આજેની વહેલી સવારે દક્ષિણ ચીનનો મોટો હિસ્સો ભૂકંપના જોરદાર આંચકાથી ધ્રુજી ઉઠ્યો હતો. કુદરતી આફતના કારણે સમગ્ર વિસ્તારમાં અફરાતફરી અને ભયનો માહોલ સર્જાયો છે. સિસ્મોલોજી વિભાગના જણાવ્યા અનુસાર, રિક્ટર સ્કેલ પર આ ભૂકંપની તીવ્રતા 5.2 માપવામાં આવી છે. આંચકો એટલો તીવ્ર હતો કે લોકો ઊંઘમાંથી જાગીને જીવ બચાવવા ઘરની બહાર ખુલ્લા મેદાનમાં દોડી આવ્યા હતા.
આ ભૂકંપના કારણે દક્ષિણ ચીનના રહેણાંક અને વ્યાપારી વિસ્તારોમાં વ્યાપક નુકસાન થયું હોવાના અહેવાલો મળી રહ્યા છે. મળતી માહિતી મુજબ, આ આપત્તિમાં અત્યાર સુધીમાં બે નિર્દોષ લોકોના મોત નીપજ્યા છે, જ્યારે એક વ્યક્તિ હજુ પણ ગુમ હોવાનું કહેવાય છે. ભૂકંપના જોરદાર આંચકાને કારણે વિસ્તારની અનેક બહુમાળી અને જૂની ઇમારતો પત્તાના મહેલની જેમ ધરાશાયી થઈ ગઈ છે, જ્યારે અસંખ્ય મકાનોમાં મોટી તિરાડો પડી ગઈ છે. સુરક્ષાના પગલાં રૂૂપે વહીવટીતંત્ર દ્વારા જોખમી ઇમારતોને તાત્કાલિક ખાલી કરાવી દેવામાં આવી છે જેથી વધુ જાનહાનિ અટકાવી શકાય. 13 ઇમારતો જમીનદોસ્ત થઇ ગઇ છે અને 7 હજારથી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. ભુકંપ બાદ હજુ એક વ્યક્તિ લાપતા હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.
ઘટનાની ગંભીરતાને જોતા સ્થાનિક પ્રશાસન, ફાયર બ્રિગેડ અને આપત્તિ રેસ્કયુ ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. ધરાશાયી થયેલી ઇમારતોના કાટમાળ નીચે હજુ પણ કેટલાક લોકો ફસાયા હોવાની આશંકા છે. બચાવકર્મીઓ આધુનિક સાધનોની મદદથી કાટમાળ હટાવીને જીવિત લોકોને શોધવાનો અવિરત પ્રયાસ કરી રહ્યા છે. ઘાયલોને નજીકની હોસ્પિટલોમાં ખસેડવા માટે એમ્બ્યુલન્સ સેવાઓ સતત કાર્યરત છે. સત્તાવાળાઓ દ્વારા અસરગ્રસ્તો માટે કામચલાઉ આશ્રયસ્થાનો અને ભોજનની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. આગામી કલાકોમાં આફ્ટરશોક્સ આવવાની શક્યતાને ધ્યાનમાં રાખીને સ્થાનિક લોકોને સતર્ક રહેવા અને પાકા મકાનોથી દૂર રહેવાની સલાહ આપવામાં આવી છે.

