ગુજરાત
ધારાસભ્ય ટીલાળાના પિતરાઇ ભાઇ સહિતના 6ને લીમડી પાસે નડ્યો અકસ્માત: એકનું મોત
શાપર-વેરાવળ ઇન્ડસ્ટ્રિયલ એસોસિએશનના પ્રમુખ સહિત 3 દંપતી આબુ જતા હતા ત્યારે નડેલો અકસ્માત
અકસ્માતમાં ઇજાગ્રસ્તોને રાજકોટ ખસેડ્યા: ભાજપ નેતાઓ સહિતના અગ્રણીઓ દોડી ગયા
શાપર-વેરાવળ ઇન્ડસ્ટ્રીયલ એસોસીએશનના પ્રમુખ અને ધારાસભ્ય રમેશભાઇ ટીલાળાના પિતરાઇ ભાઇ કિશોરભાઇ ટીલાળા સહિતના 3 દંપતી જન્માષ્ટમીની રજા નિમિત્તે આબુ જતા હતા. રસ્તામાં બાઇક ચાલકને બચાવવા જતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. જેમાં તેમના મિત્ર અશ્ર્વીનભાઇ મકવાણાનું મોત નીપજ્યું હતું. અકસ્માતના ભોગ બનનાર ત્રણ દંપતિને સુરેન્દ્રનગરમાં હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમની સારવાર ચાલુ છે.
હાલ જન્માષ્ટમીના તહેવારનો રજા પડી ગઇ હોય જેથી નાગરીકો પ્રયટન સ્થળોએ ફરવા જતા હોય છે. ત્યારે શાપર-વેરાવળ ઇન્ડસ્ટ્રીયલ એસોસીએશનના પ્રમુખ અને ધારાસભ્ય રમેશભાઇ ટીલાળાના પિતરાઇ ભાઇ કિશોરભાઇ ટીલાળા તેમજ તેમના સાથી મિત્રો આબુ ખાતે આવેલ ઓમ શાંતિ આશ્રમ ખાતે જતા હતા. ત્યારે સાયલા નજીક પહોંચતા રસ્તા વચ્ચે બાઇક ચાલકને બચાવવા જતા કિશોરભાઇની ફ્ોર્ચ્યુનર કારને અકસ્માત નડ્યો હતો. જેમાં કિશોરભાઇ તેમજ અશ્ર્વિનભાઇને ગંભીર ઇજાઓ પહોંચતા તેઓને સારવાર અર્થે નજીકની હોસ્પિટલે લઇ જવાયા હતા. જ્યાં અશ્ર્વિનભાઇ માકડીયાનું મોત નીપજ્યું હતું.
રાજકોટથી પ્રખ્યાત ન્યુરો સર્જન ડો.સંજય ટીલાળા સહિતની ટીમ સુરેન્દ્રનગર ખાતે દોડી ગઇ હતી. આ લખાય છે ત્યારે કિશોરભાઇ ટીલાળાનું ઓપરેશન ચાલુ છે અને ડોક્ટરના જણાવ્યા પ્રમાણે બેસ્ટ ઓપરેશન કરાયું છે. આ ઘટનાની જાણ થતા ભાજપ અગ્રણીઓ તથા શાપર-વેરાવળ ઇન્ડસ્ટ્રીજ વિસ્તારના કારખાનેદારો તથા તેમના મિત્રો અને સગા-સબંધીઓ હોસ્પિટલે દોડી ગયા હતા. બનાવ અંગે મૃતકના પરિવારજનોને જાણ કરવામાં આવતા તેઓ પણ હોસ્પિટલે દોડી આવતા હોસ્પિટલની બહાર લોકોના ટોળા જોવા મળ્યા હતા.