રાજકોટ શહેરના ગોંડલ રોડ પર આવેલા ગોકુલધામ માનસતા ચોક વિસ્તારમાં એક અત્યંત હૃદયદ્રાવક અને કમનસીબ ઘટના સામે આવી છે. અહીં પોતાના ઘરની બહાર રમી રહેલી માત્ર 6 વર્ષની માસૂમ બાળકીનું પાણીના ભરેલા ટાંકામાં અકસ્માતે પડી જતાં ડૂબી જવાથી કરુણ મોત નીપજ્યું છે. પ્રાપ્ત વિગતો અનુસાર, મૂળ ઉત્તરપ્રદેશના વતની અને હાલ ગોકુલધામ વિસ્તારમાં રહેતા દીપકસિંહ ઠાકુરની છ વર્ષની દીકરી આસ્થા ઘર પાસે તેના દોઢેક વર્ષના નાના ભાઈ સાથે રમી રહી હતી. આ સમયે અચાનક નાનો ભાઈ રડવા લાગ્યો હતો, જેથી માતા તેને છાનો રાખવા અને દૂધ પીવડાવવા માટે ઘરમાં અંદરના રૂૂમમાં લઈ ગઈ હતી.
થોડીવાર બાદ માતા જ્યારે બાળકને દૂધ પીવડાવીને બહાર પરત આવી ત્યારે આસ્થા ત્યાં રમતી જોવા મળી ન હતી. આસપાસ ભારે શોધખોળ અને તપાસ કર્યા બાદ આખરે માસૂમ પુત્રી ઘર પાસેના જ પાણીના ટાંકામાંથી મૃત હાલતમાં મળી આવતા પરિવારના સભ્યો પર આભ તૂટી પડ્યું હતું અને ભારે આક્રંદ છવાઈ ગયો હતો. બાળકીના પિતા દીપકસિંહ ડ્રાઇવિંગનું કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. મૃતક આસ્થા બે ભાઈ અને એક બહેનમાં બીજા નંબરની વહાલસોયી સંતાન હતી. બાળકીના આકસ્મિક અને કમકમાટીભર્યા મૃત્યુથી પરિવારજનો ઊંડા શોકમાં ગરકાવ થઈ ગયા હતા. ત્યારબાદ સ્વજનો ભારે હૈયે અંતિમ સંસ્કાર અર્થે માસૂમ પુત્રીના મૃતદેહને પોતાના મૂળ વતન ઉત્તરપ્રદેશ ખાતે લઈ ગયા હતા.
