rajkot

જરૂરિયાત વગરના BPL કાર્ડ ધારકો સામે ઝુંબેશ શરૂ કરાશે

Published

on

રાજકોટ શહેર જિલ્લામા 2.92 લાખથી વધુ બીપીએલ અને અંત્યોદય કાર્ડ ધારકો દ્વારા સરકાર દ્વારા ફાળવવામાં આવતાં રાશન સહિતની સુવિધા મેળવી રહ્યાં છે જેમાં મોટાભાગનાં બીપીએલ કાર્ડ હોલ્ડરો પાસે પાકા મકાનો, ફોર વ્હીલ કાર સહિતની સુવિધા હોવા છતાં બીપીએલ કાર્ડ કઢાવીને સરકારી યોજનાનું રાશન મેળવતાં હોવાનું જિલ્લા પુરવઠા અધિકારી રાજેશ્રી વંધવાણીના ધ્યાન પર આવતાં પુરવઠા ઈન્સ્પેકટરોની અલગ અલગ ટીમો બનાવી આવા કાર્ડ ધારકોને શોધી કાઢવા અને તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવા ઝુંબેશનો આદેશ આપ્યો છે.
રાજકોટ શહેર જિલ્લામાં 700થી વધુ રેશનીંગની દુકાનો પરથી બીપીએલ અને અંત્યોદય કાર્ડ ધારકો દ્વારા કેન્દ્ર સરકાર દ્વારા ફાળવવામાં આવતું સસ્તા ભાવનું રાશન મેળવતાં હોવાનું જાણવા મળ્યું છે. જરૂરીયાતમંદો સસ્તા અનાજનું રાશન મેળવે તે વાત વ્યાજબી છે પરંતુ ગરીબી રેખા નીચે આવતાં ન હોય તેવા લોકો પણ રાશન કાર્ડ કઢાવી સસ્તા ભાવનું અનાજ, કઠોળ, ખાંડ, તેલ ચોખા મેળવી બારોબર વેચી નાખતાં હોવાનું તંત્રનાં ધ્યાન પર આવ્યું છે.
રાજકોટ શહેર જિલ્લામાં જરૂરીયાત વગરના અસંખ્ય બીપીએલ કાર્ડ ધારકો સરકારી યોજનાનો ગેરકાયદેસર લાભ લેતાં હોવાનું જિલ્લા પુરવઠા અધિકારીના ધ્યાન પર આવતાં આવા કાર્ડહોલ્ડરોને શોધી કાઢી તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવા માટે પુરવઠા ઈન્સ્પેકટરોની અલગ અલગ ટીમો બનાવી ઝુંબેશ શરૂ કરવા આદેશ આપવામાં આવ્યો છે.
સુત્રોના જણાવ્યા પ્રમાણે પુરવઠા તંત્ર દ્વારા જો આ ઝુંબેશ તટસ્થ પણે શરૂ કરે તો 50 ટકાથી વધુ બીપીએલ કાર્ડ રદ કરવા પડે તેવી સ્થિતિ સર્જાય તેમ છે. મોટાભાગનાં લોકો ગરીબી રેખા નીચે ન આવતાં હોવા છતાં પોતાની પાસે પાકા મકાન, ફોર વ્હીલ કાર સહિતની અદ્યતન સુવિધા હોવા છતાં બીપીએલ કાર્ડ કઢાવી કેન્દ્ર સરકારની યોજનાનો ગેરકાયદેસર લાભ લેતાં હોય જેના કારણે ગરીબોના મોંઢે આવેલા કોળીયો છીનવાઈ જાય છે. જે અટકાવવા માટે આ ઝુંબેશ શરૂ કરવામાં આવનાર હોવાનું જણાવ્યું છે અન ે આવા કાર્ડ ધરાવતાં લોકોએ સામેથી પુરવઠા વિભાગનો સંપર્ક કરી પોતાનું કાર્ડ બંધ કરાવી જવા અપીલ કરવામાં આવી છે.

વાર્ષિક 1.80 લાખ આવક ધરાવતાં પરિવારના BPL કાર્ડ રદ થશે

રાજકોટ શહેર જિલ્લામાં જરૂરીયાત વગર બીપીએલ કાર્ડ કઢાવી સરકારી યોજનાનો ગેરકાયદેસર લાભ લેતાં પરિવારો સામે જિલ્લા પુરવઠા તંત્ર દ્વારા ઝુંબેશ શરૂ કરવામાં આવી છે ત્યારે જિલ્લા પુરવઠાના સ્ટાફે માહિતી આપતાં જણાવ્યું હતું કે કોઈપણ પરિવારની માસિક આવક 15000 અને વાર્ષિક આવક 1.80 લાખથી વધુ હોય તેવા બીપીએલ કાર્ડધારકોનાં કાર્ડ તાત્કાલીક અસરથી રદ કરવામાં આવશે.

જરૂરિયાત વગરના 52 બીપીએલ કાર્ડ રદ કરાશે

રાજકોટ શહેર જિલ્લામાં પોતાની પાસે પાકા મકાન, ફોર વ્હીલ કાર સહિતની સુવિધા હોવા છતાં બીપીએલ હેઠળ રાશનકાર્ડ કઢાવી કેન્દ્ર સરકારની યોજનાનો લાભ લેતાં હોવાનો તંત્રનાં ધ્યાન પર આવ્યું છે ત્યારે પુરવઠા અધિકારી રાજેશ્રી વંધવાણી દ્વારા આગામી તા.20-12નાં રોજ આવા 52 જેટલા કેસો અંગેની સુનાવણી રાખવામાં આવી છે. જે અરજદારોની રજૂઆત સાંભળ્યા બાદ રદ કરવાની કાર્યવાહી કરવામાં આવશે. વધુમાં જાણવા મળ્યા પ્રમાણે તંત્રની તપાસમાં અત્યાર સુધીમાં આવા 79 રાશન કાર્ડ જરૂરીયાત વગર કઢાવ્યા હોવાનું ધ્યાન પર આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version