મોરબી મહાનગરપાલિકા દ્વારા શહેરના રસ્તાઓને ટ્રાફિકમુક્ત અને પહોળા બનાવવા માટે ‘વન વીક વન રોડ’ ઝુંબેશ તેજ કરવામાં આવી છે. આ અભિયાન અંતર્ગત આજે મોરબીના વાવડી ચોકડીથી વાવડી ગામ સુધીના મુખ્ય માર્ગ પર નડતરરૂૂપ દબાણો દૂર કરવાની વ્યાપક કામગીરી હાથ ધરવામાં આવી હતી.
તંત્ર દ્વારા લેવાયેલા કડક વલણને પગલે વર્ષો જૂના દબાણો હટાવીને 18 મીટરના રોડને ખુલ્લો કરવામાં આવ્યો હતો, જેનાથી સ્થાનિક વાહનચાલકોને મોટી રાહત મળશે. આ કામગીરી અંગે વિગતો આપતા ડેપ્યુટી કમિશનર સંજય સોનીએ જણાવ્યું હતું કે, વાવડી ચોકડીથી વાવડી ગામ સુધીનો રસ્તો રેકોર્ડ પર 18 મીટરનો છે.
આ માર્ગ પર થયેલા દબાણો દૂર કરવા માટે અગાઉ 50 જેટલા દબાણકર્તાઓને નોટીસ આપવામાં આવી હતી, જેની અંતિમ મુદ્દત 11 જાન્યુઆરી હતી.
નોટીસને પગલે મોટાભાગના દબાણકર્તાઓએ પોતાના પાકા દબાણો જાતે જ હટાવી લીધા હતા. જોકે, જે કાચા-પાકા દબાણો બાકી રહી ગયા હતા, તેને આજે મહાનગરપાલિકાની ટીમ દ્વારા જેસીબીની મદદથી દૂર કરવામાં આવ્યા હતા અને રોડનું ચોકસાઈપૂર્વક માપન કરી તેને પહોળો કરવાની કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી.
બીજી તરફ, હળવદ નગરપાલિકાની ટીમ પણ આજે એક્શન મોડમાં જોવા મળી હતી. હળવદના મુખ્ય માર્ગો પર વધી રહેલા દબાણોને રોકવા માટે તંત્ર દ્વારા 150 થી વધુ દબાણકારોને અગાઉથી જ નોટીસ ફટકારવામાં આવી હતી. આજે કાર્યવાહી દરમિયાન સરા ચોકડી સહિતના વ્યસ્ત વિસ્તારોમાં રોડ પર ઉતરી આવેલા પતરાના શેડ તેમજ અન્ય કાચા-પાકા દબાણો તોડી પાડવામાં આવ્યા હતા. આ કામગીરીને પગલે રસ્તાઓ ખુલ્લા થતા શહેરના મુખ્ય વિસ્તારોમાં ટ્રાફિકની સમસ્યામાં ઘટાડો થવાની આશા છે.

