જામનગર શહેરના સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી વર્ષ 2012માં ગુમ થયેલા બાળકને જામનગર એલ.સી.બી.ની પેરોલ-ફર્લો સ્ક્વોડે શોધી કાઢી તેના પરિવાર સાથે મિલાપ કરાવ્યો છે. પોલીસ પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ, સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં વર્ષ 2012માં પ્રદીપ કારાભાઈ વાઘ (તે સમયે ઉ.વ. 8 વર્ષ) ગુમ થયાની નોંધ કરવામાં આવી હતી. બાળક પોતાના ઘરેથી કોઈને જાણ કર્યા વગર નીકળી ગયો હતો. ત્યારથી તેની શોધખોળ ચાલી રહી હતી.
રાજકોટ રેન્જના પોલીસ અધિકારીઓ તથા જામનગર જિલ્લા પોલીસ વડાની સૂચનાના અનુસંધાને લાંબા સમયથી ગુમ થયેલા બાળકો અને વ્યક્તિઓને શોધી કાઢવા માટે એલ.સી.બી.ની પેરોલ-ફર્લો સ્ક્વોડ દ્વારા સતત પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા. દરમિયાન હ્યુમન સોર્સ અને ટેકનિકલ એનાલિસિસના આધારે તપાસ કરતાં ગુમ થયેલો બાળક હાલ 24 વર્ષનો યુવક બની અમદાવાદ ખાતે એક કુરિયર કંપનીમાં નોકરી કરતો હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે યુવકને શોધી કાઢી તેના પિતા કારાભાઈ ગોવિંદભાઈ વાઘ સાથે મિલાપ કરાવ્યો હતો. 14 વર્ષ બાદ પુત્ર મળી આવતા પરિવારજનોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. આ સમગ્ર કામગીરી એલ.સી.બી.ના પેરોલ-ફર્લો સ્ક્વોડના ઇન્ચાર્જ પીએસઆઈ એમ.વી. ભાટીયાના માર્ગદર્શન હેઠળ ટીમ દ્વારા સફળતાપૂર્વક પાર પાડવામાં આવી હતી.

