ગુજરાત

ભાવનગરથી તામિલનાડુ સીંગતેલનું ટેન્કર મોકલવાના બહાને 48 લાખની ઠગાઇ

Published

on

ઓઇલ મિલના ભાગીદાર દ્વારા ટ્રાન્સપોર્ટના માલિક વિરુધ્ધ ફરિયાદ : ટેન્કરમાંથી તેલ કાઢી પાણી ભેળવી ઔરંગાબાદ નજીક ટેન્કર પલટાવી છેતરપિંડી આચરી


ભાવનગરમાં આવેલી ઓઇલ મિલમાંથી રૂ.47.89 લાખની કિંમતનું સીંગતેલ ભરીને તામિલનાડુ મોકલવા માટે રવાના કરવામાં આવેલ ટેન્કરમાંથી સીંગતેલ કાઢી લઈને સીંગતેલના ઓછા જથ્થા સાથે પાણી ભેળવી દઈને મહારાષ્ટ્રના ઔરંગાબાદ અને બીડની વચ્ચે ટેન્કર પલ્ટી ખવરાવી દઈને ભાડાપેટે એસવાન્સ આપેલ રકમ સહિત રૂ.48.89 લાખની છેતરપિંડી અને વિશ્વાસઘાત કરવામાં આવતા ઓઇલ મિલના ભાગીદારે ટ્રાન્સપોર્ટ કંપનીના માલિક સહિત ત્રણ વિરુદ્ધ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
પ્રાપ્ત વિગત મુજબ ભાવનગરના મેઘાણી સર્કલ, રબર ફેક્ટરી રોડ પર આવેલ પ્લોટ નં.129/8 માં રહેતા અને કુંભારવાડામાં આવેલ વીઆઈપી પ્લોટ નં.સી-26 માં અબ્દુલ્લા મુસા નામથી પત્ની સાથે ભાગીદારીમાં ઓઇલ મીલ ધરાવતા અબ્દુલહમીદ અત્તાઉલ્લાભાઈ તેલીયા એ બોર તળાવ પોલીસ મથકમાં એવા મતલબ ની ફરિયાદ નોંધાવી છે કે, તેમની ઓઇલ મિલને ગોલ્ડન રિફાઈનરી પ્રા. લી. મુલાન્નૂર રોડ, વેલ્લાકોવીલ, તીરપુર, તામિલનાડુની પાર્ટીએ 30 ટન સીંગતેલ મોકલવાનો ઓર્ડર આપ્યો હતો. આ પાર્ટી સાથે અગાઉ પણ ડીલીંગ થઈ હોય તેમણે આ ઓર્ડર ક્ધફર્મ કરી તામિલનાડુ સીંગતેલ મોકલવા માટે કચ્છ ગાંધીધામની રોડ લાઈન્સ કંપની કે.એસ.વી. રોડ લાઇન્સના માલિક આશિષભાઈ પાંડે સાથે મોબાઈલ ફોન પર વાત કરી રૂ.1,62,000/- માં ટેન્કર ભાડે મોકલવાનું નક્કી કર્યું હતું.
ગઈ તા. 29/5 ના રોજ તેમણે તેમની ઓઇલ મીલમાંથી 30 ટન અને 10 કિલોગ્રામ સિંગતેલ કિં. રૂૂ.47,89,696/- ભરાવી ટેન્કરની વજન ચિઠ્ઠી કરાવી હતી અને ટેન્કર નં.જી.જે.12-બી.એક્સ.-6819 ના ચાલક વિકાસ રામ સજીવન નિષાદ મોડી રાત્રે ટેન્કર લઈને તામિલનાડુ જવા રવાના થયા હતા.
ત્યારબાદ તા.31/5 ના રોજ સવારે તેમણે ટેન્કરના ચાલકને ફોન કરતા આ ટેન્કર બરોડા હોવાનું જણાવ્યું હતું, આથી તેમણે ટેન્કરના માલિક આશિષભાઈ પાંડે ને ફોન કરીને પૂછતા તેમને ટેન્કર રીપેરીંગ માટે બરોડા ખોટી કર્યું હોવાનું જણાવી ભાડા પેટે રૂૂ.એક લાખ એડવાન્સની માંગણી કરતા તેમણે તેમના બેંક ખાતામાં રૂૂપિયા એક લાખ ટ્રાન્સફર કરાવ્યા હતા.
દરમિયાન તા. 04/6 ના રોજ અજાણ્યા મોબાઇલ ઉપરથી ફોન આવ્યો હતો અને પોતે કે.એસ.વી. રોડલાઇન્સનો માણસ હોવાનું જણાવી સીંગતેલ ભરેલું ટેન્કર મહારાષ્ટ્રમાં આવેલ બીડ નજીક પલટી મારી ગયેલ હોવાનું જણાવ્યું હતું આથી તેમને ટેન્કરના માલિકને ફોન કરી બનાવ અંગે જાણ કરતા તેમણે ટેન્કર પલ્ટી ખાઈ ગયું હોવાનું જણાવ્યું હતું, આથી તેમણે તેમના માસીના દીકરા મોહમ્મદ સુલેમાન મહમદ આશિક હીંગોરા (રહે. ઓરંગાબાદ) ને તપાસ કરવા મોકલતા તેમને ટેન્કર પલટી ખાઈ ગયું હોવાનું જણાવી તેના ફોટા મોકલ્યા હતા. આ ફોટામાં જોતા ટેન્કરમાંથી 30 ટન જેટલું તેલ ઢોળાયું હોવાનું જણાયુ ન હતું તેમ જ તેમાં પાણી મિક્સ કરવામાં આવ્યું હોવાની શંકા ગઈ હતી. આ ઘટનામાં કંઈક ખોટું થયું હોવાનું લાગતા તેવો અકસ્માત સ્થળે ગયા હતા અને અકસ્માત સ્થળે તપાસ કરતા 500 કિલોથી પણ ઓછું તેલ ઢોળાયેલું હોવાનું જણાતા તેમને તેમની સાથે છેતરપિંડી થઈ હોવાનો અહેસાસ થયો હતો અને મહારાષ્ટ્ર ચેટ પોસ્ટ ખાતે ટેન્કરની વજન ચિઠ્ઠી કરાવતા વજન 48300 કિલોગ્રામ આવ્યુ હતું, જ્યારે ભાવનગર થી ટેન્કર રવાના કરાવતી વખતે ટેન્કરનું વજન 43430 કિલોગ્રામ હતું આથી તેમની સાથે છેતરપિંડી કરવામાં આવી હોવાની ખાતરી થઈ હતી.
આ ઘટના અંગે બોરતળાવ પોલીસે કે.એસ.વી. રોડલાઇન્સના મલિક આશિષ પાંડે, તેના ચાલક વિકાસ રામ સજીવન નિષાદ અને ઓમપ્રકાશ કિશનરામ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version