ગુજરાત
લખતર રાજ પરિવાર દ્વારા વાસુકિ દાદાના મંદિરે 80 તોલા સોનાનો હીરાજડિત હાર અર્પણ
સુરેન્દ્રનગર જિલ્લાના લખતરના નેક ઠાકોર સાહેબ બલભદ્રસિહજી ઝાલા દ્વારા થાન ખાતે આવેલા શ્રી વાસુકી દાદા મંદિરને સોનાનો 80 તોલાનો હીરા જડિત હાર અર્પણ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે થાન વાસુકી દાદાનો ઈતિહાસ જોઈએ તો ઝાલાવાડના દેશપતિ મહારાણા શ્રી રાજ ચન્દ્રસેનજીના કુમાર શ્રી અભેસિંહજીએ પોતાને મળેલા ગરાસમાં વધારો કરતા પાંચાળમાં આજના થાનની જગ્યાએ આવ્યા ત્યારે એક તપસ્વી યોગીની સેવા શ્રુષા કરી યોગીએ મનોરથ સિદ્ધ થશે એવા આશીર્વાદ આપ્યા હતા.
કુમાર અભેસિંહજીને સ્વપ્નમાં વાસુકીજીના દર્શન થયા એમના પર શ્રદ્ધા રાખી અભેસિંહજીએ થાન પ્રદેશના મૂળ માલીકો બાબરીયા અને મૈયા લોકો ઉપર ચડાઈ કરી થાન પ્રદેશ જીતી લીધો અને થાનમાં વિક્રમ સવંત 1617મા ગાદી સ્થાપિત કરી હતી. આ પ્રતિષ્ઠા વાસુકીજીના લીધે મળી હોવાથી પોતાના રાજકુલના આરાધ્ય અધિસ્ઠાતા માની પોતાનું રાજ્ય એમને સમર્પિત કર્યું હતું. તેઓએ વાસુકીજીનું નાનું દેવલ ચણાવ્યું. થાન લખતરના રાજવી મુખ્ય ગાદી પર પોતે બિરાજતા નથી વાસુકીજી બિરાજે છે,રાજા બાજુએ સ્થાન લે છે.
રાજ્ય ધ્વજમાં પણ વાસુકીજીને સ્થાન આપાયું છે. આજે પણ પ્રાચીન પ્રણાલિકા અનુસાર મંદિરે સાંજે આરતી સમયે મસાલ લખતર સ્ટેટ તરફથી આવે છે. તથા વાસુકીજીની ધ્વજા રાજ કુટુંબ ચડાવે છે. ત્યારે મંગળવારે ધનતેરસના દિવસે લખતર ઠાકોર સાહેબ બલભદ્રસિંહજી ઝાલા દ્વારા 80 તોલાનો હીરા જડિત અતિ અમૂલ્ય સોનાનો હાર થાન રાજ પરિવારના સદસ્ય જયદીપસિંહ ઝાલાના હસ્તે વાસુકી મંદિરને અર્પણ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે ભાવિ ભક્તો નગરજનો દ્વારા ભવ્ય સામૈયું કરવામાં આવ્યું હતુ.