Site icon Gujarat Mirror

‘સલમાન ખાન’ની ફિલ્મમાં કામ અપાવવાના બહાને શિક્ષિકા પાસેથી 8 લાખ ખંખેર્યા

મુંબઇની ટોળકીએ રાજકોટની હોટેલમાં ઓડિશન રાખી શિક્ષિકા કમ કોરિયોગ્રાફરને શીશામાં ઉતાર્યા

મુંબઇ બોલાવી કેમ્પસ કી દુનિયા નામના શોમાં શિક્ષિકાને થોડો ઘણો રોલ આપ્યો ! છેતરપિંડી બાદ ફોન બંધ કરી દીધા


રાજકોટ શહેરમાં કોટેચા ચોક પાસે આવેલી તપસ્વી સ્કુલના શિક્ષિકા કમ કોરીયોગ્રાફરને ટીવી સિરીયલમાં અને સલમાન ખાનની ફિલ્મમાં કામ અપાવી દેવાના બહાને મુંબઇની ટોળકીએ કટકે – કટકે 8 લાખ રૂપિયા પડાવી ઠગાઇ કરતા એ ડિવીઝન પોલીસ મથકમાં ફરીયાદ નોંધવામાં આવી છે. આ મામલે પોલીસે મોબાઇલ નંબરના આધારે ટોળકીને લોકેશન મેળવી તમામને પકડી લેવા તજવીજ શરૂ કરવામાં આવી છે.


મળતી વિગતો મુજબ પંચનાથ પ્લોટમાં આવેલા રાજલક્ષ્મી એપાર્ટમેન્ટમાં રહેતા લીનાબેન અભયભાઇ શાહ (ઉ.વ. 37) નામના મહીલાએ મુંબઇના માહી ઉર્ફે શાઇન અફસર અલી, સોનમ ઉર્ફે શગુફતાબાનુ અફસર અલી, અરમાન અફસર અલી અને ભુષણકુમાર વિરૂધ્ધ વિશ્ર્વાસઘાત કર્યાની ફરીયાદ નોંધાવી છે. લીનાબેને ફરીયાદમાં જણાવ્યુ હતુ કે તેઓના પતિનુ 2019 માં અવસાન થયુ હતુ. તેમજ તેઓ હાલ તપસ્વી સ્કુલ કોટેચા ખાતે શિક્ષક તરીકે 4 વર્ષથી નોકરી કરે છે. તેમજ પોતે ડાન્સ કોરીયોગ્રાફર છે અને અલગ અલગ પ્રોગ્રામમાં ડાન્સ પણ કરે છે. 2022ની સાલમાં તેમના મોબાઇલ તેમજ વોટસએપ ન્યુઝ પેપર ગ્રુપમાં એક જાહેરાત આવી હતી જેમાં ટીવી સિરીયલમાં સારા કલાકારો જોઇએ છે.


તેમજ રસ ધરાવતા લોકોએ ચોધરી હાઇસ્કુલની સામેની બાજુ આવેલી નોવા હોટલ ખાતે હાજર રહેવુ. ત્યારબાદ આ મામલે લીનાબેન અને તેમની સાથે હિતેષભાઇ પંડયા બંને આ હોટલમાં પહોંચ્યા હતા અને ત્યા ઓડીશનમાં આવેલા આરોપી ટોળકીએ ફોર્મ ભરાવી 20000 રૂપિયા પડાવ્યા હતા અને થોડા દિવસો પછી રાજકોટ આવીશુ તેમ કહી ત્યાથી છુટા પડયા હતા.


ત્યારબાદ બે મહીલા સહીત ત્રણેય વ્યકિત રાજકોટ આવ્યા ત્યારે લીનાબેને રાજેશ્રી સિનેમા પાસે આવેલી હોટલ યુરોપિયન પાસે બોલાવ્યા હતા અને ત્યા તેઓ શુટીંગમાં આવ્યા હોવાનુ જણાવ્યુ હતુ અને નવો પ્રોજેકટ ચાલુ કર્યાનુ જણાવયુ હતુ. તેમજ વેબ સિરીઝમાં કામ અપાવવાના બહાને બીજા 18000 રૂપિયા તેઓને આપ્યા હતા. ત્યારબાદ માહી અને સોનમે મુંબઇ બોલાવતા ત્યા કેમ્પસ કી દુનિયા નામની વેબ સિરીઝનુ મુંબઇના વજેશ્ર્વરી ખાતે શુટીંગ કર્યુ હતુ જેમાં લીનાબેનને શિક્ષક તરીકેના નાનકડો રોલ આપ્યો હતો. ત્યારબાદ કલર્સ ચેનલમાં ભુષણકુમાર છે તેમની સાથે સંપર્ક કરાવશુ તેમ જણાવ્યુ હતુ. તેમજ આરોપી ટોળકીએ અલગ અલગ બહાનાઓ હેઠળ લીનાબેન પાસેથી કટકે કટકે રૂપિયા 8 લાખ પડાવ્યા હતા.


છેલ્લે તેઓને સલમાન ખાનની ફિલ્મમાં રોલ અપાવી દેવાના બહાને પૈસા પડાવ્યા હતા. તેમજ એક વર્ષ થયુ છતા આ ટોળકીએ કોઇ સંપર્ક ન કરતા લીનાબેને સામેથી તેઓનો સંપર્ક કર્યો હતો. ત્યારે અરમાને શુટીંગની તારીખ આવશે તેમ કહી વાયદાઓ અને વિશ્ર્વાસ અપાવ્યો હતો.


તેમજ ટોળકીએ વિશ્ર્વાસઘાત કર્યો હોવાનુ જાણવા મળતા તેમના વિરૂધ્ધ એ ડિવીઝન પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી હતી. જેને પગલે પીઆઇ આર. જી. બારોટની રાહબરીમાં પીએસઆઇ એમ. ડી. ડાંગી અને સ્ટાફ આ ટોળકીને પકડી પાડવા મોબાઇલ લોકેશનને આધારે તપાસ શરૂ કરી છે.

કલર્સ ચેનલમાં એક નવી સિરીયલમાં તમારું સિલેકશન થઇ ગયું છે, તેવી લાલચ આપી
આ સમગ્ર ફરીયાદમાં લીનાબેને જણાવ્યુ હતુ કે અરમાન જયારે રાજકોટ આવ્યો હતો ત્યારે તેમણે કલર્સ ચેનલમાં ભુષણકુમાર સાથે સંપર્ક કરાવી આપશે તેમ જણાવ્યુ હતુ. ત્યારબાદ થોડા દિવસો પછી એક કોલ આવ્યો હતો જેમાં સામાવાળા વ્યકિતએ ભુષણકુમારની ઓળખ આપી હતી અને અમારૂ કલર્સ ચેનલમાં એક નવી ટીવી સિરીયલ બનાવી રહયા છીએ તેમાં તમારૂ સિલેકશન થઇ ગયુ છે. તેમાં પૈસા ભરવા પડશે તેમ કહી ફોટોશુટ, આલ્બમ સોંગના નામે પૈસા પડાવ્યા હતા અને અરમાને કયામત સે કયામત તક ટીવી સિરીયલમાં કામ અપાવવાની લાલચ આપી હતી. છેવટે તમામ શખ્સોએ જવાબ આપવાનુ બંધ કરી દેતા લીનાબેને પોલીસનો સંપર્ક કર્યો હતો.

Exit mobile version