રાષ્ટ્રીય
મુંબઈમાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થતાં એક જ પરિવારના 3 લોકોનાના મોત , એક ઈજાગ્રસ્ત
દિવાળીની પૂર્વસંધ્યાએ નવી મુંબઈમાં ગેસ સિલિન્ડરમાં વિસ્ફોટ થયો હતો. આ વિસ્ફોટમાં એક જનરલ સ્ટોર અને એક મકાનમાં આગ લાગી હતી. જેમાં એક જ પરિવારના ત્રણ સભ્યોના મોત થયા હતા અને એક ઈજાગ્રસ્ત થયો હતો. આ મામલાની માહિતી આપતા પોલીસે કહ્યું કે, ‘મૃત્યુ પામેલાઓમાં બે બાળકો પણ સામેલ છે.’
નવી મુંબઈના ઉલવેમાં કરિયાણાની દુકાનમાં ગેસ સિલિન્ડર વિસ્ફોટ થતા ત્રણ લોકોના મોત થયા છે. સિલિન્ડર ફાટવાના કારણે દુકાનમાં આગ લાગી હતી. ત્યાં હાજર લોકોએ તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરી હતી. માહિતી મળતાની સાથે જ ફાયર બ્રિગેડના જવાનો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને આગ પર કાબૂ મેળવ્યો હતો અને ઈજાગ્રસ્તને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં તેની સારવાર ચાલી રહી છે.
નવી મુંબઈના એડિશનલ કમિશનર ઑફ પોલીસ (ACP)એ ઘટના વિશે માહિતી આપતાં કહ્યું કે અમને 30 ઑક્ટોબરે રાત્રે લગભગ 8 વાગ્યે એક વ્યક્તિના ઘરે માહિતી મળી હતી. કરિયાણાની દુકાનમાં આગ લાગી છે.
આગની જાણ થતાં જ પોલીસે ઘટના સ્થળે પહોંચી પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. ACPએ જણાવ્યું હતું કે પ્રાથમિક દૃષ્ટિએ જાણવા મળ્યું હતું કે કરિયાણાની દુકાનમાં ત્રણ ગેસ સિલિન્ડર ફાટ્યા હતા, જેના કારણે દુકાન અને મકાનમાં આગ લાગી હતી. 5 કિલોના બે નાના અને 12 કિલોના એક સિલિન્ડરમાં વિસ્ફોટ થયો હતો. આ ઘટનામાં ઘાયલની પત્ની (મંજુ) અને બે બાળકોના મોત થયા હતા. આ ઘટનામાં રમેશને ઈજા થઈ હતી. અધિકારીએ વધુમાં જણાવ્યું કે રમેશ રાજસ્થાનનો રહેવાસી હતો. પરિવાર સાથે મુંબઈમાં રહેતો હતો. તેમણે જણાવ્યું કે ઘાયલની અપોલો હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.
ચીફ ફાયર ઓફિસર વિજય રાણેએ પણ ઘટના અંગે જણાવ્યું હતું અને જણાવ્યું હતું કે અમે ઘટનાસ્થળે પહોંચી આગને કાબુમાં લીધી હતી. સ્થાનિક લોકો દ્વારા ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અમે 2 ફાયર એન્જિનની મદદથી આગને કાબુમાં લીધી હતી. પ્રાથમિક દ્રષ્ટિએ એવું લાગે છે કે આગ ગેસ સિલિન્ડરમાં વિસ્ફોટના કારણે લાગી હતી, પરંતુ તેનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી.