ગુજરાત
મહુવાના ભૂતેશ્ર્વરમાંથી અપહરણ કરી સગીરાના દેહને અભડાવનારને 20 વર્ષની કેદ
દોઢ વર્ષ પહેલાં બનેલા બનાવમાં કોર્ટનો ચુકાદો
દોઢેક વર્ષ પુર્વે ભાવનગર જીલ્લાના મહુવા તાલુકાના ભુતેશ્વર ગામે રહેતા એક શખ્સે એક સગીરા ની સાથે બળાત્કાર ગુજાર્યાની પોલીસ ફરીયાદ મહુવા પો.સ્ટે. માં નોંધાણી હતી. આ અંગેનો કેસ મહુવાની કોર્ટમાં ચાલી જતા અદાલતે મુખ્ય આરોપી સામે ગુનો સાબીત માની 20 વર્ષની સખ્ત કેદની સજા અને રોકડ દંડ ફટકાર્યો હતો.
આ બનાવની જાણવા મળેલ વિગતો મુજબ મહુવાના ભુતેશ્વર ગામ, ડાભી શેરી, જી. ભાવનગર માં રહેતા અને છુટક ડ્રાઇવીંગનો ધંધો કરતા વનરાજભાઈ નાથાભાઈ ઢાપા ઉ.વ.23 નામના શખ્સે ફરીયાદીની સગીર વયની ભોગબનનાર દીકરી ઉ.વ.13 વર્ષ અને 11 માસની ને તા. 5/4/2023 ના રોજ બપોરના ત્રણેય વાગ્યે ભોગબનનાર સગીર વયની હોવાનું જાણતા હોવા છતા ભોગબનનારનું ફરીયાદીના કાયદેસરના વાલીપણામાંથી લલચાવી ફોસલાવી અપહરણ કરી જુનાગઢ ખાતે લઇ જઈ, શરીર સંબંધ બાંધી તથા ફરીયાદીના ત્રણેક મહીના પહેલા ભાદ્રોડ ગામે એક કારખાનામાં બેઠક રૂમમાં બળાત્કાર કરી વાલીપણામાંથી લઈ જઈ ગુનો કરેલ.
આ બનાવ અંગે જે તે સમયે મહુવા પોલીસ મથકમાં ગુ.રજી.નં. 475/ 2023 તા. 6/4/2023 ના રોજ આરોપી સામે ફરીયાદ નોંધાતા પોલીસે આરોપી સામે ગુનો નોંધાયો હતો.
આ અંગેનો કેસ મહુવાના ચોથા એડી. સેશન્સ જજ તથા એફ.ટી.સી. (પોકસો) કોર્ટ ના જજ અતુલકુમાર એસ. પાટીલ ની અદાલતમાં ચાલી જતા અદાલતે સરકારી વિકલ કમલેશ કેસરીની અસરકારક દલીલો, 17 મૌખીક પુરાવા તથા 31 લેખીત દસ્તાવેજો વિગેરે ધ્યાને રાખી મુખ્ય આરોપી વનરાજભાઈ નાથાભાઇ ઢાપા સામે ભારતીય દંડ સંહિતાની કલમ 366 મુજબના શિક્ષાને પાત્ર ગુન્હા સબબ તકસીરવાન ઠેરવી 7 વર્ષની કેદની સજા અને રૂા. 10 હજારનો રોકડ દંડ અને દંડ ન ભરે તો વધુ 3 માસની સખ્ત કેદની સજા તથા ભારતીય દંડ સંહિતાની કલમ- 71 તથા જનરલ ક્લોઝીસ એક્ટની કલમ-26 તથા પોક્સો એક્ટની કલમ 42 સાથે વાંચતા ક્રિમીનલ લો (એમેન્ડમેન્ટ) એક્ટ -2018 ની કલમ 376(3) મુજબના ગુન્હામાં તકસીરવાન ઠેરવી 20 વર્ષની સખ્ત કેદની સજા તથા રૂૂા. 10 હજાર નો દંડ તથા દંડ ન ભરે તો વધુ 3 માસ ની સખ્ત કેદની સજા ફરમાવવામાં આવે છે. તેમજ આ કામે ભોગનનારને પુન:વસન માટે તેમજ શારરીક અને માનસીક વ્યથા સબબ પોકસો એક્ટની કલમ-33(8) મુજબ તથા સી.આર.પી.સી. કલમ 357(એ) મુજબ આરોપીએ ભરેલ દંડની રકમ રૂા. 20 હજારનું વળતર પેટે આપવાનો કોર્ટે હુકમ કર્યો હતો.