રાજકોટમાં વરસાદનું ઉલ્ટાપુલ્ટા, મોસમના કુલ વરસાદમાં પણ 8 ઇંચનો તફાવત
રાજકોટમાં છેલ્લા બે દિવસથી વાતાવરણમાં આવેલા પલ્ટાથી શહેરમાં વરસાદ પડી રહ્યો છે. આજે પણ મેઘરાજાએ શહેરીજનો પર આકાશી પાણી વરસાવ્યું હતું જેમાં બપોર સુધીમાં રૈયા અને મવડી વિસ્તારમાં ચાર ઇંચ તેમજ સામાકાંઠે માત્ર 1 ઇંચ વરસાદ પડયો હતો. સવારથી જ આવેલા વરસાદથી શહેરના મુખ્ય માર્ગો ઉપર પાણી ભરાઇ ગયા હતા. રૈયા વિસ્તારમાં ખાબકેલા ચાર ઇંચ વરસાદથી રસ્તાઓ ડુબી જતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડયો હતો. ઘણા લાંબા સમય બાદ ઇસ્ટઝોનમાં પડેલા વરસાદથી લોકોમાં ખુશીનો માહોલ છવાયો હતો અને વાતાવરણમાં ઠંડક પ્રસર્યો હોવાનો અહેસાસ કર્યો હતો.
રાજકોટમાં આજે સવારે 11 વાગ્યાથી વરસાદનું આગમન થયું હતું. બપોર સુધીમાં સેન્ટ્રલ ઝોનમાં 36 મીમી, ઇસ્ટ ઝોનમાં પણ 36 મીમી અને વેસ્ટ ઝોનમાં 106 મીમી વરસાદ મહાનગરપાલિકાના ચોપડે નોંધાયો હતો. વેસ્ટ ઝોનમાં આવેલા રૈયા, મવડી સહીતના વિસ્તારોમાં ચાર ઇંચ પાણી વરસી જતા ચોતરફ તલાવડાઓ ભરાયા હતા. રોડ-રસ્તા પર ઘુટણ સમા પાણી ભરાઇ ગયા હતા. વેસ્ટ ઝોનમાં સીઝનનો સૌથી ઓછો વરસાદ પણ નોંધાયો હતો જયારે આજે પડેલા એક સાથે ચાર ઇંચ વરસાદે વેસ્ટ ઝોન વિસ્તારમાં વસતા લોકોને ખુશખુશાલ કરી દીધા હતા. જો કે વેસ્ટ ઝોનમાં રોડ-રસ્તાની બદતર હાલતના કારણે કાદવ-કિચડનુ સામ્રાજય જોવા મળ્યું હતું. જેના કારણે લોકોને ચાલવામાં મુશ્કેલીનો સામનો કરવો પડયો હતો.
રાજકોટમાં સમયાન્તરે વરસાદ પડી રહ્યો છે. મહાનગરપાલિકાના આંકડા અનુસાર રાજકોટ સેન્ટ્રલમાં 665 એમએમ, ઇસ્ટમાં 518 એમએમ અને વેસ્ટમાં 702 એમએમ વરસાદ નોંધાયો છે. જો કે ઇસ્ટ અને વેસ્ટમાં આઠ ઇંચ જેટલા વરસાદનો તફાવત જોવા મળી રહ્યો છે. રાજકોટમાં કુલ 26 ઇંચ વરસાદ સિઝનનો નોંધાયો છે. હજુ પણ રાજકોટમાં વરસાદ પડે તેવી શહેરીજનો રાહ જોઇ રહ્યા છે. મેઘરાજાએ સૌથી વધુ કૃપા વેસ્ટ ઝોનમાં વરસાવી છે. જયારે ઇસ્ટ ઝોનને હજુ પણ તરસ્યા રાખ્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે રાજકોટમાં જરૂરીયાત કરતા ઓછો વરસાદ પડયો હોવાના કારણે પાણીની સમસ્યા પણ સર્જાઇ છે. જેના કારણે રાજકોટના આજી અને ન્યારી ડેમમાં સૌની યોજના થકી પાણી ઠાલવવામાં આવી રહ્યો છે. ત્યારે આગામી દિવસોમાં પણ નોંધપાત્ર વરસાદ થાય તેવી શહેરીજનો દ્વારા વરૂણ દેવ પાસે પ્રાર્થના કરવામાં આવી રહી છે.

