બોટાદમાં ટ્રેન નીચે ઝંપલાવતા માતા-પુત્રીના મોત, બે વર્ષનો પુત્ર ગંભીર

બોટાદના ભાવનગર રોડ રેલવે ફાટક નજીક આજે હૃદયદ્રાવક ઘટના બની હતી. બોટાદથી ધોળા તરફ જઈ રહેલી માલગાડી નીચે 30 વર્ષીય આરતીબેન યોગેશભાઈ કહોદરીયાએ પોતાના બે…

બોટાદના ભાવનગર રોડ રેલવે ફાટક નજીક આજે હૃદયદ્રાવક ઘટના બની હતી. બોટાદથી ધોળા તરફ જઈ રહેલી માલગાડી નીચે 30 વર્ષીય આરતીબેન યોગેશભાઈ કહોદરીયાએ પોતાના બે સંતાનો સાથે પડતું મૂક્યું હતું. આ ઘટનામાં માતા આરતીબેન અને 3 વર્ષીય પુત્રી ક્રિશાનું મોત નીપજ્યું હતું, જ્યારે 2 વર્ષીય પુત્ર ક્રિયાનશ ગંભીર રીતે ઘાયલ થતાં તેને વધુ સારવાર માટે ભાવનગર ખસેડવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ, ગઢડીયા ગામની વતની આરતીબેનનાં લગ્ન ગઢડાના ટાટમ ગામના યોગેશભાઈ સાથે થયાં હતાં. હાલ તેઓ બોટાદના ભાંભણ રોડ પર સ્વામિનારાયણ મંદિર નજીક રહેતાં હતાં.

પતિ-પત્ની બંને હીરા ઘસવાનું કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતાં હતાં. આરતીબેન અને તેમના ભાઈનાં સામસામે લગ્ન થયાં હોવાથી બંને પરિવારો વચ્ચે અવારનવાર માથાકૂટ થતી હોવાની પ્રાથમિક વિગતો સામે આવી છે. આ પારિવારિક વિખવાદના કારણે આરતીબેને આ પગલું ભર્યું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. બનાવની જાણ થતાં પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે બોટાદ સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. દિયરના પરિવાર દ્વારા ફરિયાદ ન કરવાની વાત સામે આવી છે, જ્યારે પિયર પક્ષે ફરિયાદ નોંધાવવાની તૈયારી દર્શાવી છે. જોકે, ઘટનાનું ચોક્કસ કારણ જાણવા પોલીસે તપાસ હાથ ધરી છે.