ક્રાઇમ

રાજકોટના સોની વેપારી સાથે રૂા.2.56 કરોડની ઠગાઈ

Published

on

દુકાનમાં જ કામ કરતા બે સગા ભાઈઓ દાગીના બનાવવા માટેનું સોનું લઈ ફરાર થઈ જતાં પોલીસ ફરિયાદ


રાજકોટના સોની બજારમાં સોની વેપારીને ત્યાં કામ કરતા બે સગા ભાઈઓ રૂા. 2.56 કરોડનું સોનું લઈને ફરાર થઈ જતાં આ મામલે પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. પશ્ર્ચિમ બંગાળના આ બન્ને સગા ભાઈઓ છેલ્લા 10 મહિનાથી વેપારીને ત્યાં કામ કરતા હતાં. અને 13 દિવસ પૂર્વે સોનાના દાગીના બનાવવા માટે આપેલું 3816.840 ગ્રામ સોનું લઈને ભાગી ગયા હતાં. આ મામલે પોલીસે ગુનો નોંધી બન્ને ભાઈઓની શોધખોળ શરૂ કરી છે.
મળતી વિગતો મુજબ રાજકોટના લક્ષ્મીવાડી મેઈન રોડ ઉપર નરેન્દ્ર પેલેસ એપાર્ટમેન્ટ ફ્લેટ નં. 101માં રહેતા અને છેલ્લા ઘણા વખતથી સોની બજારમાં જૂની ગધીવાડમાં આવેલ સોની ચેમ્બરની બાજુમાં શ્રધ્ધા કોમ્પલેક્ષમાં શ્રી બંશીધર જવેલર્સ નામની દુકાન ધરાવતા આશિષભાઈ જાદવભાઈ નાંઢાએ નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે પશ્ર્ચિમ બંગાળના હુગલી જિલ્લાના બાબનાન દાદપુર તાલુકાના ઉત્તરગુનપાલા નામના ગામના વતની ગૌરાંગ તરુણદાસ અને તેનો ભાઈ સૌરભ તરુણદાસનું નામ આપ્યું છે. ફરિયાદમાં આશિષભાઈએ જણાવ્યા મુજબ તેઓ ઘણા વખતથી સોની બજારમાં પેઢી ધરાવે છે અને સોનાના દાગીના બનાવવાનું કામ કરતા હોય ગૌરાંગોદાસ અને તેનો ભાઈ સૌરભદાસ જાન્યુઆરી મહિનામાં આશિષભાઈને ત્યાં નોકરી પર લાગ્યા હતાં.


સોનાના દાગીના બનાવવાનું કામ કરતા બન્ને ભાઈઓ છેલ્લા 10 મહિનાથી અલગ અલગ ઘાટના દાગીના બનાવતા હતા દરમિયાન બન્ને ભાઈઓ ગત તા. 4-10થી અચાનક જ દુકાને કામે આવ્યા ન હતાં. જેથી વેપારીએ તેના ઘરે તપાસ કરતા ગૌરાંગોદાસ અને સૌરભ દાસ ઘરે હાજર મળ્યા ન હતાં. તે દરમિયાન તપાસ કરતા ગૌરાંગોદાસ અને સૌરભદાસે આશિષભાઈ સોની પાસેથી સોનાના દાગીના બનાવવા માટેનું 3816.840 ગ્રામ સોનું દુકાનમાંથી લઈ ભાગી ગયા હોય રૂા. 2.56.12.932ની કિંમતનું સોનું લઈને ભાગી ગયેલા આ બન્ને ભાઈઓ વિરુદ્ધ આશિષભાઈએ એડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આ મામલે ગુનો નોંધી બન્ને ભાઈઓની શોધખોળ શરૂ કરી છે.

પોલીસ દ્વારા કારીગરોનું વેરિફીકેશન છતાં ચોરી અને છેતરપિંડીના બનાવો વધ્યા
સોની બજારમાં સોની વેપારી તેમજ અલગ અલગ પેઢીઓમાં કામ કરતા આશરે 90 હજારથી વધુ સોની કારીગરો કે, જેઓ પશ્ર્ચિમ બંગાળ સહિતના અન્ય રાજ્યોના વતની હોય તેનું વેરીફીકેશન ફરજિયાત બનાવવમાં આવ્યું છે. અને પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું બહાર પાડી સોની બજારમાં કામ કરતા કારીગરોની નજીકના પોલીસ સ્ટેશનમાં નોંધણી કરાવવા માટે આદેશ કરાયો હોય અને આ જાહેરનામાનો ભંગ કરનાર 100થી વધુ સોની વેપારીઓ સામે પોલીસે ગુના નોંધ્યા હોવા છતાં ચોરી અને છેતરપીંડીના બનાવો અટક્યા નથી અને દિવાળી નજીક આવતા જ સોનીબજારના વેપારીઓ સાથે આવા બનાવો અવાર નવાર બનતા રહે છે. પોલીસ દ્વારા રૂા. 2.56 કરોડનું સોનું લઈને ભાગી છુટેલા બન્ને ભાઈઓ ગૌરાંગોદાસ અને સૌરભદાસના મુળ વતન પશ્ર્ચિમ બંગાળના ઘર અને પરિવારની માહિતી હોય આ મામલે પોલીસે તપાસ શરૂ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version