રામાપીરના મંદિર આગળ યુવરાજનગર શેરી નં.7માં રહેતા વિપુલ ભરતભાઈ રાઠોડ (ઉ.વ.26)ને આપઘાતની ફરજ પાડવા અંગે તેની પત્નીના કુટુંબી માસીના પુત્ર કિશન ટપુભાઈ સોલંકી (રહે. સાગરનગર શેરી નં.5) સામે આજી ડેમ પોલીસે ગુનો દાખલ કરી તેની ધરપકડ કરી હતી.
ગઈકાલે સવારે વિપુલની રાંદરડા તળાવમાંથી લાશ મળ્યા બાદ પરિવારે હત્યાનો આક્ષેપ કર્યો હતો. જોકે તેને સમર્થન મળ્યું ન હતું. વિપુલે પોતે જ રાંદરડા તળાવમાં ઝંપલાવી આત્મહત્યા કર્યાનું ખુલ્યું હતું. તેની માતા રંજનબેન (ઉ.વ.45)એ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે તેના પુત્ર વિપુલે 6 વર્ષ પહેલા પાયલ સાથે પ્રેમલગ્ન કર્યા હતા. સંતાનમાં પુત્ર-પુત્રીની પ્રાપ્તિ થઈ હતી. તેના પુત્રને પત્ની પાયલને અગાઉ બબલુ સાથે પ્રેમસંબંધ હોવાની જાણ થતાં બંને વચ્ચે ઝઘડા થતા પાયલ બંને સંતાનોને લઈ રિસામણે જતી રહી હતી.
ત્યાર પછી પાયલને તેની કુટુંબી માસીના પુત્ર કિશન સાથે અનૈતિક સંબંધ હોવાની તેમને જાણ થઈ હતી. જેને કારણે તેના પુત્ર વિપુલ અને કિશન વચ્ચે એકાદ માસ પહેલા ઝઘડો થયો હતો. ગઈ તા.6 ના રોજ વિપુલ, કિશનની રિક્ષામાં હતો. તે વખતે બંનેને ફરીથી ઝઘડો થતાં કિશન ટોમી (લોખંડનો સળિયો) લઈ વિપુલને મારવા પાછળ દોડતાં ડરી ગયેલા વિપુલે રાંદરડા તળાવમાં ઝંપલાવી દીધું હતું.જે અંગે જાણ થતાં ફાયર બ્રિગેડે તા.6 ના રોજ રાંદરડા તળાવમાં શોધખોળ કરી હતી.આખરે ગઈકાલે સવારે વિપુલનો મૃતદેહ મળી આવ્યો હતો. તે સાથે જ તેના પરિવારમાં કલ્પાંત મચી ગયો હતો.આ અંગે પીએસઆઇ પઢેરીયાએ તપાસ શરૂૂ કરી છે.
