ક્રાઇમ

મોરબીની હાઈપ્રોફાઈલ જુગાર ક્લબમાં ગમે ત્યારે થશે મોટા ધડાકા

Published

on

અચાનક SMCના વડા નિર્લિપ્તરાયને તપાસ સોંપાતા પ્રકરણ ખૂબ ગંભીર હોવાની ચર્ચા, સીધો ડી.જી.ને રિપોર્ટ કરાશે

જુગારના પટમાંથી મળેલી લાખોની રોકડ, એક આરોપીનું ખોટું નામ લખવા, ડ્રાઈવરોને આરોપી બનાવવા સહિતની શંકાસ્પદ બાબતો

જખઈએ હોટલના સ્ટાફ, સાહેદો અને જુગારમાં પકડાયેલ લોકોના નિવેદન નોંધ્યા, જામીનને નિવેદન માટે તેડું

મોરબીમાં રાજકોટ રોડ ઉપર ટંકારા પોલીસની હદમાં આવતી ભાજપના અગ્રણીની હોટલ ક્ધફર્ટમાંથી ગત તા. 27 ઓક્ટોબરના રોજ રાજકોટ મોરબીના માલેતુજાર લોકોની હાઈ પ્રોફાઈલ જુગાર ક્લબ ઉપર દરોડો પાડી રાજકોટ-મોરબીના 9 જેટલા માલેતુજાર લોકોની ધરપકડ કરવાની ઘટનામાં મોટો વહિવટ થયાની ઉપર સુધી પહોંચેલી ફરિયાદના પગલે રાજ્યના પોલીસવડા વિકાસ સહાયએ આ જુગાર કાંડની તપાસ સ્ટેટ મોનીટરીંગ સેલના વડા નિર્લિપ્ત રાયને સોંપતા ગઈકાલે સાંજથી નિર્લિપ્ત રાયે મોરબીમાં ધામા નાખ્યા છે. અને જે સ્થળેથી જુગાર ક્લબ ઝડપાઈ હતી તે હોટલમાં પણ તપાસનો ધમધમાટ શરૂ કરતા આ પ્રકરણમાં ટુંક સમયમાં જ મોટા ધડાકા થવાની શક્યતા જાણકારો દર્શાવી રહ્યા છે.


સમગ્ર સૌરાષ્ટ્રમાં ભારે ખળભળાટ મચાવનાર આ જુગાર દરોડા બાદ રેડ કરનાર પોલીસ ઈન્સ્પેક્ટર વાય.કે. ગોહિલની લીવ રિઝર્વમાં બદલી કરી નાખવામાં આવી હતી. જ્યારે બે પોલીસ કર્મચારીઓની જિલ્લા બહાર બદલી કરી નાખવામાં આવી હતી.


હવે ગઈકાલથી અચાનક જ સ્ટેટ મોનીટરીંગ સેલના વડા અને અન્ય અધિકારીઓ દ્વારા તપાસ શરૂ કરવામાં આવતા પોલીસ તંત્રમાં ભારે ખળભળાટ મચી જવા પામેલ છે.


મળતી માહિતી મુજબ ગત મોડી રાત સુધી એસએમસીના અધિકારીઓએ હોટલના કર્મચારીઓ ઉપરાંત જુગાર રમતા પકડાયેલ લોકો તથાતેના ડ્રાઈવરોના નિવેદનો નોંધ્યા હતા અને ટંકારા પોલીસ સ્ટેશનમાં તપાસ કરી હતી. પરંતુ ટંકારા પોલીસ સ્ટેશનના સીસીટીવી કેમેરા પણ બંધ હોવાનું ધ્યાને આવ્યું હતું.


એસએમસીએ સતત 9 કલાક તપાસ કરી હતી. અને સાહેદોના પણ નિવેદનો લીધા હતા. તેમજ જુગાર રમતા ઝડપાયેલ લોકોના જામીનને પણ નિવેદન માટે સમન્સ મોકલ્યા છે.


સુત્રોના કહેવા મુજબ ગત તા. 26 ઓક્ટોબરની રાત્રે હોટલ કમ્ફર્ટના રૂમ નં. 105માં રાત્રે 11 વાગ્યે જુગારની રેડ થઈ હતી. આ દરમિયાન મોરબીથી રાજકોટ જઈ રહેલા એક કારખાનેદાર હોટલમાં મિત્રો સાથે સુપ પીવા રોકાયા હતા અને રૂમમાં જ મોબાઈલ ભુલી જતાં 15 મીનીટ પછી મોબાઈલ લેવા જતા ત્યાં જુગારની રેડ પડી ગયાનું જાણવા મળ્યું હતું. આથી પોતે જુગાર રમતા નથી પરંતુ મોબાઈલ ભુલી ગયા હોય, લેવા આવ્યાનું પોલીસને જણાવતા પોલીસે બીજા દિવસે પોલીસ સ્ટેશનેથી મોબાઈલ લઈ લેવા જણાવ્યું હતું. જ્યારે બીજા દિવસે કારખાનેદાર મોબાઈ લેવા પોલીસ સ્ટેશન ગયા તો તેને પણ આરોપી બનાવી દીધા હતાં.


આ સિવાય જુગારની કથિત રેડ દરમિયાન ખાસ રોકડ રકમ નહીં મળતા પકડાયેલ એક વ્યક્તિને મોબાઈલ પરત આપી રાજકોટથી રૂા. 12 લાખ મંગાવવામાં આવ્યા હતાં. અને રાત્રે રાજકોટનો વ્યક્તિ 12 લાખ લઈને આવતા ઓવરબ્રીજ નીચે 49 નંબરની ખાનગી કારમાં આવેલી પોલીસે રૂા. 12 લાખ લઈ રાજકોટના વ્યક્તિને રવાના કરી દીધો હતો. જ્યારે રૂા. 12 લાખની રોકડ રકમ જુગારના પટમાંથી મળ્યાનું બતાવી દેવાયું હતું.


જુગારની આ કથિત રેડમાં હોટલના કમ્પાઉન્ડમાં કારમાં સુતેલા બે ડ્રાઈવરને પણ આરોપી બનાવી દેવાયાનું બહાર આવ્યું છે.


આ ઉપરાંત જુગાર રમતા ઝડપાયેલ એક વ્યક્તિનું ખોટુ નામ ફરિયાદમાં લખી આડકતરી રીતે બચાવવા પ્રયાસ કરાયો હતો. પરંતુ રેકર્ડ ઉપર જે નામ લખાયું હતું તે વ્યક્તિ બીજા દિવસે પોલીસ સ્ટેશનને પહોંચતા તાબડતોબ શરત ચુકથી ખોટુ નામ લકાઈ ગયાનું સોગંદનામું પણ કરાવવામાં આવ્યું હતું. આ રેડ સમયે જેની હદ આવતી નહોતી તે વિસ્તારના એક ડીવાયએસપીની પણ હાજરીબહાર આવી છે. હવે એસએમસી આ પ્રકરણ ડી.જી.ને રિપોર્ટ આપે પછી મોટા ધડાકા થવાની શક્યતા દર્શાવાય છે.

ત્રણ-ત્રણ વખત તપાસ બદલાઈ છતાં અનેક સવાલો અનઉત્તર

મોરબીની હાઈપ્રોફાઈલ જુગાર ક્લબમાં ખોટા લોકોને ફિટ કરી દેવામાં આવ્યા હોવાની અને મોટી રકમનો તોડ કર્યા બાદ પણ કેસ કરવામાં આવ્યો હોવા સહિતની અનેક ચર્ચાઓ વચ્ચે સૌ પ્રથમ ટંકારાના પીઆઈ ગોહિલને લિવ રિઝર્વમાં મુકી તપાસ એલસીબીને સોંપાઈ હતી, ત્યાર બાદ આ તપાસ લીંબડી ડીવાયએસપીને અને ત્યાર બાદ મોરબી એસ.પી.ને તપાસ સોંપાઈ હતી. જો કે, ગઈકાલથી અચાનક જ સ્ટેટ મોનીટરીંગ સેલના વડાને તપાસ સોંપી દેવામાં આવતા કંઈક મોટી નવા-જૂનીના સંકેતો મળે છે. પોલીસ ખાતામાં ચર્ચાતી વાતો મુજબ આ હાઈપ્રોફાઈલ ક્લબ ઉપરની મંજુરીથી ચાલતી હતી અને તેમાં સ્થાનિક પોલીસે સીન સપાટા કરતા પ્રકરણ હવે ‘જાડુ’ થઈ ગયું છે. આ ક્લબના છાંટા ઉચ્ચ અધિકારીઓને પણ ઉડે તેવી શક્યતા જાણકારો દર્શાવી રહ્યા છે. જુગાર રમતા પકડાયેલ આરોપીઓમાં કેટલા સાચા અને કેટલા ખોટા તે અંગે પણ અલગ અલગ ચર્ચાઓ થઈ રહી છે. ત્યારે એસએમસીની તપાસમાં કેટલુ સત્ય બહાર આવે છે તે તરફ સૌની નજર મંડાયેલી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version