અટલ સરોવરની 42 દુકાનો મનપાને ‘બટકી’ ગઇ! ચોથીવાર ટેન્ડર પ્રક્રિયા

રાજકોટ મહાનગરપાલિકાના સ્માર્ટ સિટી ડેવલપમેન્ટ લિમિટેડ દ્વારા અટલ સરોવરમાં બનાવવામાં આવેલી 42 દુકાનો ભાડે લેવા માટે કોઇ ધણી થતુ નથી. અત્યાર સુધી ત્રણ-ત્રણ વખત ટેન્ડર…

રાજકોટ મહાનગરપાલિકાના સ્માર્ટ સિટી ડેવલપમેન્ટ લિમિટેડ દ્વારા અટલ સરોવરમાં બનાવવામાં આવેલી 42 દુકાનો ભાડે લેવા માટે કોઇ ધણી થતુ નથી. અત્યાર સુધી ત્રણ-ત્રણ વખત ટેન્ડર બહાર પાડીને ઓફર મગાવવામા આવી હતી. આમછતા કોઇએ રસ ન લેતા ચોથી વખત ઓફર મગાવવામા આવી છે. પ્રતિ દુકાન રૂૂ. 4,48,734ની કિંમતની દૂકાનો ત્રણ વર્ષ માટે ભાડે આપવામા આવશે. બીજીબાજુ અટલ સરોવર બનાવીને તેના સંચાલન માટે ખાનગીકરણ કરી નાખવામા આવ્યુ છે. કોન્ટ્રાક્ટની શરત મુજબ પુરતી રાઇડસ પણ હજુ નખાઇ નથી.

રાજકોટ મહાનગરપાલિકાના સ્માર્ટ સિટી ડેવલપમેન્ટ લિમિટેડ દ્વારા બનાવવામાં આવેલા અટલ સરોવરની સાથે ખાણીપીણીના ધંધાર્થીઓને ઉપયોગમાં આવી શકે તેવી અલગ અલગ સાઇઝની 42 દૂકાનો પણ બનાવવામાં આવી છે. 2024માં આ અટલ સરોવરનું લોકાર્પણ કરાયા બાદ તુરંત જ મહાનગરપાલિકા દ્વારા આ 42 દૂકાનો ભાડે આપવા માટે પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. પણ, સ્માર્ટ સિટી અને ખાસ કરીને અટલ સરોવર વિસ્તારના ફેરીલેન્ડ સહિતની સુવિધાઓનો લાંબા સમય સુધી પ્રારંભ કરવામાં આવ્યો નહોય જાહેર રજાઓ અને રવિવારની રજા સિવાય મુલાકાતીઓનો પ્રવાહ ખુબ જ ઓછો રહે છે.

મહાનગરપાલિકા દ્વારા આ દુકાનો ઇ ઓક્શન દ્વારા ભાડે આપવા માટે અગાઉ અનેક વખત પ્રયાસ કરવામાં આવ્યા છે. પણ તેમાં અપસેટ કિંમત મુજબ પણ ભાવ ન મળતાં ઇ ઓક્શન રદ કરવુ પડ્યું હતું. હવે ધીમેધીમે માનવ પ્રવાહ અટલ સરોવર તરફ વધી રહ્યો છે. અને રહેણાંક તેમજ કોમર્શિયલ બાંધકામો પણ શરૂૂ થવા માંડ્યા છે ત્યારે ફરીથી મહાનગરપાલિકાના સ્માર્ટ સિટી ડેવલપમેનાટ લિમિટેડ દ્વારા દુકાનો ભાડે આપવા ચોથી વખત ટેન્ડરથી ઓફર મગાવવામા આવી છે. દુકાન ત્રણ વર્ષ માટે ભાડે આપવા માટે રીટેન્ડર કરવામાં આવ્યું છે. અગાઉ થયેલા ઓક્શન ફી એક દુકાનદીઠ 750 રાખવામાં આવી હતી. જ્યારે પ્રતી દુકાનદીઠ ત્રણ વર્ષના અપસેટ ભાડાની રકમ ઇએમડી તરીકે રૂૂ. 4,48,734 ઓનલાઇન ભરવાની શરત હતી. એક વર્ષ માટેનું ભાડું રૂૂ.1,49,578 અને ત્રણ વર્ષનું ભાડું રૂૂ. 4,48,734 નિયત કરાયુ હતુ. હવે ચોથી વખત ટેન્ડર પ્રક્રિયામાં શરતો અને ભાડામાં કોઇ ફેરફાર થાય છે કે કેમ? તે જોવાનું રહ્યુ.

પોણા બે કરોડનો ખર્ચ ‘ખંઢેર’ બનવા લાગ્યો, શરતો-નિયમોમાં ફેરફાર કરવા છતા કોઇ ધણી થતુ નથી
એક દુકાન 150 સ્ક્વેર ફૂટની છે. આવી 42 દુકાન બનાવવામા આવી છે. પ્રતિ દુકાન બનાવવાનો ખર્ચ રૂૂ.4 લાખ 48 હજારનો આવ્યો હતો. એ ગણતરીએ પોણા બે કરોડથી વધુનો ખર્ચ હાલ ધણી વગરનો પડ્યો છે. દુકાનો વણ વપરાયેલી અને મેનટેન્ટ થતી ન હોવાથી ખંઢેર બનવા લાગી છે. ઉલ્લેખનીય છે કે અગાઉના ટેન્ડરમાં એગ્સ-નોનવેજ પર પ્રતિબંધ અને ચા-કોફી માટે દેશમાં મિનિમમ 25 ફ્રેન્ચાઈઝ ધરાવતી બ્રાન્ડની શરત, સ્વખર્ચે વીજ-પાણી-ગેસ કનેક્શન અને સફાઈ તેમજ ધાબા પર સ્ટોરેજ બદલ પ્રતિદિન રૂૂ. 10,000ની પેનલ્ટી જેવા આકરા નિયમો હતા. જોકે નવેસરથી થનાર હરરાજીમાં આ નિયમો પણ હળવા કરવા માટે વિચારણા શરૂૂ કરાઇ છે.

શા માટે કોઇ ધણી થતું નથી? આ છે કારણો
હરવા ફરવાના શોખિન રાજકોટિયન્સને શહેરની ભાગોળે અટલ સરોવર જેવુ સુંદર નઝરાણુ મળ્યુ હોવા છતા અહીં આવેલા 42 દુકાનોના ફૂડ ઝોનમાં કોઇ ધંધાર્થીને શા માટે રસ નથી? કારણ જાણવા પ્રયાસ કરવામા આવતા અટલ સરોવરનો પ્રોજેક્ટ જેમની પાસે છે તે અધિકારી સિટી ઇજનેર પરેશ અઢિયાના જણાવ્યા મુજબ અટલ સરોવરના ફૂડ ઝોનનો કોન્સેપ્ટ જરા જુદો છે. અહીં નેચર ગાર્ડન છે. ગંદકી અને અન્ય પ્રદુષણ ન થાય તે માટે ફૂડ ઝોનમાં રસોઇ કરવાની મનાઇ છે. માત્રને માત્ર બહારથી તૈયાર કરીને અહીં પેકેજીંગ ફૂડ આઇટમ લાવીને જ વેંચાણ કરવાની મંજૂરી છે. આ કોન્સેપ્ટ હજુ સુધી ખાણીપીણીના ધંધાર્થીઓને બંધ બેસતો ન હોય તેવુ લાગે છે. બીજુ એક કારણ એ પણ છે કે, રજા અને તહેવારના દિવસો સિવાય અહીં ઘરાકી મળતી નથી તેવુ ફૂડ બીઝનેશ સાથે જોડાયેલા ધંધાર્થીઓનું માનવુ છે.