રાજકોટ શહેરના કોઠારીયા રોડ પર આવેલી સરકારી જમીન પર ખડકાયેલા ગેરકાયદે દબાણો સામે તંત્રએ લાલ આંખ કરી છે. પૂર્વ મામલતદારની આગેવાનીમાં આજે એક મોટી ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, જેમાં વર્ષો જૂના દબાણો દૂર કરીને અંદાજે 200 ચોરસ મીટર જમીન ખૂલ્લી કરવામાં આવી હતી.
મળતી માહિતી મુજબ, કોઠારીયા રોડ પર આવેલ સર્વે નંબર 352 પૈકીની જમીન પર છેલ્લા કેટલાય સમયથી સ્થાનિકો દ્વારા વાણિજ્યિક દબાણ કરવામાં આવ્યું હતું. આ જગ્યા પર કેટલીક હોટલો અને દુકાનો ગેરકાયદેસર રીતે ધમધમી રહી હતી. તંત્ર દ્વારા અગાઉ આ દબાણકર્તાઓને લેખિતમાં નોટિસ પણ આપવામાં આવી હતી, છતાં દબાણ દૂર કરવામાં ન આવતા આખરે તંત્રએ કડક વલણ અપનાવ્યું હતું.
આજે સવારથી જ પૂર્વ મામલતદારની ટીમ પોલીસ કાફલા સાથે કોઠારીયા રોડ પર પહોંચી ગઈ હતી. દબાણ હટાવો ઝુંબેશ દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. સાથે જ, પીજીવીસીએલ નો સ્ટાફ પણ સ્થળ પર હાજર રહ્યો હતો, જેથી વીજ જોડાણો સમયસર કાપી શકાય.
