rajkot

જેતપુરની દૃષ્ટિ ટેક્સટાઈલમાંથી ઉધારીમાં માલ લઈ 92 લાખનું બૂચ માર્યું

Published

on

રાજકોટ જિલ્લાના જેતપુર પંથકમાં આવેલ દ્રષ્ટી ટેક્ષટાઈલ મિલમાંથી ઉધારીમાં માલ લઈ પૈસા નહીં ચુકવી 92.88 લાખનું ચીટીંગ કર્યાની સુરત રહેતા વેપારી પિતા-પુત્ર સામે પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસે બન્ને આરોપીઓની ધરપકડ કરવાના ચક્રોગતિમાન કર્યા છે.
આ બનાવ અંગેની જાણવા મળતી વિગત મુજબ, જેતપુરનાં નવી લોહાણા મહાજન વાડી પાસે મોનાર એપાર્ટમેન્ટમાં રહેતાં નિલેશભાઈ ઉર્ફે દકુભાઈ હિરાભાઈ દગીયા (ઉ.49) નામના પ્રૌઢે પોલીસમાં નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે સુરતમાં રહેતા જગદીશ ગોરધનભાઈ માંડાણી અને તેના પુત્ર મુકેશ જગદીશભાઈ માંડાણીના નામ આપ્યા છે.
પોલીસ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે ફરિયાદી છેલ્લા 30 વર્ષથી જેતપુર ધોરાજી રોડ પર આવેલ દ્રષ્ટી ટેક્ષટાઈલ કંપનીમાં મેનેજર તરીકે નોકરી કરે છે જ્યારે આ કંપનીના માલીક આશીષ રમણીકભાઈ હિરપરા અને જીતુભાઈ બાવનજીભાઈ હિરપરા હોવાનું જણાવ્યું છે. જ્યારે કંપનીનો તમામ વહીવટ ફરિયાદી સંભાળે છે.
2014માં આરોપી જગદીશ માંડાણી અને તેનો પુત્ર મુકેશ માંડાણી ફરિયાદીની કંપની પર આવ્યા હતા અને તેઓ સુરત ખાતે આલીશાન ક્રિએશન નામની પેઢી ધરાવતાં હોવાનું અને ડ્રેસ મટીરીયલ્સ અને પ્રિન્ટેડ કાપડનો વેપાર કરતાં હોવાનું જણાવી ઉધારીમાં માલ આપવાનું કહ્યું હતું. 60 દિવસમાં પેમેન્ટ કરી આપવાની જવાબદારી લીધી હતી.
ત્યારબાદ ફરિયાદી અને તેની કંપની દ્વારા સુરતના વેપારીને 4 થી 5 વખત ચાર થી પાંચ લાખ રૂપિયાનો માલ મોકલાવ્યો હતો. જેનું પેમેન્ટ સમયસર આવી ગયા બાદ વિશ્ર્વાસ કેળવી આરોપી પિતા-પુત્રએ બે કટકે 92,88,646નો માલ મંગાવી આજ દીન સુધી તેનું પેમેન્ટ નહીં ચુકવી ઠગાઈ વિશ્ર્વાસઘાત કરી હતી.
ફરિયાદી અને તેના માલિકો દ્વારા અવારનવાર પૈસાની ઉઘરાણી કરવા છતાં આજદીન સુધી પૈસા નહીં ચુકવતાં અંતે વેપારી પિતા-પુત્ર સામે ઠગાઈ વિશ્ર્વાસઘાત કરી ધમકી આપ્યાની પોલીસમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે બન્ને આરોપીઓની ધરપકડ કરવાના ચક્રોગતિમાન કર્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version