રાજકોટના આંગણે દૈનિક 20 લાખ લિટર દૂધનું પ્રોસેસિંગ થશે, 150 મે. ટન મિલ્ક પાઉડર, 100 ટન બટર અને 40 ટન ઘીનું થશે ઉત્પાદન
સમગ્ર સૌરાષ્ટ્રના દુધ ઉત્પાદકો માટે મહત્વના એવા રાજકોટમાં બની રહેલ અમૂલ (જીસી એમ એમ એફ)ના પ્લાન્ટનું 70 ટકા કામ પૂર્ણ થઇ ગયુ છે અને આગામી નવેમ્બર માસથી ટ્રાયલ શરૂ કરવામાં આવનાર છે. તેમજ જાન્યુઆરી-2027 આસપાસ પ્લાન્ટનું વિધિવત ઉદ્ઘાટન કરવાનું આયોજન છે.
અમૂલના ઉપાધ્યક્ષ ગોરધનભાઇ ધામેલિયાએ જણાવ્યુ હતુ કે, રાજકોટમાં ભાવનગર રોડ ઉપર ગઢકા ગામ પાસે તૈયાર થઇ રહેલ અમૂલના આ વિશાળ પ્લાન્ટમાં દૈનિક 20 લાખ લિટરનું પ્રોસેસિંગ થશે, જે માંથી દૈનિક 150 મેટ્રીક ટન મિલ્ક પાવડર, 100 ટન બટર અને 40 ટન ઘીનું ઉત્પાદન કરવાનો લક્ષ્યાંક છે.
હાલ આ પ્લાન્ટમાં મશીનરીનું પણ ઇન્સ્ટોલેશન થઇ ગયુ છે અને ફાઇનલ ફિટિંગ તેમજ સિવિલવર્ક પુરુ થયા બાદ નવેમ્બરથી ટ્રાયલ શરૂ કરવામાં આવશે. તેવુ તેમણે જણાવ્યુ છે. આ પ્લાન્ટ કાર્યાન્યિત થયે સૌરાષ્ટ્રના 11 જિલ્લાના દુધ ઉત્પાદકોને સીધો ફાયદો થશે. વડાપ્રધાને આ પ્લાન્ટનુ વર્ચ્ચુઅલ ભૂમિ પૂજન કર્યુ હોવાથી ઉદ્ઘાટન પણ તેમના હસ્તે જ કરાવવાનું આયોજન છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા વર્ચ્યુઅલ રીતે ભૂમિપૂજન કરવામાં આવ્યા પછી પ્લાન્ટનું કામ તેજ ગતિએ આગળ વધ્યું છે. હાલમાં બાંધકામના અંતિમ તબક્કા ચાલી રહ્યા છે અને ટૂંક સમયમાં પ્લાન્ટ પૂર્ણ થઈને ઉત્પાદન શરૂૂ કરવા તૈયાર થશે. આ પ્લાન્ટથી સૌરાષ્ટ્રમાં ઉત્પાદિત દૂધને ગાંધીનગર મોકલવાની જરૂૂર નહીં પડે, જેનાથી પરિવહન ખર્ચમાં મોટી બચત થશે.
GCMMF ઉપાધ્યક્ષ ગોરધનભાઇ ધામેલિયાએ જણાવ્યું કે આ પ્લાન્ટથી દૂધને ઝડપથી પ્રોસેસ કરી બજારમાં પહોંચાડી શકાશે. આ ઉપરાંત ઘી, બટર, સ્કિમ્ડ મિલ્ક પાવડર, UHT મિલ્ક જેવા વેલ્યુ એડેડ પ્રોડક્ટ્સ પણ તૈયાર થશે. મુંદ્રા અને કાંડલા જેવા બંદરોની નિકટતાને કારણે નિકાસની પણ સારી તકો ઊભી થશે. આગામી પાંચ વર્ષમાં સૌરાષ્ટ્રમાં દૂધ ઉત્પાદનમાં આઠ ટકાનો વિકાસ થવાની અપેક્ષા છે. આ પ્લાન્ટ આ વધતી માગને પહોંચી વળવા માટે તૈયાર થઈ રહ્યો છે. પ્લાન્ટનું કામ પૂર્ણ થયા પછી સ્થાનિક અર્થતંત્રને મજબૂતી મળશે અને હજારો લોકોને રોજગારીની તકો ઉપલબ્ધ થશે. આ પ્રોજેક્ટ સૌરાષ્ટ્રના ડેરી ક્ષેત્રને નવી ઊંચાઈએ લઈ જવાનો મહત્વનો પગલું છે. ખેડૂતો અને સ્થાનિક વહીવટી તંત્ર પણ આ પ્લાન્ટના ઝડપી પૂર્ણત્વની રાહ જોઈ રહ્યા છે.
35 લાખ લિટર દૂધ ઉત્પાદનની સામે હાલ માત્ર 10થી 12 લાખ લિટરનું પ્રોસેસિંગ
સૌરાષ્ટ્ર વિસ્તારમાં રોજનું આશરે 35 લાખ લિટર દૂધ ઉત્પાદન થાય છે, પરંતુ હાલની સુવિધાઓમાં માત્ર 10-12 લાખ લિટર જ પ્રોસેસ થઈ શકે છે. બાકીનું દૂધ ગાંધીનગર મોકલવું પડે છે, જેમાં 8-10 કલાકનો સમય લાગે છે. આ પ્લાન્ટ તૈયાર થતાં પરિવહન ખર્ચમાં વાર્ષિક આશરે 100 કરોડ રૂૂપિયાની બચત થશે. GCMMFના મેનેજિંગ ડિરેક્ટર આર.એસ. સોઢીએ કહ્યું હતું કે આનાથી ખેડૂતોને વધુ સારા ભાવ મળશે અને ફ્લશ સીઝનમાં દૂધના ‘હોલીડે’ની સમસ્યા પણ દૂર થશે.
