Site icon Gujarat Mirror

જેતપુરમાં જાહેરમાં મરઘી કાપી ન્યુસન્સ ફેલાવતા છ શખ્સો સામે ગુનો નોંધાયો

લોકોની અવર-જવર વચ્ચે રસ્તામાં માસ અને ચામડુ કાપી નાખતા હતા

જેતપુર પોલીસે જાહેરમાં મરધી કાપનાર છ શખ્સોની ધરપકડ કરી છે. પોલીસને લાંબા સમયથી ફરિયાદો મળી રહી હતી કે શહેરના કેટલાક વિસ્તારોમાં ખુલ્લેઆમ રસ્તા પર જ મરઘીઓની કતલ કરવામાં આવે છે. આ શખ્સો રસ્તે પસાર થતા રાહદારીઓ અને આસપાસના રહીશોને સુગ ચડે તે રીતે મરઘીઓને મારી, તેનું ચામડું અને માંસ અલગ કરી જાહેરમાં પ્રદર્શન કરતા હતા. આ અશોભનીય દ્રશ્યોને કારણે ખાસ કરીને મહિલાઓ, બાળકો અને વડીલોને રસ્તા પરથી પસાર થવામાં ભારે હાલાકીનો સામનો કરવો પડતો હતો.

વધુમાં, આ વિક્રેતાઓ મરઘીના વધેલા કચરા અને લોહીનો નિકાલ પણ જાહેર રસ્તાઓ કે ખુલ્લી ગટરોમાં કરતા હતા. આ પ્રકારના નિકાલથી વિસ્તારમાં અસહ્ય દુર્ગંધ ફેલાતી હતી અને રોગચાળો ફાટી નીકળવાની ભીતિ પણ સેવાઈ રહી હતી. સ્થાનિક લોકોની રજૂઆત અને જાહેર સ્વાસ્થ્યને ધ્યાને રાખીને પોલીસે આ બાબતને ગંભીરતાથી લીધી હતી.

રાજકોટ ગ્રામ્ય પોલીસ અધિક્ષક વિજયસિંહ ગુર્જરની સૂચનાથી જેતપુર પોલીસે અલગ-અલગ ટીમો બનાવી શંકાસ્પદ વિસ્તારોમાં દરોડા પાડ્યા હતા. આ કાર્યવાહી દરમિયાન પોલીસે છ શખ્સોને રંગેહાથ ઝડપી પાડ્યા હતા, એજાજ અમદભાઇ કાથરોટીયા, ઉ.વ.21, શાહિલ હનીફભાઇ મોર, યાકુબ મુસાભાઇ કારવા, એજાજ ઇકબાલભાઇ ખોરાણી, ગફારભાઇ મહમ્મદભાઇ તરકવાડીયા અને સલીમભાઇ જુશબભાઇ મગીયાણીની ધરપકડ કરી હતી. જેઓ કોઈ પણ જાતના લાયસન્સ કે ચોકસાઈ વગર જાહેર રસ્તા પર જ માંસનું વેચાણ કરી રહ્યા હતા. ધરપકડ કરાયેલા શખ્સો સામેના જાહેરમાં મરઘીની કતલ કરી માંસનું વેચાણ કરવું.

રસ્તે પસાર થતા લોકોને ત્રાસ થાય તે રીતે ગંદકી ફેલાવવી, મરઘીના અવશેષો અને કચરાનો અયોગ્ય નિકાલ કરી જાહેર સ્વાસ્થ્ય જોખમમાં મૂકવું. આસપાસના રહીશોની શાંતિ અને પવિત્રતા ભંગ થાય તેવું કૃત્ય કરવા બદલ ગુનો નોધી કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસની આ કડક કાર્યવાહીને જેતપુરના નાગરિકોએ વધાવી લીધી છે. ખાસ કરીને જે વિસ્તારોમાં આ પ્રવૃત્તિઓ ચાલતી હતી ત્યાં રહેતા લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. પોલીસે સ્પષ્ટ શબ્દોમાં ચીમકી આપી છે કે, આગામી સમયમાં પણ જો કોઈ વ્યક્તિ જાહેરમાં આ રીતે ગંદકી ફેલાવતા કે નિયમોનું ઉલ્લંઘન કરતા ઝડપાશે, તો તેમની સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. હાલમાં ઝડપાયેલા તમામ છ આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી જેતપુર પોલીસે આગળની તપાસ હાથ ધરી છે. આ કાર્યવાહીથી અન્ય ગેરકાયદેસર માંસ વેચનારા તત્વોમાં પણ ફફડાટ વ્યાપી ગયો છે.

Exit mobile version