો’ કહી દબાણહટાવ શાખાના અધિકારી સાથે હાથાપાઇ કરનાર ‘આપ’ના ઉમેદવાર સામે નોંધાયો ગુનો

વોર્ડ નંબર-4ના ઉમેદવાર રાહુલ ભુવા અને હાર્દિક રીબડિયા સામે ફરજમાં રૂકાવટની ફરિયાદ, બોર્ડ પણ બળજબરીથી પડાવી લીધા

રાજકોટ શહેરના કુવાડવા રોડ વિસ્તારમાં સરકારી મિલકત પરથી ગેરકાયદેસર ચૂંટણી બોર્ડ હટાવવાની કામગીરી કરી રહેલા રાજકોટ મહાનગરપાલિકાના દબાણ હટાવ શાખાના અધિકારી અને સ્ટાફ સાથે ગેરવર્તન કરી, તેમની ફરજમાં રૂૂકાવટ લાવવા બદલ આમ આદમી પાર્ટીના બે ઉમેદવારો વિરુદ્ધ બી-ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. આ ઘટના ગત તારીખ 31 માર્ચ 2026ના રોજ સાંજના સમયે બની હતી, જે અંગેની સત્તાવાર ફરિયાદ ગઈકાલે નોંધાવવામાં આવી છે.

ઘટનાની વિગતો મુજબ, રાજકોટ મહાનગરપાલિકાની દબાણ હટાવ શાખામાં ઇ.આર.ઓ. તરીકે ફરજ બજાવતા દિગ્વીજયસીંહ જશુભા જાડેજા અને તેમનો સ્ટાફ સરકારી બોલેરો ગાડી લઈને શહેરના વિવિધ વોર્ડમાં ફિલ્ડ વર્ક પર હતા. સાંજે આશરે 05:30 વાગ્યાની આસપાસ જ્યારે તેઓ કુવાડવા રોડ પર ડી-માર્ટ પાછળ ગુરૂૂદેવ પાર્ક શેરી નં-5 પાસેથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે તેમને સરકારી ઇલેક્ટ્રીક થાંભલાઓ પર આમ આદમી પાર્ટીના પ્રચાર લક્ષી બોર્ડ લાગેલા જોવા મળ્યા હતા. મ્યુનિસિપલ કમીશનરના આદેશ મુજબ સરકારી મિલકત પરથી આવા બોર્ડ હટાવવાની સૂચના હોવાથી, કર્મચારીઓએ આ બોર્ડ ઉતારવાની કામગીરી શરૂૂ કરી હતી.

આ કામગીરી દરમિયાન રાહુલભાઈ ભૂવા અને હાર્દીક રાબડીયા નામના બે શખ્સો ત્યાં ધસી આવ્યા હતા અને પોતે આમ આદમી પાર્ટીના વોર્ડ નં-4 ના ઉમેદવાર હોવાની ઓળખ આપી હતી. તેઓએ કર્મચારીઓને ધમકાવીને પૂછ્યું હતું કે “રજાના દિવસે કેમ બોર્ડ હટાવો છો?” અને કામગીરી બંધ કરવા દબાણ કર્યું હતું. અધિકારીએ તેમને સમજાવવાનો પ્રયાસ કર્યો કે તેઓ માત્ર પોતાની સરકારી ફરજ બજાવી રહ્યા છે, પરંતુ બંને શખ્સોએ ઉશ્કેરાઈને બોલાચાલી અને ઝઘડો શરૂૂ કર્યો હતો. આટલેથી ન અટકતા, રાહુલ ભૂવાએ અધિકારીને ધક્કો મારી બાજુ પર ખસેડી દીધા હતા અને તેમની સરકારી કામગીરીમાં રૂૂકાવટ ઊભી કરી હતી.

ત્યારબાદ, ત્યાં એકઠા થયેલા અજાણ્યા લોકોની મદદથી આરોપીઓએ બોલેરો ગાડીમાં મૂકેલા બોર્ડ જબરદસ્તી બહાર કાઢી લીધા હતા અને અન્ય જગ્યાએ રવાના કરી દીધા હતા. આરોપીઓએ કર્મચારીઓને “ભાજપના દલાલ છો” કહી અપમાનિત કર્યા હતા અને ફરીવાર અહીં ન આવવાની ધમકી પણ આપી હતી. અંતે 112 નંબર પર પોલીસને જાણ કરતા પોલીસની ગાડી આવતા જ બંને આરોપીઓ ત્યાંથી નાસી છૂટ્યા હતા. આ મામલે બી-ડીવીઝન પોલીસે બી.એન.એસ. કલમ 221, 121(1) અને 3(5) હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Exit mobile version