ભીચરી નજીક વેપારી કાકા-ભત્રીજા સહિત 4 ઉપર બે સ્થળે ફિલ્મી ઢબે હુમલો

વાડીએ જમવા ભેગા થયેલા ઇમીટેશનના વેપારીની કારમાં પણ તોડફોડ વેપારી પિતા-પુત્ર સહિત ત્રણને વાડીથી ઘરે જતી વખતે રસ્તામાં આંતરી માર માર્યો; પિતા-પુત્ર સહિતના શખ્સો સામે…

વાડીએ જમવા ભેગા થયેલા ઇમીટેશનના વેપારીની કારમાં પણ તોડફોડ

વેપારી પિતા-પુત્ર સહિત ત્રણને વાડીથી ઘરે જતી વખતે રસ્તામાં આંતરી માર માર્યો; પિતા-પુત્ર સહિતના શખ્સો સામે ગુનો નોંધાયો

શહેરના ભાગોળે ભીચરી નજીક જૂની અદાવત અને જમવા બોલાવવા જેવી સામાન્ય બાબતે થયેલી બોલાચાલીએ લોહિયાળ જંગનું સ્વરૂપ ધારણ કર્યું છે. પિતા પુત્ર સહિતની આણી ટોળકીએ બે કલાકમાં બે સ્થળે ફિલ્મીઢબે હુમલો કરતા આ હુમલામાં ઈમિટેશનના વેપારીની ઉપર હુમલો કરી કારમાં તોડફોડ કર્યા બાદ ઓમ તિરુમાલા સોસાયટીમાં રહેતા વાડી માલિક પરિવાર ઉપર પણ હુમલો કરી એકટીવામાં તોડફોડ કરી હતી. હુમલામાં પિતા-પુત્ર અને પિતરાઈ ભાઈને ઈજા થતા સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ મામલે આજીડેમ પોલીસે પિતા-પુત્ર સહીતના સામે ગુનો નોંધ્યો છે.

ભીચરી અને મહિકા વિસ્તારમાં બે કલાકમાં બે સ્થળે ફિલ્મીઢબે થયેલ હુમલાની ઘટનાની મળતી વિગત મુજબ, માંડાડુંગર વિસ્તારમાં રહી ઈમિટેશનનું કામ કરતા સવજીભાઈ ઉર્ફે વાલજીભાઈ બાબુભાઈ જાદવ (ઉં.વ. 35)ની ફરિયાદને આધારે જગાભાઈ કાનાભાઈ ડાભી, શૈલેષભાઈ કાનાભાઈ ડાભી અને રાજુભાઈ જગાભાઈ ડાભી સહિતના સામે ગુનો નોધાયો છે. ફરિયાદમાં સવજીભાઈએ જણાવ્યું હતું કે, રવિવાર, 26 એપ્રિલ 2026ના રોજ રાત્રિના સમયે સવજીભાઈએ તેમના કાલાવડ રોડ ઉપર નારાયણનગરમાં રહેતા અને સામાકાંઠે ઈમિટેશન નું કામ કરતા વેપારી અંકિતભાઈ દિલીપભાઈ મહેતાને પોતાની ભીચરી ગામ પાસે આવેલી વાડીએ જમવા માટે બોલાવ્યા હતા. આ દરમિયાન ત્યાં રહેતા જગાભાઈ કાનાભાઈ ડાભી, જેમને અંકિતભાઈ સાથે અગાઉ ધંધાકીય બાબતે મનદુ:ખ હતું, તેઓ ત્યાં ધસી આવ્યા હતા.

મારે અંકિત સાથે બનતું નથી તો તમે તેને જમવા કેમ બોલાવ્યો?” તેમ કહી જગાભાઈએ ગાળાગાળી કરી ઝઘડો શરૂ કર્યો હતો. પ્રાથમિક તબક્કે મામલો થાળે પડ્યો હોય તેમ જણાતું હતું, પરંતુ આ માત્ર એક મોટા હુમલાની શરૂઆત હતી. રાત્રિના આશરે 11 વાગ્યાના અરસામાં હુમલાની પ્રથમ ઘટના બની હતી. ભીચરી ખાતે સવજીભાઈની વાડીએ જમવા આવેલ અંકિતભાઈ દિલીપભાઈ મહેતા વાડીએ થી તેમના ત્રણ કમર્ચારી સાથે ઘરે જવા નીકળ્યા ત્યારે ભીચરી નજીક જગાભાઈ કાનાભાઈ ડાભી, શૈલેષભાઈ કાનાભાઈ ડાભી અને રાજુભાઈ જગાભાઈ ડાભી સહિતનાએ રસ્તામાં આંતરી વાડી પાસે ઝગડો કર્યો હતો અને અંકિતભાઈ ઉપર હુમલો કરી તેમની વર્ના કાર જીજે 03 એન.કે. 9232ના તોડફોડ કરી હતી.

આ બાબતે અંકિતભાઈએ ફોન કરી સવજીભાઈને જાણ કરી કે જગાભાઈ તથા તેની સાથેના માણસોએ અમારી ગાડી ના કાચ તોડી નાખેલ છે તમે વાડીએથી ઘરે જતા રહેજો, થોડીવારમાં સવજીભાઈ અને કાકા સહિતના વાડીએ રોકાયેલ હોય અને બાદ રાત્રિના 11 વાગે સવજીભાઈની પત્ની એ મને ફોન કરી જાણ કરેલ કે અડધા કલાક પહેલાં જગાભાઈ અને તેનો દીકરો રામુ અને બીજા અજાણ્યા માણસોએ ઘરે આવી તોડફોડ કરી આપણા ઘરના ડેલા ઉપર તલવાર અને લાકડીના ઘા કર્યા છે.

જેથી સવજીભાઈ તેનું એકટીવા મોટરસાયકલ લઈ અને પિતા વાલજીભાઈ અને પિતરાઈ ભાઈ વિનુભાઈ સ્પ્લેન્ડર મોટરસાયકલ લઈ ઘરે જવા નીકળેલા હતા અને રઘુનંદન સોસાયટીની દિવાલ પાછળ વાડીએ જવાના રસ્તે પહોંચેલ ત્યારે જગાભાઈ ડાભી તથા તેના ભાઈ શૈ લેષભાઈ ડાભી અને તેનો દીકરો રાજુભાઈ પોતાના વાહનો લઈ આવેલ હતા અને રસ્તા આંતરી ફિલ્મીઢબે હુમલો કર્યો હતો. તેમજ સવજીભાઈના એકટીવા મોટરસાયકલ માં પણ તોડફોડ કરી હતી. ઈજાગ્રસ્ત સવજીભાઈ તેમજ સવજીભાઈ, તેમના પિતા બાબુભાઈ અને પિતરાઈ ભાઈ વિનુભાઈ પર તૂટી પડ્યા સવજીભાઈને માથામાં ગંભીર ઈજા થતા 6 ટાંકા આવ્યા છે અને ડાબા હાથમાં લાકડીના ફટકાને કારણે ફ્રેક્ચર થયું છે. તેમજ બાબુભાઈ અને વિનુભાઈ બંનેને માથાના ભાગે ગંભીર ઈજાઓ થઇ હતી.

આ મામલે આજીડેમ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ, પોલીસે ત્રણેય નામજોગ આરોપીઓ અને અન્ય અજાણ્યા શખ્સો વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે: આ કેસની તપાસ પીએસઆઈ પી.એચ. પઢેરીયા ચલાવી રહ્યા છે. પોલીસે આરોપીઓને ઝડપી પાડવા અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ભઠ્ઠી ચલાવતા શખ્સને કામ આપવાનું બંધ કર્યાનો ખાર રાખી બે સ્થળે હુમલા કરાયા
બે સ્થળે ફિલ્મીઢબે થયેલ હુમલા અને તોડફોડની ઘટના પાછળ ઈમીતેશનનું કામ આપવાની બાબત કારણભૂત છે. સવજીભાઈ ઉર્ફે વાલજીભાઈ જાદવના જણાવ્યા મુજબ, તેઓએ રવિવારની રાત્રે ઈમિટેશનના વેપારી અંકિતભાઈ મહેતાને વાડીએ જમવા માટે બોલાવ્યા હતા. આરોપી જગાભાઈ કાનાભાઈ ડાભી જે ઈમિટેશનની ભઠ્ઠી ચલ્વતો હોય તેને અંકિતભાઈએ ઈમિટેશનનું કામ આપવાનું બંધ કરી દેતા બન્ને વચ્ચે ધંધાકીય બાબતે મનદુ:ખ હોવાથી, જગા ડાભીએ વાલજીભાઇને તમે અંકિતને જમવા કેમ બોલાવ્યો?” તેમ કહી ઝઘડો શરૂ કર્યો હતો. આ અદાવત રાખી આરોપીઓએ પૂર્વ આયોજિત કાવતરું રચ્યું હતું.અને જગા ડાભી સહિતની આણી ટોળકીએ બે સ્થળે હુમલો કરી અને તોડફોડ કરી હતી. પ્રથમ ભીચરી અંકીતભાઈ ઉપર હુમલો કરી કારમાં તોડફોડ અને બાદમાં સવજીભાઈના ઘરના ડેલા પર તલવારના ઘા ઝીંકી નુકસાન પહોંચાડ્યું હતું. ત્યારબાદ, જ્યારે સવજીભાઈ અને તેમના પિતા વાડીએથી ઘરે પરત ફરી રહ્યા હતા, ત્યારે રઘુનંદન સોસાયટી પાસે આરોપી જગાભાઈ, શૈલેષભાઈ અને રાજુભાઈએ તેમને આંતરી લાકડીઓ વડે બેફામ માર માર્યો હતો.