ગુજરાત
ન્યારા પાસે અકસ્માતમાં 8 વર્ષના પુત્ર બાદ માતાનું પણ મોત
દિવાળીના તહેવારમાં રાજકોટ ફરવા આવ્યા બાદ પરાપીપળિયા પરત જતા મસાલા કંપનીના સુપરવાઈઝરના પરિવારને કારચાલકે ઠોકરે ચડાવ્યા હતા
રાજકોટ શહેર અને જીલ્લામાં દિવાળી પર્વમાં જીવલેણ અકસ્માતના બનાવોમાં એક જ પરિવારના બે સભ્યોએ જીવ ગુમાવ્યો છે. જામનગર હાઇવે ઉપર ન્યારા પાસે અક્સમાતમાં હાથી મસાલા કંપનીના સુપરવાઈઝરના પરિવારને નડેલા અકસ્માતમાં માતા-પિતાની નજર સામે પૂત્ર મોત થયા બાદ સારવારમાં દાખલ માતાનું પણ મોત થતા પરિવાર ઉપર આભ તૂટી પડ્યું હતું. પુત્ર બાદ માતાનું પણ આજે સારવાર દરમિયાન મોત થયું હતું.
પરાપીપળિયા પાસે આવેલા હાથી મસાલા કંપનીમાં નોકરી કરતું દંપતી પુત્ર સાથે રાજકોટ ફિલ્મ જોવા આવ્યું હતું અને હોટલમાં જમીને પરત જતું હતું ત્યારે જ અકસ્માત સર્જાયો હતો.મળતી વિગતો મુજબ પડધરી નજીક પરા પીપળિયા ગામે આવેલી હાથી મસાલા કંપનીમાં નોકરી કરતા મૂળ વઢવાણના વતની અને છેલ્લાં 20 વર્ષથી પરાપીપળીયા રહેતા પ્રહલાદભાઈ સોંડાભાઈ લકુમ (ઉં.વ.40) તેનાં પત્ની પારૂૂલબેન (ઉં.વ.33) તથા પુત્ર પ્રિન્સ (ઉં.વ.8) સાથે દિવાળીના તહેવારમાં સોમવારે સાંજે રાજકોટ ફિલ્મ જોવા આવ્યા હતા અને ફિલ્મ જોઈ પરિવાર જામનગર રોડ પર આવેલી હોટલમાં જમવા ગયા હતા. જ્યાંથી સ્કૂટરમાં પરત ઘર તરફ જતાં હતાં ત્યારે રાતે બારેક વાગ્યે ન્યારા ગામના પાટિયા પાસે પહોંચતા કારના ચાલકે પ્રહલાદભાઈના પરિવારને ઠોકરે ચડાવતા અકસ્માત સર્જાયો હતો.
આ બનાવમાં પ્રહલાદભાઈ અને તેમના પત્ની પારૂૂલબેન અને પુત્ર પ્રિન્સને ઇજાઓ થતાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં 8 વર્ષના પ્રિન્સનું સારવાર મળે તે પહેલાં જ મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે પારૂૂલબેન અને પ્રહલાદભાઈને સારવારમાં દાખલ કરવામાં આવ્યા હતા. પારૂૂલબેનની હાલત ગંભીર હોય આજે બપોરે પુત્ર બાદ માતા પારૂૂલબેનનું પણ મોત થયું હતું.અકસ્માતમાં પત્ની અને પુત્ર ગુમાવનાર પ્રહલાદભાઈ ઉપર આભ તૂટી પડ્યું હતું. આ અકસ્માતમાં કારચાલક વચલીઘોડી ગામે રહેતા ક્રિપાલસિંહને પણ ઈજા પહોંચતા તેને પણ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા.બનાવની જાણ થતા પડધરી પોલીસ મથકનો સ્ટાફ ઘટના સ્થળે અને રાજકોટ સિવિલ હોસ્પીટલે દોડી ગયો હતો અને જરૂૂરી કાર્યવાહી કરી મૃતકના પ્રિન્સના પિતા પ્રહલાદભાઈની ફરિયાદ પરથી કારચાલક સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
પ્રાથમિક તપાસમાં પ્રિન્સ એક બહેનથી નાનો હતો. તેની મોટી બહેન બીજા સગાના વાહનમાં બેઠી હતી. માતા-પુત્ર બન્નેની વતન વઢવાણ ખાતે અંતિમવિધિ કરવામાં આવી હતી. પરિવારના બે સભ્યો ગુમાવતા પરિવારમાં શોક વ્યાપી ગયો હતો.